પોલીસથી બચવા માટે વારંવાર ભાડાનું ઘર બદલતો રહ્યો, પણ કોઈ ચાલાકી કામ ન આવી
હૃતિક લાંબા વાળમાં અને મુંડન પછી.
ટાઇગર શ્રોફ પર હુમલો કરનારા ૩ હુમલાખોરોમાંના એક હૃતિક ઉર્ફે રોશન કુમારે ગુનો કર્યા બાદ તે પકડાઈ ન જાય એ માટે પહેલાંથી જ ઘણીબધી તૈયારીઓ કરી રાખી હોવાનું પોલીસને તપાસ દરમ્યાન જણાયું છે. મુંબઈ આવતાં પહેલાં લાંબા વાળ રાખનારા હૃતિકે પોલીસ તેને ઓળખી ન જાય એ માટે પોતાના લાંબા વાળ કપાવીને ટકલુ કરાવી નાખ્યું હતું. આ ઉપરાંત તેણે વારંવાર ઘર ભાડે રાખ્યું હતું. થોડો સમય એક ઘરમાં રહ્યા બાદ તે બીજું ઘર ભાડા પર લઈને રહેતો હતો.
પોલીસે જણાવ્યા અનુસાર હુમલો કરવાનો હતો એના ઓછામાં ઓછા બે મહિના પહેલાં હૃતિકે પોતાનો લુક બદલાવ્યો હતો. મૂળ બિહારના બેગુસરાઈના તથા રૅપિડો ડ્રાઇવર તરીકે કામ કરતા હૃતિકે એરિયાના લોકો તેને ઓળખી ન શકે એ માટે આ કીમિયો અજમાવ્યો હતો. હૃતિક વિરુદ્ધ પહેલાંથી જ પોલીસકેસ નોંધાયેલા છે અને પોતાના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં રાખીને તેણે લુક બદલવાનું નક્કી કર્યું હતું, કારણ કે પોલીસ પાસે પહેલેથી જ તેની બધી માહિતી રેકૉર્ડમાં હતી.
ADVERTISEMENT
મૂર્ખામીએ પકડાવ્યો
હુમલાના બે મહિના પહેલાં વાળ કપાવનારા હૃતિકે તેના પ્લાનને અંજામ આપ્યો અને ટાઇગર પર ફાયરિંગ કર્યું ત્યાં સુધી તો તેના વાળ પાછા ઊગવાના શરૂ થઈ ગયા હતા. તપાસકર્તાઓ તેના વાળને જોઈને હૃતિકે વાળ કપાવીને દેખાવ બદલાવ્યો હોવાનું કળી ગયા હતા જેને કારણે તેની ખરી ઓળખ છતી થઈ હતી.
કોટામાં પણ ડ્રામા : આરોપીઓને લઈ આવતી મુંબઈ પોલીસનો પીછો કરવામાં આવ્યો
પીછો થતો હોવાનું જણાતાં મુંબઈ પોલીસ આરોપીઓને લઈને એક પોલીસ-સ્ટેશનમાં રોકાઈ અને ત્યાંથી પાછી કોટા ફરી, રાજસ્થાન પોલીસની સુરક્ષા લઈને આરોપીઓને મુંબઈ લવાયા
ટાઇગર શ્રોફ પર હુમલો કરનારા ત્રણેય આરોપીઓને કોટાની કોર્ટના જજે ૪૮ કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મુંબઈ પોલીસને આપ્યા ત્યાર પછી આરોપીઓની મેડિકલ ટેસ્ટ કરાયા બાદ સોમવારે સાંજે તેમને લઈને પોલીસ મુંબઈ આવવા રવાના થઈ હતી. જોકે મુંબઈ પોલીસને તેમનો પીછો કરવામાં આવતો હોવાનું જણાતાં તેઓ રસ્તામાં વચ્ચે આવતા પોલીસ-સ્ટેશનમાં રોકાઈ ગયા હતા અને ત્યાંથી પછી પાછા કોટા જવું પડ્યું હતું. ખતરો હોવાનું જણાયા બાદ મુંબઈ પોલીસે રાજસ્થાન પોલીસની સુરક્ષા સાથે જ મુંબઈ પાછા ફરવાનું યોગ્ય માન્યું હતું, જેથી રસ્તા વચ્ચે કોઈ હુમલો ન થાય અને સુરક્ષાનો પ્રશ્ન ઊભો ન થાય. એને પગલે મંગળવારે મુંબઈ પોલીસ આરોપીઓને લઈને રાજસ્થાન પોલીસના એસ્કોર્ટ સાથે મુંબઈ આવવા નીકળી હતી. ૧૬ કલાકનો પ્રવાસ કરીને, ત્રણેય આરોપીઓને લઈને મુંબઈ પોલીસ મંગળવારે મધરાત બાદ બે વાગ્યાની આસપાસ મુંબઈ પહોંચી હતી. આજે આરોપીઓ રેહાન રહીસુદ્દીન (૧૮ વર્ષ), ફૂલ સિંહ (૧૮ વર્ષ) અને હૃતિક ઉર્ફે રોશન કુમાર માહતોને અદાલતમાં હાજર કરવામાં આવશે.
