લૂંટના ઇરાદાથી ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો, ક્રાઇમ બ્રાન્ચે નાશિકથી ધરપકડ કરી
ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલો એક આરોપી.
વસઈ-ઈસ્ટના વાલિવમાં શાલીમાર હોટેલ નજીક અંબિકા જ્વેલર્સના માલિક કાલુસિંહ ખારવત પર લૂંટના ઇરાદાથી ક્રૂરતાપૂર્વક હુમલો કરીને પલાયન થયેલા ૨૩ વર્ષના સોહેલ ખાન અને તેની પત્ની ફિરદોસની મીરા-ભાઈંદરની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચારની ટીમે નાશિકથી ધરપકડ કરી હતી. મંગળવારે સવારે આરોપી દંપતીએ દાગીના ખરીદવાના બહાને દુકાનમાં આવીને પાણી માગ્યું હતું. ત્યારે પાણી લેવા અંદરની રૂમમાં ગયેલા કાલુસિંહ પર છરીથી હુમલો કરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કાલુસિંહને પેટ, હાથ અને જમણા ગાલ પર ગંભીર ઈજા થઈ હતી. આ મામલે વાલિવ પોલીસે પ્રાથમિક માહિતીના આધારે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં સમાંતર તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજનું વિશ્લેષણ કરીને તેમ જ ટેક્નિકલ માહિતીના આધારે આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપી દંપતી પર કર્જ હોવાથી તેમણે લૂંટને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
કેવી રીતે ધરપકડ થઈ?
ADVERTISEMENT
DCP સંદીપ ડોઇફોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચારની ટીમે તાત્કાલિક ગુનાના સ્થળની મુલાકાત લઈને CCTV કૅમેરાના ફુટેજનું વિશ્લેષણ કર્યું હતું તેમ જ ટેક્નિકલ માહિતીઓ ભેગી કરવાની શરૂઆત કરી હતી. એમાં આરોપીઓને નાશિક રોડ વિસ્તારમાંથી શોધી કાઢીને ધરપકડ કરવામાં આવી હતી. સોહેલ અને તેની પત્ની ફિરદોસ બન્ને ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના રહેવાસી છે. આ બન્ને ગુનામાં સક્રિય રીતે સંડોવાયેલાં હોવાનું જાણવા મળ્યું છે અને વધુ તપાસ માટે વાલિવ પોલીસ-સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં કર્જ હોવાથી એ એકસાથે ચૂકવી દેવા માટે લૂંટને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. આરોપીઓ ઘટનાસ્થળેથી શું લૂંટીને ગયા હતા એની માહિતી હૉસ્પિટલમાંથી કાલુસિંહને ડિસ્ચાર્જ મળ્યા બાદ સામે આવશે.’
શું હતી ઘટના?
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV)ના ક્રાઇમ વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) સંદીપ ડોઇફોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ અંબિકા જ્વેલર્સમાં એક યુવાન અને એક યુવતી નાના બાળક સાથે સોનાની વીંટી ખરીદવાના બહાને આવ્યાં હતાં. ત્યારે વીંટી જોતી વખતે દુકાનના માલિક કાલુસિંહ ખારવત પાસે નાના બાળક માટે પાણી માગવામાં આવ્યું હતું. કાલુસિંહ પાણી લાવવા માટે અંદરની રૂમમાં ગયો ત્યારે યુવાને તેની પાછળ જઈને તેના પર છરીથી હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. અંતે આ મામલે કાલુસિંહને મારી નાખવાના પ્રયાસ અંગે વાલિવ પોલીસે ગુના માટે કેસ નોંધ્યો હતો. હાલમાં કાલુસિંહની સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.’


