Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હૃદયદ્રાવક! પતિના અવસાનના આઘાતમાં પત્નીએ પણ દમ તોડ્યો

હૃદયદ્રાવક! પતિના અવસાનના આઘાતમાં પત્નીએ પણ દમ તોડ્યો

Published : 18 July, 2026 08:05 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ઘાટકોપરના પ્રખ્યાત ઝવેરી હસમુખ રાજપરાના અવસાન પછી માત્ર ૩૦ કલાકમાં તેમનાં પત્ની હર્ષાનું પણ નિધન, ગઈ કાલે એકસાથે કરવામાં આવ્યા બન્નેના અંતિમ સંસ્કાર

હસમુખ રાજપરા અને તેમનાં પત્ની હર્ષા રાજપરા

હસમુખ રાજપરા અને તેમનાં પત્ની હર્ષા રાજપરા


ઘાટકોપર-ઈસ્ટની વલ્લભબાગ લેનમાં આવેલી પ્રતિષ્ઠિત ગુલાબચંદ વી. ઝવેરી નામની જ્વેલરી-શૉપના ૬૯ વર્ષના માલિક હસમુખ રાજપરાનું અવસાન થતાં તેમના પરિવાર અને સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. જોકે આ દુઃખદ ઘટનાના માત્ર ૩૦ કલાક બાદ જ તેમનાં પત્ની હર્ષા રાજપરાનું પણ અવસાન થતાં સમગ્ર ઘાટકોપર વિસ્તારમાં કરુણ માહોલ સર્જાયો છે. ૪૫ વર્ષ સુધી અતૂટ દામ્પત્યજીવન જીવ્યા બાદ મૃત્યુમાં પણ એકબીજાનો સાથ ન છોડનાર આ દંપતીની વિદાયે રાજપરા પરિવાર અને સ્વજનોની આંખો ભીની કરી દીધી હતી.

આ બાબતની માહિતી આપતાં તેમના મોટા પુત્ર દીપેશ રાજપરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે ૧૫ જુલાઈએ સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ પપ્પા અમારા શોરૂમની બાજુમાં આવેલા મારા કઝિનના શોરૂમની બહાર એકદમ સ્વસ્થ બનીને વાતો કરી રહ્યા હતા. થોડી વારમાં તેઓ શોરૂમના જ પહેલા માળે એક જગ્યા જોવા ગયા હતા. અચાનક તેઓ ત્યાં જ જમીન પર ઢળી પડ્યા હતા. તેમને તરત જ મારો નાનો ભાઈ જિજ્ઞેશ અને મારો કઝિન નજીકમાં આવેલી આશીર્વાદ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ ૭.૧૫ વાગ્યાની આસપાસ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પપ્પા એકદમ ફિટ ઍન્ડ ફાઇન હતા. પપ્પા મ્યુઝિક-લવર હોવાથી તેમના મિ‌ત્રો સાથે ગાર્ડનમાં ગીતો ગાવાની તેમની સ્પેશ્યલિટી હતી. મે મહિનામાં તેમના જન્મદિવસે તેમના મિત્રો સાથે તેમણે સંગીતની મહેફિલ રાખી હતી અને ખૂબ જ ઝૂમ્યા હતા. તેઓ તેમના નામ પ્રમાણે સદાય હસતા રહેતા અને ખૂબ જ મળતાવડા સ્વભાવના હતા.’



હસમુખભાઈના મૃત્યુ સમયે તેમનો મોટો પુત્ર દીપેશ તેના પરિવાર સાથે સિંગાપોરની ટૂર પર હતો. નાના ભાઈ જિજ્ઞેશે તેને ફોન પર મેસેજ આપતાં કહ્યું હતું કે પપ્પા અચાનક પડી ગયા છે એટલે તું રિટર્ન ફ્લાઇટમાં ઘાટકોપર પાછો આવી જા. આ જાણકારી આપતાં દીપેશે કહ્યું હતું કે ‘હું તરત જ મારા પરિવાર સાથે ગુરુવારે બપોરે પાછો આવી ગયો હતો. મારો પુત્ર ધર્મિલ અમેરિકા હતો. તેના અને પપ્પા વચ્ચે ખૂબ જ લાગણી હતી. આથી તેને પણ મુંબઈ પાછો બોલાવી લીધો હતો. મેં અને જિજ્ઞેશે એ જ સમયે નક્કી કર્યું હતું કે ધર્મિલ આવી જાય પછી ૧૭ જુલાઈએ પપ્પાના અંતિમ સંસ્કારની બધી વિધિ કરીશું.’


ત્યારે અમને ક્યાં ખબર હતી કે પપ્પાના મૃત્યુના આઘાતમાં મમ્મી પણ આ દુનિયા છોડી દેશે એમ જણાવતાં દીપેશ રાજપરાએ કહ્યું હતું કે ‘અમે હજી પપ્પાના શોકમાં હતા ત્યાં જ ગુરુવારે રાતના ફિટ ઍન્ડ ફાઇન મમ્મીની અચાનક તબિયત લથડી હતી. આથી અમે મમ્મીને તરત જ આશીર્વાદ હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમ્યાન ડૉક્ટરોએ મોડી રાતે મમ્મીને પણ મૃત જાહેર કરી હતી. મમ્મી-પપ્પા બન્ને લગભગ ૪૫ વર્ષ પહેલાં લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. હંમેશાં સુખદુઃખમાં પપ્પાની સાથે રહેતાં મમ્મી પપ્પાના વિયોગનો આઘાત સહન કરી શક્યાં નહોતાં અને તેમણે પણ અંતિમ શ્વાસ લેતાં અમારા માથે તો આભ તૂટી પડ્યું હતું.’

ગઈ કાલે અમે પપ્પાને અંતિમ વિદાય આપવાના હતા એને બદલે કુદરતે મમ્મી-પપ્પા બન્નેને સાથે વિદાય આપી હતી એમ જણાવતાં દીપેશ કહ્યું હતું કે ‘હંમેશાં હરવા-ફરવામાં દેશ-વિદેશની ટૂરોમાં સાથે રહેતાં મમ્મી-પપ્પાના ગઈ કાલે સવારે અમે ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં એકસાથે અંતિમ સંસ્કાર કર્યા હતા. એ સમયે મોટી સંખ્યામાં પરિવારજનો, સ્નેહીઓ, શુભેચ્છકો અને સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહીને બન્નેને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2026 08:05 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK