૩૧ જાન્યુઆરીથી ૮ ફેબ્રુઆરી દરમ્યાન મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજ ખાતે કાલા ઘોડા આર્ટ્સ ફેસ્ટિવલમાં ઇન્ફિનિટ સાડી પ્રદર્શિત કરવામાં આવશે.
રૉયલ ઑપેરા હાઉસની ઇવેન્ટમાં ઇન્ફિનિટ સાડી.
એક સ્ત્રી માટે સાડી એટલે તેના સ્વમાન, તેની પસંદગી અને તેની અગણિત ઇચ્છાઓ સમાવતી સખી. એટલે જ લગ્નજીવનમાં સ્ત્રીઓની પસંદગી અને ઇચ્છાને માન અપાય એ માટે સાડીને પ્રતીકરૂપે રાખીને મૅરિટલ રેપ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ રૉયલ ઑપેરા હાઉસમાં રેડ ડૉટ ફાઉન્ડેશન દ્વારા ૪ કિલોમીટર લાંબી ઇન્ફિનિટ સાડીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ડિઝાઇનર નિવેદિતા સાબૂ દ્વારા ડિઝાઇન કરાયેલી વિશ્વની સૌથી લાંબી સાડી પર મૅરિટલ રેપને ઇન્ડિયન પીનલ કોડમાં એક્સેપ્શન તરીકે ન રાખવામાં આવે એવી માગણી કરતા અનેક લોકોની સહી પ્રિન્ટ કરવામાં આવી છે. ડેટા મુજબ ત્રણમાંથી એક ભારતીય મહિલાએ જીવનસાથી દ્વારા જાતીય હિંસાનો અનુભવ કર્યો છે. એમ છતાં પત્ની સાથે સંમતિ વિનાના સેક્સને બળાત્કાર તરીકે માન્યતા આપવામાં આવતી નથી. માન્યતા મેળવવા માટે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યો છે. ઇન્ફિનિટ સાડી સિગ્નેચર કૅમ્પેન દ્વારા વધુ ને વધુ લોકો પત્ની સાથે સંમતિ વિનાના સેક્સને બળાત્કાર તરીકે માન્યતા અપાવવા માટે ટેકો આપી શકે છે. ૩૧ જાન્યુઆરીથી ૮ ફેબ્રુઆરી દરમ્યાન મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજ ખાતે કાલા ઘોડા આર્ટ્સ ફેસ્ટિવલમાં ઇન્ફિનિટ સાડી પ્રદર્શિત કરવામાં આવશે. કૅમ્પેનમાં જોડાવા માટે www.infinitesaree.com પર ઑનલાઇન અરજીની લિન્ક ઉપલબ્ધ છે. #InfiniteSareeનો ઉપયોગ કરીને સોશ્યલ મીડિયા પર પણ ટેકો આપી શકાય છે.


