સાધ્વીજીનો સમાધિપર્વ મહોત્સવ મુલુંડ શાસનસમ્રાટ સંઘમાં જ તા. ૯-૧૦-૧૧ જુલાઈ દરમ્યાન ૭૦ સાધુ-સાધ્વીજીની નિશ્રામાં ભવ્ય સ્વરૂપે ઊજવાશે.
આચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મ.નાં બહેન વિદુષી સાધ્વીવર્યા વિશ્વામિત્રાશ્રીજી મ.
પ્રૌઢ પ્રભાવશાળી આચાર્યવર્ય ધર્મ-સૂર્યોદય સૂરીશ્વરજી મ.ના ધર્મસામ્રાજ્યના યશસ્વી સંવાહક શાસનશણગાર જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મ.નાં ૩ બહેન સાધ્વીજીમાંનાં સા.શ્રી વિશ્વમિત્રાશ્રીજી મ. સોમવારે ૨૯ જૂને બપોરે ૨.૪૦ વાગ્યે જૈનાચાર્ય તથા દિવંગતનાં સાંસારિક બહેનો સા. વિશ્વરત્નાશ્રીજી-વિશ્વધર્માશ્રીજી આદિ સુવિશાલ સંયમીવૃંદની નિશ્રામાં નમસ્કાર-મહામંત્રના શ્રવણપૂર્વક સમાધિમય કાળધર્મ પામ્યાં છે. તેમની પાલખીયાત્રાની ઉછામણી આજે મંગળવારે ૩૦ જૂને સવારે ૯ વાગ્યે શાસનસમ્રાટ જૈન સંઘ, તાંબેનગર, મુલુંડમાં શરૂ થશે. એ પછી બૅન્ડસૂરાવલિ અને ગુલાલની છોળો વચ્ચે પાલખીયાત્રા યોજાશે. જૈનાચાર્યનાં વડીલ ભગિની આ સાધ્વીજીએ ૨૦ વર્ષની નવયુવાનવયે સંયમ સ્વીકારીને ૪૭ વર્ષ પર્યંત ઉત્તમ સંયમસાધના કરી હતી. એ દરમ્યાન ૧૧ મુમુક્ષુઓને પ્રતિબોધિત કરતાં તેમનો ૧૧ શિષ્યા-પ્રશિષ્યાનો પરિવાર થયો હતો. અનેકવિધ સુંદર આરાધનાઓ-પ્રવચનો-શિબિરો દ્વારા શાસનસેવા કરનાર દિવંગત સાધ્વીજીનો સમાધિપર્વ મહોત્સવ મુલુંડ શાસનસમ્રાટ સંઘમાં જ તા. ૯-૧૦-૧૧ જુલાઈ દરમ્યાન ૭૦ સાધુ-સાધ્વીજીની નિશ્રામાં ભવ્ય સ્વરૂપે ઊજવાશે.
