આ પ્રસ્તાવિત સમિતિનું માળખું અને એની શરતો અંગેની વિગતોને આખરી ઓપ આપવાનો બાકી છે
ફાઇલ તસવીર
ઉત્તરાખંડ પછી હવે મહારાષ્ટ્રમાં પણ યુનિફૉર્મ સિવિલ કોડ (UCC)ના અમલીકરણ તરફ પગલાં ભરવાનું શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં UCCનો કાયદો તૈયાર કરવા માટે આગામી બે અઠવાડિયાંની અંદર એક વિશેષ સમિતિની રચના કરે એવી શક્યતા છે. આ પ્રસ્તાવિત સમિતિનું માળખું અને એની શરતો અંગેની વિગતોને આખરી ઓપ આપવાનો બાકી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે UCC માટેનો કાયદો ઘડવા માટેની સમિતિની રચના કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને બે સપ્તાહમાં સત્તાવાર રીતે આ સમિતિની ઘોષણા કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન યોગેશ કદમે વિધાનસભામાં ખાતરી આપી હતી કે મહારાષ્ટ્રમાં યુનિફૉર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવામાં આવશે અને કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષપદ હેઠળ એક વિશેષ સમિતિની રચના કરવામાં આવશે.
ADVERTISEMENT
શું છે UCC?
UCC એ ભારતીય બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોનો એક ભાગ છે જેનો મુખ્ય ઉદ્દેશ તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ હક અને મિલકતની વહેંચણી જેવા વ્યક્તિગત મામલાઓમાં એકસમાન કાયદો લાગુ કરવાનો છે.
