વર્લ્ડ હેરિટેજ સાઇટ ખાતે ૧૭ દેશોના પતંગબાજોએ અવનવી પતંગ ચગાવીને અનેરું આકર્ષણ જમાવ્યું: સુરતમાં પણ યોજાયો પતંગોત્સવ, અવનવા આકારની ટચૂકડી અને વિરાટકાય પતંગોએ સુરતવાસીઓને કર્યા રોમાંચિત
ધોળાવીરાના આકાશમાં ચગેલી પતંગો. સુરતમાં તિરંગાની પતંગ તેમ જ હનુમાનજીની પતંગ સહિતની પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું. ધોળાવીરામાં પતંગ ચગાવી રહેલા વિદેશી પતંગબાજ.
ગુજરાતમાં ઉતરાણ પૂર્વે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગઈ કાલે કચ્છમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે ભારત તેમ જ ૧૭ દેશોના પતંગબાજોએ અવનવી પતંગ ચગાવીને અનેરું આકર્ષણ જમાવ્યું હતું. બીજી તરફ સુરતમાં પણ ગઈ કાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો જેમાં પતંગબાજોએ અવનવા આકારની ટચૂકડી અને વિરાટકાય પતંગ ચગાવતાં સુરતવાસીઓ રોમાંચિત થઈ ઊઠ્યા હતા.
ધોળાવીરાના ઉત્સાહપૂર્ણ માહોલમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. અલ્જીરિયા, આર્જેન્ટિના, ચિલી, ફ્રાન્સ, ગ્રીસ, ઇન્ડોનેશિયા, રશિયા, મલેશિયા, ફિલિપીન્સ, યુનાઇટેડ કિંગડમ સહિત જુદા-જુદા ૧૭ દેશોના પતંગબાજો તેમ જ ભારતના મળીને ૪૦ જેટલા પતંગબાજોએ પતંગ ચગાવી હતી. અવનવી ડિઝાઇનની પતંગ ચગાવીને પતંગબાજોએ ધોળાવીરાના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. સ્કૂલના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તથા ગ્રામજનોએ પતંગોત્સવની મજા માણી હતી.
ADVERTISEMENT
સુરતમાં તાપી નદીના સાંનિધ્યમાં અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. દેશ-વિદેશના ૯૪ જેટલા પતંગબાજોએ રંગબેરંગી પતંગ ચગાવીને સુરતવાસીઓનાં દિલ જીતી લીધાં હતાં. ટચૂકડા અને વિરાટકાય પતંગોથી સુરતનું આકાશ ભરાઈ ગયું હતું. સુરતમાં જુદા-જુદા ૨૧ દેશોના ૪૫, ગુજરાતના ૨૯ તેમ જ ભારતનાં ચાર રાજ્યોમાંથી આવેલા ૨૦ પતંગબાજોએ અવનવી પતંગ ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું જેનાથી પ્રેક્ષકો રોમાંચિત થઈ ઊઠ્યા હતા. ધોળાવીરા અને સુરત ઉપરાંત રાજકોટમાં પણ પતંગ-મહોત્સવ યોજાયો હતો.
અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ટોટલ ૧૦૭૧ પતંગબાજો ભાગ લેશે
જર્મનીના ચાન્સેલર ફ્રૅડરિક મર્ઝની ઉપસ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે કરશે ઉદ્ઘાટન: ૫૦ દેશના ૧૩૫ પતંગબાજો ચગાવશે અવનવા આકાર અને કદની પતંગો
અમદાવાદમાં આવેલા રિવરફ્રન્ટ ખાતે આવતી કાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થશે. જર્મનીના ચાન્સેલર ફ્રૅડરિક મર્ઝની ઉપસ્થિતિમાં પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે. અમદાવાદમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જુદા-જુદા ૫૦ દેશના ૧૩૫ પતંગબાજો ભાગ લેશે. આ ઉપરાંત ભારતનાં ૧૩ રાજ્યોમાંથી ૬૫ તેમ જ ગુજરાતના ૧૬ જિલ્લામાંથી ૮૭૧ પતંગબાજો મળીને કુલ ૧૦૭૧ પતંગબાજો ભાગ લેશે. આ પતંગબાજો તેમણે બનાવેલી અવનવા આકાર અને કદની પતંગો ચગાવશે ત્યારે આકાશમાં એક અનોખો નઝારો સર્જાશે. પતંગબાજો ૧૩ જાન્યુઆરીએ રાતે પણ પતંગ ઉડાવશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગઈ કાલે રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરામાં પતંગ મહોત્સવ યોજાયો હતો જ્યારે આજે સ્ટૅચ્યુ ઑફ યુનિટી, વડનગર અને શિવરાજપુર ખાતે અને ૧૩ જાન્યુઆરીએ વડોદરા ખાતે પતંગ મહોત્સવ યોજાશે અને દેશવિદેશના પતંગબાજો પતંગ ચગાવશે.


