Shashi Tharoor: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરુર ઑપરેશન સિંદૂર અને પછી યુદ્ધવિરામ પર પાર્ટીની વિચારધારાથી અલગ નિવેદનો અને વડા પ્રધાન મોદીની પ્રશંસા કરવા બદલ ચર્ચામાં રહ્યા હતા, જેના કારણે પાર્ટી પર ઘણા પ્રશ્નો પણ ઉભા થયા હતા.
શશી થરૂર (ફાઇલ તસવીર)
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરુર ઑપરેશન સિંદૂર અને પછી યુદ્ધવિરામ પર પાર્ટીની વિચારધારાથી અલગ નિવેદનો અને વડા પ્રધાન મોદીની પ્રશંસા કરવા બદલ ચર્ચામાં રહ્યા હતા, જેના કારણે પાર્ટી પર ઘણા પ્રશ્નો પણ ઉભા થયા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, હવે કૉંગ્રેસ પાર્ટીમાં શશિ થરુર સામે નારાજગી ઘણી વધી ગઈ છે. પાર્ટી વિચારધારાથી અલગ નિવેદનો આપવા બદલ પાર્ટીના ટોચના લીડર્સ તેમની સાથે ખૂબ જ કડક વલણ કરી રહ્યા છે.
`થરુરના નિવેદનોને પાર્ટીના નિર્દેશોની અવગણના માનવામાં આવી રહી છે`
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરના તાજેતરના નિવેદનોને કારણે પાર્ટીના ટોચના નેતાઓમાં નારાજગીનું વાતાવરણ છે. આજે ફરી એકવાર કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો કે બધા નેતાઓએ પાર્ટીની વિચારધારા સિવાય મીડિયામાં કોઈ પણ વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત ન કરવો જોઈએ. સૂત્રો જણાવે છે કે કૉંગ્રેસ કાર્યકારી સમિતિ (Congress Working Committee) ની છેલ્લી ત્રણ બેઠકોમાં, પાર્ટીની નીતિ અને વલણ વિરુદ્ધ કોઈપણ પ્રકારની જાહેર ટિપ્પણી ટાળવા માટે આ મુદ્દા પર સર્વસંમતિ બનાવવામાં આવી હતી. આમ છતાં, થરુરના તાજેતરના નિવેદનોને પાર્ટીના નિર્દેશોની અવગણના માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
`શશી થરુરે લક્ષ્મણ રેખા પાર કરી`
કૉંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓના મતે, શશિ થરુર હવે લક્ષ્મણ રેખાને પાર કરી ચૂક્યા છે. તેમના નિવેદનો પાર્ટીની એકતા અને તેના નેતૃત્વ પર પ્રશ્નો ઉભા કરી શકે છે. પાર્ટી હાઈકમાન્ડે સ્પષ્ટ કર્યું છે કે સંગઠનાત્મક શિસ્તને નુકસાન પહોંચાડતું કોઈપણ નિવેદન સ્વીકારવામાં આવશે નહીં.
અહેવાલો અનુસાર, કૉંગ્રેસ નેતૃત્વએ એવો પણ સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં પાર્ટી વિચારધારા વિરુદ્ધ બોલનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલમાં, પાર્ટીની પ્રાથમિકતા આગામી ચૂંટણીઓ માટે મજબૂત સંગઠનાત્મક એકતા જાળવવાની છે.
થરુરે ઘણી વખત પીએમ મોદીની કરી પ્રશંસા
હકીકતમાં, તાજેતરમાં કૉંગ્રેસના સાંસદ શશિ થરુરે પોતાના નિવેદનમાં વડા પ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ પાકિસ્તાન સાથેના તણાવને ખૂબ જ કુશળતાથી સંભાળ્યો હતો. થરુરે ઑપરેશન સિંદૂરની પણ પ્રશંસા કરી અને કહ્યું કે પીએમ મોદીએ આ ઑપરેશન અંગેના તેમના પ્રથમ જાહેર સંબોધન દ્વારા પાડોશી દેશને સીધો અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે, જ્યારે થરુરના આ નિવેદનો ઉપરાંત, કૉંગ્રેસ યુદ્ધવિરામ અંગે મોદી સરકાર પર ઘણા ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.
તાજેતરમાં કૉંગ્રેસ સંસદસભ્ય શશી થરુરે પહલગામમાં આતંકવાદી હુમલા પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘દેખીતી રીતે કોઈ ફૂલપ્રૂફ ગુપ્ત માહિતી નહોતી છતાં ક્યાંક નિષ્ફળતા તો મળી જ છે, પરંતુ આપણી પાસે ઇઝરાયલનું ઉદાહરણ છે જે વિશ્વની શ્રેષ્ઠ ગુપ્તચર સેવાઓમાંની એક માનવામાં આવે છે. આમ છતાં, બે વર્ષ પહેલાં સાતમી ઑક્ટોબરે તેમને આઘાત લાગ્યો. મને લાગે છે કે જેમ ઇઝરાયલ યુદ્ધ પૂરું ન થાય ત્યાં સુધી જવાબદારીની માગણી મુલતવી રાખી રહ્યું છે એવી જ રીતે આપણે પણ પહેલા વર્તમાન કટોકટીને દૂર કરવી જોઈએ અને બાદમાં સરકાર પાસે જવાબદારીની માગણી કરવી જોઈએ. કોઈ પણ દેશ પાસે ૧૦૦ ટકા અચૂક ગુપ્તચર વ્યવસ્થા હોઈ શકતી નથી.’

