Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલવામાં ઘરનાં આધારસ્તંભ જેવાં ગુજરાતી મહિલાનું ટીનેજ બાઇકરની ટક્કરે કરુણ મોત

કલવામાં ઘરનાં આધારસ્તંભ જેવાં ગુજરાતી મહિલાનું ટીનેજ બાઇકરની ટક્કરે કરુણ મોત

Published : 04 February, 2026 09:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે જૉય-રાઇડ માટે નીકળેલા ૧૪ વર્ષના ટીનેજરની અટકાયત કરીને તેની બુલેટ જપ્ત કરી લીધી

મૃત્યુ પામનાર પાર્વતી પરમાર

મૃત્યુ પામનાર પાર્વતી પરમાર


કલવાના જાનકીનગર વિસ્તારમાં સોમવારે બપોરે એક ગંભીર માર્ગ-અકસ્માતમાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)નાં સફાઈ-કામદાર પાર્વતી પરમારનું મોત થતાં સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે કલવા પોલીસે જૉય-રાઇડ માટે નીકળેલા ૧૪ વર્ષના ટીનેજરની અટકાયત કરીને તેની બુલેટ બાઇક જપ્ત કરી છે. પરિવારની આર્થિક જવાબદારી સંભાળતાં અને પુત્ર-પુત્રી બન્નેના ઘરના ખર્ચનો ભાર ઉઠાવતાં ૪૭ વર્ષનાં પાર્વતીબહેન કલવાના જાનકીનગર વિસ્તારમાં પગપાળા દૂધ લેવા જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી આવી રહેલી બુલેટે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ બાઇક ૧૪ વર્ષનો ટીનેજર ચલાવી રહ્યો હતો જેને કારણે ગંભીર રીતે ઘાયલ થયેલાં પાર્વતીબહેનને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાએ ટીનેજર દ્વારા વાહન ચલાવવાની બેદરકારી અને કામકાજ કરતી મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

પાર્વતીબહેનના પુત્ર પ્રકાશ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મી કલવામાં મારી બહેન સાથે રહીને તેના અને મારા પરિવારનું ભરણપોષણ કરતી હતી. સોમવારે બપોરે અઢી વાગ્યે મમ્મી જાનકીનગરમાં દૂધ લેવા પગપાળા જઈ રહી હતી એ વખતે પાછળથી આવી રહેલી બુલેટ મોટરસાઇકલે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મમ્મી જમીન પર પટકાઈ હતી અને તેના હાથ તથા પગમાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકોએ માનવતાની ફરજ બજાવીને મમ્મીને તાત્કાલિક રિક્ષામાં છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં ડૉક્ટરોએ સારવાર શરૂ કરી હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે સાંજે ૪ વાગ્યે ઇલાજ દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.’



પ્રાથમિક તપાસમાં અમને જાણ થઈ હતી કે બુલેટ ૧૪ વર્ષનો કિશોર ચલાવી રહ્યો હતો અને તે માત્ર જૉય-રાઇડ કરવા નીકળ્યો હતો એમ જણાવતાં પ્રકાશ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મી અમારો એકમાત્ર સહારો હતી. મારી મમ્મીના મૃત્યુ માટે જે કોઈ જવાબદાર છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ એટલું જ નહીં, છોકરાને મોટરસાઇકલ આપનાર તેના વાલીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ જેથી અમે તો અમારા ઘરની વ્યક્તિ ગુમાવી, પણ બીજા કોઈનું મૃત્યુ આ રીતે ન થાય.’


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK