પરંપરાગત રીતે વિરારથી આખેઆખા સોપારીના ઝાડને ટ્રેનમાં વાજતેગાજતે માહિમ લાવે છે. જોકે એ માટે વેસ્ટર્ન રેલવે તેમને સુવિધા આપે છે.
સોપારીના લાંબા ઝાડને ટ્રેનની બહારની બાજુએ બારી સાથે બાંધી દઈ વિરારથી માહિમ લવાયું હતું.
મુંબઈમાં ગલીએ-ગલીએ અને અનેક સોસાયટીમાં હોળીનું આયોજન અને ઉજવણી થાય છે, પણ માહિમના મોરી રોડની હોળીનું એક ખાસ આકર્ષણ હોય છે. વર્ષો પહેલાં ત્યાં રહેતા અને હવે વર્ષોથી વિરારમાં જઈ વસેલા કોળી બાંધવો તેમની હોળીની ઉજવણી કરવા દર વર્ષે માહિમ આવે છે એટલું જ નહીં, પરંપરાગત રીતે વિરારથી આખેઆખા સોપારીના ઝાડને ટ્રેનમાં વાજતેગાજતે માહિમ લાવે છે. જોકે એ માટે વેસ્ટર્ન રેલવે તેમને સુવિધા આપે છે.
આ પરંપરા બ્રિટિશકાળ પહેલાંથી ચાલી આવી છે. માહિમ છોડીને વિરારમાં વસેલા કોળી બાંધવો વિરારમાં ઉગાડેલા સોપારીના ઝાડની વિધિવત્ પૂજા કરી એને હોળી (શિમગા) માટે હાર-ફૂલથી સજાવીને એને કાપ્યા બાદ માહિમ લાવે છે. નાના-મોટા બધા કોળીભાઈઓ આમાં ઉત્સાહભેર ભાગ લે છે. એ સોપારીના ઝાડનાં પાંદડાં બાંધીને ઢાંકી દેવાય છે. સીધા થડને ઠેકઠેકાણે ખરાબ ન થાય એ માટે ગૂણી વીંટવામાં આવે છે. ત્યાર બાદ ખભા પર પાલખીની જેમ રાખીને ઢોલ-નગારાં સાથે વાગતેગાજતે એની શોભયાત્રા કાઢીને આખરે વિરાર સ્ટેશન પર લવાય છે. સ્ટેશન પર પણ પરંપરાગત ગીતો સાથે નાચગાન ચાલે છે. ત્યાર બાદ પહેલાંથી ગોઠવણ કર્યા મુજબ નક્કી કરેલી ટ્રેનની બહારની બાજુએ ઝાડને બારી સાથે બાંધી દેવામાં આવે છે. એ પછી ટ્રેનના ડબ્બામાં નાચગાન ચાલે છે અને છેવટે માહિમ જઈને હોળી માટે એને રોપવામાં આવે છે.
