પાડોશીઓએ પાણીની બાલદીઓ રેડીને આગ બુઝાવી, પણ ઉપરની રૂમમાં સૂતેલા ત્રણેય જણને બહાર નીકળવાનો રસ્તો ન મળતાં જીવ ગુમાવ્યો ઃ મમ્મી અને એક દીકરી ઘરે નહોતાં એટલે બચી ગયાં
આગ લાગી ત્યારે ઘરના સભ્યો સૂતા હતા.
ગોરેગામ-વેસ્ટમાં શુક્રવારે મધરાત બાદ ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના ૩ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. આગ લાગી ત્યારે ઘરના સભ્યો સૂતા હતા. ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં આસપાસના રહેવાસીઓએ ઘરમાં ભરેલી પાણીની બાલદીઓથી આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ પરિવારને બચાવી શકાયો નહોતો.
ગોરેગામ-વેસ્ટમાં ભગતસિંહનગરમાં રાજારામ લેનમાં જનતા સ્ટોર્સ પાસે ગ્રાઉન્ડ પ્લસ વન માળના મકાનમાંથી શુક્રવારે મધરાત બાદ લગભગ ૧.૩૦ વાગ્યે ધડાકાનો અવાજ સંભળાયો હતો અને ત્યાર બાદ તરત જ ચીસાચીસ સંભળાતાં પાડોશીઓ મદદે દોડ્યા હતા. ચાલમાં આવેલી આ રૂમમાં નીચે રસોડું હતું જેમાં મૂકેલું ફ્રિજ થોડા દિવસ અગાઉ જ રિપેર થઈને આવ્યું હતું. એમાં વાયરિંગની ખામીને કારણે ધડાકો થયો હોવાનું પ્રાથમિક તારણ હતું. બ્લાસ્ટને લીધે આખી રૂમમાં આગ અને ધુમાડો ફેલાયાં હતાં. આ રૂમમાંથી જ ઉપરની રૂમમાં જવાની સીડી હતી. તેથી ઉપર સૂતેલી ૩ વ્યક્તિઓ બહાર નીકળી નહોતી શકી અને તેમણે જીવ ગુમાવ્યો હતો.
ADVERTISEMENT
ફાયર-ફાઇટરોએ ઘટનાસ્થળ પર પહોંચીને વીજપુરવઠો કાપી નાખ્યા પછી દાઝેલા ત્રણેય લોકોને બહાર કાઢ્યા હતા. તેમને જોગેશ્વરીની ટ્રૉમા કૅર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હૉસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઑફિસરે મૃત જાહેર કર્યા હતા. જીવ ગુમાવનાર સભ્યોમાં ૧૨ વર્ષના દીકરા અને ૧૯ વર્ષની દીકરી તેમ જ તેમના પપ્પાનો સમાવેશ થાય છે. તેમની મમ્મી અને બહેન એ સમયે ઘરે ન હોવાથી બચી ગયાં હતાં.


