માહિમમાં MNSના અને ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી
ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં માહિમમાં ભેગા થયા હતા.
પુણેની સરકારી પૉલિટેક્નિક કૉલેજની હૉસ્ટેલની ઑફિસમાં પ્રોટોકૉલ મુજબ લગાડેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ઊતરાવી લેનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના
નેતા અમિત ઠાકરે સામે પુણેના પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને તેમના બે કાર્યકરોની એ કેસમાં ધરપકડ પણ કરવામાં આવી છે. એ ઘટનાને લઈને ગઈ કાલે માહિમમાં ધમાલ થઈ ગઈ હતી. ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો ગઈ કાલે કૃષ્ણરાજ મહાડિકની આગેવાની હેઠળ માહિમની ગંગાસાગર હોટેલ પાસે ભેગા થયા હતા. તેઓ મોરચો કાઢી અમિત ઠાકરેના શિવાજી પાર્કના નિવાસસ્થાન શિવતીર્થ પર જઈને તેમનો વિરોધ કરવાના હતા.
પોલીસે ચુસ્ત બંદોબસ્ત લગાડીને કૃષ્ણરાજ મહાડિક અને અન્ય કાર્યકરોને શિવતીર્થ જતા રોક્યા હતા. વળી એ જ વખતે સામે MNSના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ધસી આવતાં બન્ને જૂથો વચ્ચે સામસામે જોરદાર નારાબાજી થઈ હતી. કેટલાક કાર્યકરો સામસામે આવી જતાં ઝપાઝપી પણ થઈ હતી. જોકે મામલો તંગ બની રહેલો જોઈને પોલીસ BJPના અને MNS કાર્યકરોને
પકડી-પકડીને વૅનમાં નાખીને પોલીસ-સ્ટેશને લઈ ગઈ હતી.
ADVERTISEMENT
શિવતીર્થ પર MNSના કાર્યકરોની ફીલ્ડિંગ
ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો મોરચો લઈને આવવાના છે એવી જાણ થતાં MNSના નેતા સંદીપ દેશપાંડે, થાણેના અવિનાશ જાધવ અને અન્યો શિવતીર્થ પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં MNSના કાર્યકરોએ પણ ત્યાં ફીલ્ડિંગ લગાડી હતી. દરમ્યાન, માહિમમાં ભારતીય જનતા યુવા મોરચાના નેતા કૃષ્ણરાજ મહાડિકની દોરવણી હેઠળ કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન મહારાષ્ટ્ર સાંખી નહીં લે એવી નારાબાજી કરી હતી. પોલીસે MNSના અને BJP યુવા મોરચાના કાર્યકરો સામસામે આવી જતાં ઉશ્કેરાઈને તેમની વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ શકે એવી શક્યતા જણાતાં વચ્ચે પડીને તેમને ઝપાઝપી કરતા રોક્યા હતા. પોલીસે BJPના કાર્યકરોની ધરપકડ કરી ત્યારે કૃષ્ણરાજ મહાડિકે કહ્યું હતું કે અમારી ધરપકડ ન કરો, MNSના ગુંડાઓની ધરપકડ કરો.
વડા પ્રધાનનો ફોટો હટાવનાર MNSનો કાર્યકર હવે હવાલાતમાં
પુણેની સરકારી પૉલિટેક્નિકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવવાના સંદર્ભમાં પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના બે કાર્યકરોની ધરપકડ કરી છે. સોમવારે કૉલેજની હૉસ્ટેલની ઑફિસની દીવાલ પરથી વડા પ્રધાનનો ફોટો હટાવવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અમિત ઠાકરે અને અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ચતુ:શ્રૃંગી પોલીસ-સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનાના સંદર્ભમાં પૂછપરછ માટે MNSના બે કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
કૉલેજના અધિકારી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ મુજબ MNSની વિદ્યાર્થી પાંખના વડા અમિત ઠાકરેએ સોમવારે બપોરે સભ્યપદ અભિયાનના ભાગરૂપે કૉલેજની મુલાકાત લીધી હતી. ફરિયાદ મુજબ તેમણે તેમના સમર્થકોને ઑફિસની દીવાલ પર છત્રપતિ શિવાજી મહારાજની તસવીર અને ડૉ. બી. આર. આંબેડકર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની તસવીર સાથે લગાવેલી નરેન્દ્ર મોદીની તસવીરને દૂર કરવા કહ્યું હતું. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે અમિત ઠાકરે અને અન્ય લોકો પરવાનગી વિના ઑફિસમાં પ્રવેશ્યા, ફોટો કાઢી નાખ્યો, સ્ટાફના સભ્યોને ધમકાવ્યા, સૂત્રોચ્ચાર કર્યો અને હોબાળો મચાવ્યો હતો.જોકે વડા પ્રધાનની તસવીર લગાવવી એ પ્રોટોકૉલનું ઉલ્લંઘન ન હોવાથી MNSના કાર્યકરોના ગયા બાદ ફોટો ફરી દીવાલ પર લગાવી દેવામાં આવ્યો હતો.
