Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જામનગરનું દંપતી મુંબઈ પોલીસ પર ઓળઘોળ

જામનગરનું દંપતી મુંબઈ પોલીસ પર ઓળઘોળ

Published : 22 November, 2025 07:43 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

રિક્ષામાં ભુલાઈ ગયેલી ૬ લાખ રૂપિયાના કૅમેરાની બૅગ તિલકનગર પોલીસે એક કલાકમાં શોધી આપી

જામનગરના દંપતીને તેમની રિક્ષામાં ભુલાયેલી કૅમેરાની બૅગ પાછી સોંપી રહેલી તિલકનગર પોલીસ

જામનગરના દંપતીને તેમની રિક્ષામાં ભુલાયેલી કૅમેરાની બૅગ પાછી સોંપી રહેલી તિલકનગર પોલીસ


ગુજરાતથી ફોટોગ્રાફી અને વિડિયો-શૂટિંગ માટે ઘાટકોપરમાં આવેલું બ્રાહ્મણ ‌દંપતી ઘાટકોપરથી ચેમ્બુરના તિલકનગર જતી વખતે રિક્ષામાં છ લાખ રૂપિયાના કૅમેરાની બૅગ ભૂલી ગયું હતું જેને‌ તિલકનગર પોલીસે એક જ કલાકમાં શોધી આપી હતી. મુંબઈ પોલીસની આ કાર્યવાહીથી આ બ્રાહ્મણ દંપતી અત્યંત પ્રભાવિત થયું હતું. તેમણે કહ્યું હતું કે ‘અમે આજ સુધી પોલીસની આવી ત્વરિત કાર્યવાહી અને સાથસહકાર ક્યારેય જોયાં નથી. અમે મુંબઈ પોલીસના ખૂબ-ખૂબ આભારી છીએ.’

આખા બનાવની માહિતી આપતાં વિરારમાં ફિલ્મ-એડિટિંગનું કામ કરી રહેલા મેહુલ ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતના જામનગર પાસે આવેલા ખાંભલિયા ગામથી મારા ૩૮ વર્ષના બનેવી હિતેશ જોશી અને મારી ૩૬ વર્ષની બહેન રૂપલ ઘાટકોપર-ઈસ્ટના ઘાટકોપર બ્રાહ્મણ સેવા સમાજમાં યોજાયેલી ભાગવત સપ્તાહમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી માટે આવ્યાં હતાં. બન્નેએ તિલકનગરમાં આવેલી વીર સૅનેટોરિયમમાં સ્ટે કર્યો હતો. ભાગવત સપ્તાહનું તેમનું કામ પૂરું થયા પછી ગુરુવારે સાંજનાં બહેન-બનેવી તેમના ગામ પાછાં ફરવાનાં હતાં. તેઓ ઘાટકોપર બ્રાહ્મણ સેવા સમાજથી બપોરે અંદાજે બે વાગ્યે તેમનો સામાન પૅક કરીને રિક્ષામાં તિલકનગર જવા નીકળ્યાં હતાં. સૅનેટોરિયમ પહોંચ્યા પછી તેમણે રિક્ષામાંથી બધો સામાન ઉતારી લીધો હતો, પણ રિક્ષામાં પાછળ મૂકેલી તેમની છ લાખ રૂપિયાના કૅમેરાની બૅગ ઉતારવાનું ભૂલી ગયાં હતાં. તેમણે તરત દોડાદોડી કરીને રિક્ષા શોધવાની ટ્રાય કરી હતી. જોકે તેમની પાસે રિક્ષાનો નંબર કે બીજી કોઈ ડીટેલ્સ ન હોવાથી રિક્ષા શોધી શક્યાં નહોતાં. બન્ને ટેન્શનમાં આવી ગયાં હતાં. રિક્ષા-ડ્રાઇવર પાછો આવશે એ આશા સાથે તેમણે બેથી ૩ કલાક સૅનેટોરિયમ પાસે વિતાવ્યા હતા, પણ કલાકો પછીયે રિક્ષા-ડ્રાઇવર આવ્યો નહોતો. સૅનેટોરિયમના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા બંધ હતા. હું પહોંચ્યો એ પછી અમે આસપાસના દુકાનદારોના અને અન્ય CCTV કૅમેરા ચેક કરવાની શરૂઆત કરી હતી. એમાંથી અમને રિક્ષા કેટલા વાગ્યે સૅનિટોરિયમ વિસ્તારમાં આવી હતી એ માહિતી મળી હતી, પણ રિક્ષાનો નંબર દેખાતો નહોતો. આથી CCTV કૅમેરાનું ફુટેજ લઈને અમે તિલકનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. તરત જ પોલીસે હિતેશ અને રૂપલ જે રસ્તેથી રિક્ષામાં આવ્યાં હતાં એ રસ્તા પરના CCTV કૅમેરા ચેક કરતાં-કરતાં બ્રાહ્મણ સમાજ સુધી પહોંચી હતી અને સાંજના ૭.૩૦ વાગ્યે અમારા હાથમાં અમારા કૅમેરાની બૅગ સુરક્ષિત પાછી મળી ગઈ હતી. પોલીસે અમને આવા બનાવો ન બને એ માટે રિક્ષા કે ટૅક્સીમાં બેસતા પહેલાં એમના નંબર નોંધવાની સલાહ આપી હતી.’



અમને મહાત્મા ગાંધી રોડના CCTV કૅમેરાના ફુટેજમાંથી રિક્ષાનો નંબર મેળવવામાં સફળતા મળી હતી એમ જણાવતાં તિલકનગરના સિનિયર ઇન્સ્પેક્ટરે સંતોષ ઢેમરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું ‘અમને હિતેશની ફરિયાદ મળતાં જ અમારી એક ટીમે ઘાટકોપર-ઈસ્ટના મહાત્મા ગાંધી રોડ પર આવેલા બધા CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં. એમાંથી અમને રિક્ષાનો નંબર મળી ગયો હતો. એના આધારે અમે રિક્ષાના ડ્રાઇવર સુધી પહોંચ્યા હતા અને તેની પાસેથી ગુજરાતથી આવેલા અમારા મહેમાનોની ૬ લાખ રૂપિયાની કૅમેરાની બૅગ અમને ફરિયાદ મળ્યાના એક કલાકમાં જ પાછી મેળવી આપી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2025 07:43 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK