દીપડાને પકડવાનાં સાધનો માટે સરકારે ૧૧ કરોડ રૂપિયા ફાળવ્યા, દર એક કિલોમીટરના અંતરે AI બેઝ્ડ અલર્ટ સિસ્ટમ મૂકવાની તૈયારી
અહિલ્યાનગરમાં માનવભક્ષી દીપડાને ઠાર કરવામાં આવ્યો
રાજ્યમાં દીપડો માનવવસ્તી સુધી આવી જાય છે અને માણસો પર અવારનવાર હુમલા કરે છે. દીપડાના હુમલા રોકવા અને તેમના પર નજર રાખવા પુણે, અહિલ્યાનગર અને નાશિક જિલ્લામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) બેઝ્ડ અલર્ટ સિસ્ટમ, તેમને પકડવા વધારાનાં પાંજરાં અને એમને ટ્રૅક કરવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે એમ રાજ્યના ફૉરેસ્ટ મિનિસ્ટર ગણેશ નાઈકે જણાવ્યું છે. દીપડાઓને પકડવા માટે સ્થાનિક યુવાનોની મદદ લેવામાં આવશે જે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે મળીને કામ કરશે એમ તેમણે વધુમાં કહ્યું હતું.
જુન્નર જંગલ વિભાગના શિરુરમાં એક મહિનામાં દીપડાએ કરેલા હુમલામાં ત્રણ જણે જીવ ગુમાવ્યા છે. દીપડાના હુમલાને કારણે ગુસ્સે ભરાયેલા લોકોએ અગાઉ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની વૅનને આગ ચાંપી દીધી હતી.
ADVERTISEMENT
ગણેશ નાઈકે કહ્યું હતું કે ‘પહેલાં ૨૦૦ પાંજરાં હતાં અને હવે જ્યાં સૌથી વધુ દહેશત છે એ જુન્નરમાં ૧૦૦૦ જેટલાં પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે. દર એક કિલોમીટરના અંતરે AI બેઝ્ડ અલર્ટ સિસ્ટમ ગોઠવવામાં આવશે જેથી ગામમાં દીપડો આવે તો એની જાણ ગ્રામવાસીઓને થઈ શકે.’
ખેતરોમાં રાતે વીજળી મળતી હોવાથી પાણી વાળવા રાતે ખેતરે જવું પડતું હોવાથી હવે એ બાબતનું ધ્યાન રાખવામાં આવશે કે તેમને પાવરની સપ્લાય દિવસમાં જ મળે જેથી રાતે ખેડૂતોએ ખેતરે ન જવું પડે એમ જણાવતાં ગણેશ નાઈકે વધુમાં કહ્યું હતું કે ‘દીપડાને પકડવાનાં સાધનો વસાવવા માટે ૧૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ તરત રિસ્પૉન્સ આપી શકે અને તેમને સર્વેલન્સમાં પણ મદદ મળી શકે એ માટે તેમને ડ્રોન અને વાહનો આપવામાં આવ્યાં છે. દીપડાને પકડવા અને તેમની માનવ સાથેની મૂઠભેડ ટાળવા ત્રણ જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે પ્રયાસ થઈ રહ્યા છે. અમે અધિકારીઓને ઇમર્જન્સીમાં ફન્ડ વાપરવા ડિસ્ટ્રિક્ટ ઍડ્મિનિસ્ટ્રેશનની પરવાનગી લેવાની જરૂર નથી એવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.’
નાશિકમાં મિલિટરી સ્કૂલ પાસે દીપડો જોવા મળ્યો
નાશિકમાં આવેલી ભોસલે મિલિટરી સ્કૂલ ઍન્ડ કૉલેજ પાસે સોમવારે દીપડો દેખાયો હતો એને કારણે આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો હતો. નાશિકના મહાત્માનગરના ગંગાપુરમાં આવેલી ભોસલે મિલિટરી સ્કૂલ ઍન્ડ કૉલેજના ગાર્ડે ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે દીપડાને ભાગતો જોયો હતો.
આ બાબતે મહિતી આપતાં ઑફિસરે કહ્યું હતું કે ગાર્ડે દીપડાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ દીપડો કૂદીને નજીકની ઝાડીઓમાં સરકી ગયો હતો. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ-કર્મચારીઓએ એ પછી દીપડાની શોધખોળ કરી હતી. દીપડાને શોધી કાઢવા ડ્રોનની મદદ લેવામાં આવી હતી. મિલિટરી સ્કૂલે સાવચેતીની દૃષ્ટિએ સ્કૂલમાં રજા આપી દીધી હતી.
અહિલ્યાનગરમાં માનવભક્ષી દીપડાને ઠાર કરવામાં આવ્યો
૧૫ દિવસમાં બે વ્યક્તિના જીવ લેનાર દીપડાને માનવભક્ષી જાહેર કર્યા બાદ વન વિભાગે એને ગોળી મારીને ઠાર કર્યો હતો. નાશિક અને પુણેની બચાવ-ટીમો તેમ જ પ્રખ્યાત શાર્પશૂટર ડૉ. રાજીવ શિંદે અને સંગમનેર, કોપરગાવ વગેરે રેન્જના વન અધિકારીઓને આ કામગીરી સોંપવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં કૅમેરા-ટ્રૅપ, ફૂટમાર્ક્સ ટ્રૅક કરવા અને દીપડાને શોધવા માટે બે થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શનિવારે સાંજે કોપરગાવમાં એક મરઘાફાર્મ પાસે કેટલાક ગ્રામજનોએ દીપડો જોયો હોવાની જાણ કર્યા પછી એને શોધતી વખતે દીપડાએ અચાનક આક્રમક હુમલો કર્યો હતો. એના જવાબમાં રાજીવ શિંદેએ રાતે ૯.૪૫ વાગ્યે દીપડાને ગોળી મારી હતી જેમાં દીપડાનો જીવ ગયો હતો. આ દીપડો છએક વર્ષનો નર દીપડો છે. એને પોસ્ટમૉર્ટમ માટે રાહુરી તાલુકાના બારાગાવ નંદુર નર્સરીમાં મોકલવામાં આવ્યો છે.


