અબુ ધાબીની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા જાંબાઝ પાઇલટની ભારતીય રાજદૂતે મુલાકાત લીધી, સાઉદી અરેબિયાથી અબુધાબી ઍરલિફ્ટ કરવામાં આવેલા કૅપ્ટન હસતા ચહેરે વાતચીત કરતા જોવા મળ્યા
પત્ની સાથે કૅપ્ટન સ્મિત મચ્છર
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) ખાતેના ભારતીય રાજદૂત દીપક મિત્તલે ગુરુવારે અબુ ધાબીની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા જાંબાઝ ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છર અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. વિમાનને ક્રૅશ થતું બચાવવા જતાં ઓમાની કો-પાઇલટના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કૅપ્ટન સ્મિતની તબિયતમાં ઝડપી સુધારો થઈ રહ્યો છે.
દુબઈસ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશ્યલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજદૂત દીપક મિત્તલ સાથેની મુલાકાત દરમ્યાન કૅપ્ટન સ્મિત મચ્છર હસતા ચહેરે મોકળા મને વાતચીત કરી રહ્યા હતા જે તેમના પરિવાર અને સૌના માટે મોટી રાહતની બાબત છે.
અબુ ધાબીસ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે ‘કૅપ્ટન સ્મિત મચ્છરનું સ્વાસ્થ્ય સારું છે અને તેમને ઉત્તમ મેડિકલ સારવાર મળી રહી છે. ભારતીય દૂતાવાસ તેમની સારવાર અને સ્વાસ્થ્યની કાળજી માટે UAEના સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે.’
ફ્લાયદુબઈની ફ્લાઇટનો કબજો લઈને વિમાન ક્રૅશ કરવાનો પ્રયાસ કરી રહેલા કો-પાઇલટ સામે લડતાં કૅપ્ટન સ્મિત મચ્છર પર ઇમર્જન્સી માટે રાખવામાં આવતી નાનકડી કુહાડીના ઉપરાછાપરી ઘા ઝીંકવામાં આવ્યા હતા. હુમલાખોરની ઓળખ હજી જાહેર કરાઈ નથી. પ્રારંભિક તબક્કે સાઉદી અરેબિયામાં સારવાર અપાયા બાદ ગુરુવારે સવારે
કૅપ્ટન સ્મિત મચ્છરને અબુ ધાબી ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
