Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંધેરીની સોસાયટીમાં પેટ ડૉગે ૧૧ વર્ષના બાળકને બચકાં ભરી લીધાં

અંધેરીની સોસાયટીમાં પેટ ડૉગે ૧૧ વર્ષના બાળકને બચકાં ભરી લીધાં

Published : 02 September, 2026 07:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્વાનના ઓનર અને હાઉસકીપર સામે પોલીસે ફરિયાદ નોંધી

આકૃતિ નિહારિકા કૉમ્પ્લેક્સમાં ૧૧ વર્ષના જશ શાહ પર શ્વાને કરેલો હુમલો.

આકૃતિ નિહારિકા કૉમ્પ્લેક્સમાં ૧૧ વર્ષના જશ શાહ પર શ્વાને કરેલો હુમલો.


અંધેરી-ઈસ્ટસ્થિત સાઈવાડી વિસ્તારના આકૃતિ નિહારિકા કૉમ્પ્લેક્સમાં શનિવારે બપોરે એક પાલતુ શ્વાને ૧૧ વર્ષના જશ શાહ પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે જશના પિતા દેવાંગ શાહે સોમવારે શ્વાનના માલિક રંગનાથન રાજગોપાલન અને હાઉસકીપિંગનું કામ કરતા સુમિત સોલંકી સામે પોલીસ-ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે શ્વાનની કાયદેસર અડૉપ્શન પ્રક્રિયા તેમ જ અેના વૅક્સિનેશન વિશે વધુ તપાસ હાથ ધરી છે. આ ભયાનક ઘટના બાદ ૧૧ વર્ષનો જશ ભારે માનસિક આઘાતમાં સરી પડ્યો છે અને તે સોસાયટીમાં નીચે ઊતરતાં પણ ડરી રહ્યો હોવાનો દાવો તેના પિતાએ કર્યો છે.

જશના પિતા દેવાંગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જશને અમુક સ્ટેશનરી લેવી હોવાથી તે મારી સાથે આવ્યો હતો અને ખરીદી કર્યા બાદ શનિવારે બપોરે ૩.૨૫ વાગ્યે જ્યારે તે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે અમારા કૉમ્પ્લેક્સની ‘બી’ વિંગ નજીક ખુલ્લો ફરતો શ્વાન તેની પાછળ દોડ્યો હતો. ડરના માર્યા જશે આગળ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ શ્વાને પાછળથી આવીને તેના જમણા સાથળના ભાગે બચકાં ભર્યાં હતાં. લોહીલુહાણ હાલતમાં જશને તાત્કાલિક વિલે પાર્લેસ્થિત નાણાવટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને જરૂરી સારવાર અને વેક્સિનેશન આપવામાં આવ્યું હતું. આ શ્વાન અગાઉ પણ સોસાયટીના અન્ય રહેવાસીઓ અને નાનાં બાળકો તરફ ધસી જતો હોવાથી અગાઉ પણ ફરિયાદો થઈ હતી, છતાં શ્વાનમાલિક રંગનાથન રાજગોપાલને અેને યોગ્ય રીતે તાબામાં રાખવાની કોઈ તકેદારી રાખી નહોતી. ઘટનાના દિવસે આ શ્વાન સોસાયટીમાં હાઉસકીપિંગનું કામ કરતા સુમિત સોલંકીના હાથમાં હતો જેની બેદરકારીના કારણે શ્વાને જશને ગંભીર બચકાં ભર્યાં હતાં. આ ઘટના બાદ જશ ખૂબ જ ડરી ગયો છે તે સોસાયટીમાં નીચે ઊતરતાં પણ ગભરાય છે.’



સ્ટ્રીટડૉગને અડૉપ્ટ કર્યા પછી વૅક્સિનેશન થયું છે કે નહીં એની તપાસ થશે
અંધેરી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ આ શ્વાન સ્ટ્રીટડૉગ હોવાથી અેને અડૉપ્ટ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ દત્તક પ્રક્રિયા કાયદેસર અને યોગ્ય રીતે પૂર્ણ થઈ હતી કે કેમ અે વિશેની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત શ્વાનને યોગ્ય રસી આપવામાં આવી હતી કે નહીં અે ચકાસવા માટે અેના તમામ મેડિકલ દસ્તાવેજો માગવામાં આવ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK