અસલીને બદલે નકલી દાગીના પધરાવીને સાડાચાર લાખ રૂપિયા પડાવી લીધા
રાજાવાડી ગાર્ડનમાં ખોટા દાગીના પકડાવી જનાર આરોપી.
ઘાટકોપર-ઈસ્ટના રાજાવાડી ગાર્ડનમાં સોનાના દાગીનાના નામે બેન્ટેક્સના દાગીના પકડાવી દઈ મીરા રોડના બાવન વર્ષના ગુજરાતી વેપારી પાસેથી સાડાચાર લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે ગઈ કાલે ચેમ્બુરની તિલકનગર પોલીસે એક મહિલા સહિત ત્રણ જણ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રત્નાગિરિમાં ખોદકામ કરતી વખતે દાગીના મળ્યા હોવાનું કહીને એ દાગીના સસ્તામાં અંધેરીમાં કુરિયર સર્વિસ ચલાવતા વેપારીને બે પુરુષો અને એક મહિલાએ ઑફર કર્યા હતા. આ દાગીના લેવા માટે રવિવારે સાંજે રાજાવાડી ગાર્ડનમાં બોલાવીને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા એવો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
અંધેરીમાં કુરિયર સર્વિસ ચલાવતા વેપારીએ નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજી એપ્રિલે સવારે બે અજાણ્યા લોકો મારી ઑફિસ આવ્યા હતા અને સોનાના સિક્કા ભોપાલ કુરિયર કરવાના બહાને મારી સાથે ઓળખાણ કરી હતી. બીજા દિવસે તેઓ એક મહિલા સાથે ફરી પાછા આવ્યા અને મને ચાર માળા બતાવીને વેચવાની છે એવું કહીને દાવો કર્યો હતો કે આ માળા રત્નાગિરિ ખાતે ખોદકામ દરમ્યાન અમને મળી હતી. ત્યારે મને શંકા જતાં તેમણે માળામાંથી એક મોતી કાઢીને ચકાસણી માટે આપ્યું હતું. એની તપાસ કરતાં એ સોનાનું હોવાનું જણાયું હતું. ત્યાર બાદ પૈસાની તાત્કાલિક જરૂર હોવાનું કહીને તેમણે ૧૧ લાખ રૂપિયામાં દાગીના વેચવાની વાત કરી હતી. એ પછી સાડાચાર લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. નક્કી થયા મુજબ રવિવારે સાંજે રાજાવાડી ગાર્ડનમાં મને રોકડ રૂપિયા સાથે બોલાવીને આરોપીઓ દાગીના આપીને પૈસા લઈને તાત્કાલિક ચાલ્યા ગયા હતા. જોકે સોમવારે મીરા રોડ ખાતે દાગીનાની ચકાસણી કરાવતાં એ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ મેં તિલકનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.્ર
ADVERTISEMENT
તિલકનગરના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં આરોપીની અમે નજીકના વિસ્તારમાં લાગેલા CCTV કૅમેરાથી ઓળખ કરી લીધી છે અને એના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.’
