લૅન્ડ માફિયાઓએ કલ્યાણ-ડોમ્બિવલી સુધરાઈના અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને બાંધકામ કર્યું હોવાનું જણાયું
ડૉ. બાબાસાહેબના વારસદારોની જમીનમાં ઊભી કરી દેવામાં આવેલી ગેરકાયદે ઇમારત.
કલ્યાણમાં શીલફાટા રસ્તામાં આવેલા દાવડી પરિસરમાં વેન્કટેશ પેટ્રોલ-પમ્પની પાછળના ભાગમાં ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના વારસદારોની જમીન છે. આ જમીન બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર, આનંદરાજ આંબેડકર, ભીમરાવ આંબેડકર અને રમાઈ તેલતુંબડેનાં નામ પર હોવાનું મહેસૂલ વિભાગના ડૉક્યુમેન્ટ્સમાં જણાઈ આવ્યું છે. આ ખુલ્લી જમીનમાં લૅન્ડ માફિયાઓએ કોઈ પણ પ્રકારની મંજૂરી વિના સાત માળની ગેરકાયદે ઇમારત ઊભી કરી દીધી હોવાની ફરિયાદ કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા (KDMC)ના કમિશનર, તહસીલદાર અને થાણેના પોલીસ-કમિશનરને કરવામાં આવી હતી અને આ ગેરકાયદે ઇમારતને તોડી પાડવાની માગણી કરવામાં આવી છે એટલું જ નહીં, ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે ફરિયાદ નોંધીને તપાસ કરવાની માગણી પણ કરવામાં આવી છે.
ફરિયાદ મળ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા લલિત મહાજન નામના બિલ્ડરને નોટિસ મોકલીને બાંધકામ સંબંધી ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે બિલ્ડરે આવા કોઈ ડૉક્યુમેન્ટ્સ રજૂ ન કરતાં મહાનગરપાલિકાએ સાત માળની ઇમારતને ગેરકાયદે જાહેર કરી છે અને સંબંધિતોને આ ઇમારત પોતે તોડી પાડવાની નોટિસ મોકલી છે. KDMCના ઍડિશનલ કમિશનર યોગેશ ગોડેસએ કહ્યું હતું કે ‘માનપાડા પોલીસ પાસે અમે બંદોબસ્તની માગણી કરી છે. આથી ૨૦ મેએ સાત માળની ગેરકાયદે ઇમારતને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’

