આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટરરૂમમાં વાયરિંગ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટૉલેશન સુધી મર્યાદિત હતી
પ્રતીકાત્મક તસવીર
જોગેશ્વરી વિસ્તારમાં ૬ માળના બિલ્ડિંગમાં શુક્રવારે વહેલી સવારે આગ લાગવાથી ૧૧ લોકો ઘાયલ થયા હતા. વૈશાલીનગર વિસ્તારમાં ગોમતી વૈશાલી બિલ્ડિંગના મીટરરૂમમાં સવારે ૬ વાગ્યાની આસપાસ આગ લાગી હતી.
આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટરરૂમમાં વાયરિંગ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટૉલેશન સુધી મર્યાદિત હતી. ત્યારે ૧૧ લોકોને ઈજા થઈ હતી અને બિલ્ડિંગમાંથી બહાર નીકળતાં તેમને ગૂંગળામણ થઈ હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ ૨૦ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. ૭૫ વર્ષના એક પુરુષને અને ૬૭ વર્ષની એક મહિલાને દાઝી જવાથી ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે કૂપર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યારે બાકીના ૯ રહેવાસીઓને બીજી મ્યુનિસિપલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગનું કારણ શૉર્ટ-સર્કિટ હોવાનું માનવામાં આવે છે. જોકે ચોક્કસ કારણ જાણવાની કામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT
ગોળ ભરેલી ટ્રક ઘોડબંદર રોડના ફ્લાયઓવર પર લટકી પડી

અકસ્માત બાદ ફ્લાયઓવરની દીવાલ પર લટકી ગયેલી ટ્રક
શુક્રવારે સવારે ઘોડબંદર રોડ પર ગોળ ભરેલી ટ્રક ડિવાઇડર સાથે અથડાઈને ફ્લાયઓવર પર જોખમી રીતે લટકી ગઈ હતી. કાસારવડવલી ફ્લાયઓવર પર વહેલી સવારે પુણેથી દહાણુ જતી ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો એટલે ટ્રક ડિવાઇડર પરથી કૂદી બાજુની પ્રોટેક્શન-વૉલ સાથે અથડાઈને બ્રિજ પર લટકી ગઈ હતી. JCB મશીન અને ક્રેનનો ઉપયોગ કરીને ભારે જહેમત બાદ ટ્રકને પુલ પર પાછી ખેંચી શકાઈ હતી. અકસ્માતને કારણે સવારના સમયે બ્રિજ પરથી પસાર થતાં વાહનોની ગતિ ધીમી પડી હતી.
