આ સમગ્ર ઘટના સોસાયટીના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ છે, જેનાં ફુટેજ હાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે.
સોસાયટીમાં બીજા માળે બનેલી ઘટના.
કાંદિવલી વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં સુરક્ષિત ગણાતી સોસાયટીની અંદર એક ગુજરાતી વૃદ્ધ મહિલા સુરક્ષિત નથી રહી. પોલીસના જણાવ્યા અનુસાર ડિલિવરી-એજન્ટનો સ્વાંગ રચીને આવેલા એક માણસે ૭૬ વર્ષનાં અરુણા રૂપાણીને નિશાન બનાવ્યાં હતાં અને તેમના ગળામાંથી સોનાની કીમતી ચેઇન ઝૂંટવી લીધી હતી. આ બનાવ મંગળવારે મોડી રાત્રે બન્યો હતો. વૃદ્ધા મથુરાદાસ એક્સ્ટેન્શન રોડ પર આવેલી ઉમંગ સોસાયટીમાં રહે છે. ઘટના સમયે તેઓ પોતાના ફ્લૅટની બહાર ઊભાં હતાં ત્યારે આ અપરાધને અંજામ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ છે, જેનાં ફુટેજ હાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે.
કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કરણ સોનકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી મહિલા મંગળવારે રાત્રે નજીકની માર્કેટમાંથી ખરીદી કરીને ઘરે પાછાં આવ્યાં હતાં ત્યારે આરોપી ડિલિવરી-બૉયનો વેશ ધારણ કરીને સોસાયટીમાં પ્રવેશ્યો હતો અને અરુણાબહેનના બીજા માળના ફ્લૅટ નજીક ઍડ્રેસ પૂછવાનું નાટક કર્યું હતું. વૃદ્ધા તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં અને તેઓ પોતાના ફ્લૅટ તરફ પાછાં વળવા લાગ્યાં એવી જ તક ઝડપીને તે માણસે અચાનક તેમના ગળા પર હુમલો કરી સોનાની ચેઇન આંચકી લીધી હતી. જોકે નીડર વૃદ્ધ મહિલાએ આરોપીનો હિંમતપૂર્વક વિરોધ અને પ્રતિકાર કર્યો હતો, પરંતુ લૂંટારો ચેઇન લઈને ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે અમે સત્તાવાર ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. સોસાયટીના વાઇરલ થયેલાં CCTV કૅમેરાનાં ફુટેજ, આસપાસના અન્ય કૅમેરાનાં ફુટેજ તેમ જ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની ઓળખ કરવાના સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. અમારી અલગ-અલગ ૩ ટીમે આ કેસમાં ફરાર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.’
