Global Fintech Fest 2026માં PM નરેન્દ્ર મોદીએ ફિનટેક કંપનીઓને ડિજિટલ પેમેન્ટ્સથી આગળ વધી ધિરાણ, વીમો, બચત, રોકાણ અને પેન્શન જેવી સેવાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા આહવાન કર્યું.
ટેક્નોલોજી નાણાકીય સમાવેશનનું શક્તિશાળી માધ્યમ બની શકે છે અને ફિનટેક કંપનીઓએ પરંપરાગત બેન્કિંગથી વંચિત લોકો સુધી પહોંચવું જોઈએ: PM મોદી. તસવીર/સ્પેશિયલ અરેન્જમેન્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતના ફિનટેક ક્ષેત્રને માત્ર ડિજિટલ પેમેન્ટ્સ પૂરતું મર્યાદિત ન રહેવા અને ધિરાણ, વીમો, બચત, રોકાણ તથા પેન્શન જેવી નાણાકીય સેવાઓ સામાન્ય નાગરિકો સુધી વધુ સરળતાથી પહોંચાડવા આહવાન કર્યું હતું.
મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે આયોજિત ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026’ (Global Fintech Fest 2026)ના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતની ‘ડિજિટલ ઇન્ડિયા’ યાત્રાનો આગામી અધ્યાય નવી પેઢીની ફિનટેક કંપનીઓના ઇનોવેશનથી આગળ વધશે. વડાપ્રધાને કહ્યું કે ટેક્નોલોજી નાણાકીય સમાવેશન (Financial Inclusion) માટે એક શક્તિશાળી માધ્યમ બની શકે છે. તેમણે ફિનટેક કંપનીઓને પરંપરાગત બેન્કિંગ વ્યવસ્થાની બહાર રહેલા લોકો સુધી પહોંચવા અને તેમને ઔપચારિક નાણાકીય વ્યવસ્થા સાથે જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રા, ગ્લોબલ ફિનટેક ફેસ્ટના ચેરમેન ક્રિસ ગોપાલકૃષ્ણન ઉપરાંત ભારત અને વિદેશના ફિનટેક ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને ઉદ્યોગજગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT

UPIનાં 10 વર્ષ પૂર્ણ, હવે વૈશ્વિક સ્તરે ભારતના ડિજિટલ પેમેન્ટ સ્ટાન્ડર્ડ્સની વાત
પીએમ મોદીએ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ને ભારતની ફિનટેક સફળતાના સૌથી મોટા આધારસ્તંભોમાંનો એક ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે 25 ઑગસ્ટે UPIએ 10 વર્ષ પૂર્ણ કર્યાં છે અને જે લાખો લોકો અગાઉ ઔપચારિક બેન્કિંગ વ્યવસ્થાની બહાર હતા તેઓ આજે દેશના ફિનટેક વિકાસના સક્રિય ભાગીદાર બન્યા છે. સત્તાવાર નિવેદન અનુસાર, ઑગસ્ટ મહિનામાં 2400 કરોડથી વધુ UPI ટ્રાન્ઝેક્શન નોંધાયાં હતાં. પીએમ મોદીએ જણાવ્યું કે UPI હવે 11 દેશોમાં ઉપલબ્ધ છે, જ્યારે ભારતની પેમેન્ટ સિસ્ટમ સિંગાપોરની સિસ્ટમ સાથે પણ જોડાઈ ચૂકી છે. તેમણે ભારતના પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ દેશો સાથે જોડવા અને વૈશ્વિક સ્તરે અપનાવી શકાય તેવા ડિજિટલ પેમેન્ટ સ્ટાન્ડર્ડ્સ વિકસાવવા પર ભાર મૂક્યો હતો.
Shared the four priorities for India’s FinTech sector. pic.twitter.com/mMJCkN6g9c
— Narendra Modi (@narendramodi) September 8, 2026
તેમણે કહ્યું કે ભારતે માત્ર અન્ય દેશો દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમો અને ધોરણો અપનાવવા પૂરતું મર્યાદિત રહેવાને બદલે પોતાના ડિજિટલ પેમેન્ટ સ્ટાન્ડર્ડ્સ વિકસાવવા જોઈએ અને તેમને વૈશ્વિક સિસ્ટમ સાથે જોડવા જોઈએ. ભારતનું ફિનટેક ક્ષેત્ર આ પ્રક્રિયાનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
વિદેશથી ભારત પૈસા મોકલવાનો ખર્ચ ઘટાડી શકે છે ફિનટેક
વડાપ્રધાને વિદેશમાં કામ કરતા ભારતીયો દ્વારા સ્વદેશ મોકલવામાં આવતા નાણાં એટલે કે રેમિટન્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે UPI અને ભારતનું વિકસતું ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવા વ્યવહારોનો ખર્ચ ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતની પેમેન્ટ સિસ્ટમ વધુ દેશો સાથે જોડાય તો સરહદપાર નાણાકીય વ્યવહારો વધુ સરળ અને ઓછા ખર્ચાળ બની શકે છે.

પરંપરાગત બેન્કિંગથી દૂર રહેલા લોકો સુધી પહોંચવા પર ભાર
પીએમ મોદીએ નાણાકીય સમાવેશનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ટેક્નોલોજી એવા લોકોને પણ ઔપચારિક નાણાકીય વ્યવસ્થામાં લાવી શકે છે જેઓ અત્યાર સુધી પરંપરાગત બેન્કિંગ સિસ્ટમની બહાર રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે પીએમ સ્વનિધિ (PM SVANidhi) યોજનાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે UPIના માધ્યમથી લાખો સ્ટ્રીટ વેન્ડર્સ અને ફેરિયાઓ ઔપચારિક નાણાકીય સેવાઓ સાથે જોડાયા છે. વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, સ્વનિધિ યોજનાના લાભાર્થીઓની સરેરાશ વાર્ષિક આવકમાં ૨૦ ટકાથી વધુનો વધારો થયો છે. આ યોજનાને કારણે તેમના આવાસ, પોષણ અને આરોગ્યની સ્થિતિ તેમજ તેમનાં બાળકો માટે શિક્ષણની તકોમાં પણ સુધારો થયો છે. સરકારે આ યોજનાને ૨૦૩૦ સુધી લંબાવી છે.
નાના વેપારીઓ અને ગીગ વર્કર્સ માટે ધિરાણ, બચત અને વીમાની તકો વધારવા અપીલ
વડાપ્રધાને જણાવ્યું કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના કારણે નાના વેપારીઓની આવક અને ખર્ચનું વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવે છે. આ ડેટાના આધારે ધિરાણ આપતી સંસ્થાઓ અને ફિનટેક કંપનીઓ નાના વેપારીઓની જરૂરિયાતને અનુરૂપ ધિરાણ, વીમો અને અન્ય નાણાકીય પ્રોડક્ટ્સ તૈયાર કરી શકે છે. તેમણે ફિનટેક કંપનીઓને નાના વેપારીઓ માટે વર્કિંગ કેપિટલ વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવા પર પણ ધ્યાન આપવા જણાવ્યું હતું. આ સાથે ડિલિવરી પાર્ટનર્સ, સ્વરોજગાર ધરાવતા લોકો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને બચત, પેન્શન અને વીમા જેવી નાણાકીય સેવાઓ સાથે જોડવા માટે ફિનટેક કંપનીઓને આગળ આવવા તેમણે અપીલ કરી હતી.
AIથી ક્વોન્ટમ ટેક્નોલોજી સુધી: ફિનટેક માટે નવી તકો
ફિનટેક ક્ષેત્રના ભવિષ્યની વાત કરતાં પીએમ મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ટોકનાઇઝેશન અને ક્વોન્ટમ ટેક્નોલોજીથી ઊભી થતી નવી તકોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ફિનટેક ઉદ્યોગને આ ટેક્નોલોજીનો વ્યવહારુ લાભ લોકો સુધી પહોંચાડવા માટે સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવા જણાવ્યું હતું.
વડાપ્રધાને ફિનટેક ક્ષેત્ર માટે ચાર મુખ્ય મુદ્દા પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવી હતી:
-
વર્લ્ડ ક્લાસ સાયબર સિક્યોરિટી: ભારતમાં વિશ્વસ્તરીય સાયબર સુરક્ષા ક્ષમતા અને માળખું ઊભું કરવું.
-
ડેટા પ્રોટેક્શનના નૈતિક માપદંડ: ફિનટેક ક્ષેત્ર માટે ગ્રાહકોના ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરતા નૈતિક અને પારદર્શક ધોરણો વિકસાવવા.
-
મજબૂત રેગ્યુલેટરી અને ઇનોવેશન ઇકોસિસ્ટમ: નવીનતાને પ્રોત્સાહન આપે અને સાથે વિશ્વસનીયતા જાળવે એવું મજબૂત ફિનટેક માળખું તૈયાર કરવું.
-
ફિનટેક કન્ઝ્યુમર પ્રોટેક્શન ઇન્ડેક્સ: ફિનટેક કંપનીઓનું પારદર્શક મૂલ્યાંકન થઈ શકે તે માટે ‘Fintech Consumer Protection Index’ વિકસાવવો.
MSME માટે ધિરાણ વધુ સરળ બનાવવામાં ફિનટેકની મોટી ભૂમિકા: RBI ગવર્નર
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે ફિનટેકે ભારતની નાણાકીય વ્યવસ્થામાં મોટા ફેરફારો લાવ્યા છે અને નાણાકીય સમાવેશનને નવી ગતિ આપી છે. ટેક્નોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મ્સના કારણે નાગરિકો માટે નાણાકીય સેવાઓ વધુ સરળ અને પરવડે તેવી બની રહી છે. સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે UPI, આધાર-સક્ષમ પેમેન્ટ સિસ્ટમ્સ (AePS) અને જન ધન યોજનાએ સમાજના વિવિધ વર્ગોને ઔપચારિક નાણાકીય વ્યવસ્થા સાથે જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કૅશ-ફ્લો આધારિત ધિરાણ, એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક અને યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ (ULI)નો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વ્યવસ્થાઓ MSME એકમોને જામીનગીરી વિના અથવા મર્યાદિત જામીનગીરી સાથે લોન મેળવવામાં મદદરૂપ બની શકે છે. RBI પોતાના રેગ્યુલેટરી સેન્ડબોક્સ, ઇનોવેશન હબ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ઇનોવેશનને પ્રોત્સાહન આપી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
જવાબદાર ઇનોવેશન અને આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી: ક્રિસ ગોપાલકૃષ્ણન
ગ્લોબલ ફિનટેક ફેસ્ટના ચેરમેન ક્રિસ ગોપાલકૃષ્ણને જણાવ્યું કે આ ફેસ્ટ હવે નીતિ ઘડનારાઓ, નિયમનકારો, નાણાકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ, ટેક્નોલોજી કંપનીઓ અને રોકાણકારોને એકસાથે લાવતું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ બની ગયું છે. તેમણે ભારતના ફિનટેક વિકાસમાં નાણાકીય સમાવેશનને એક મહત્ત્વપૂર્ણ પાસું ગણાવ્યું હતું. ગોપાલકૃષ્ણનના જણાવ્યા અનુસાર AI, ટોકનાઇઝેશન અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી ટેક્નોલોજી વધુ વિશ્વસનીય, પરસ્પર જોડાયેલી અને સર્વસમાવેશી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા ઊભી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે વધુ સર્વસમાવેશી નાણાકીય સેવાઓ, ટેક્નોલોજીના જવાબદાર ઉપયોગ અને અર્થપૂર્ણ આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
