ભાઈંદર-ઈસ્ટમાં ગુરુવારે રાતે જ આવીને લપાઈ ગયેલા દીપડાએ ગઈ કાલે સવારથી બપોર સુધી કઈ રીતે આતંક મચાવ્યો એની કંપાવી દેનારી દાસ્તાન, ૭ જણને ઘાયલ કર્યા એ પછી છેક સાડાછ કલાકે એને બેભાન કરવામાં સફળતા મળી
ગઈ કાલે ભાઈંદરના બિલ્ડિંગની સીડી પર અને એને બેભાન કર્યા બાદ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની કસ્ટડીમાં દીપડો
ભાઈંદર ઈસ્ટના બી. પી. રોડ, ક્રૉસ રોડ-નંબર પાંચ પર આવેલી પારિજાત હાઉસિંગ સોસાયટીમાં ગઈ કાલે માદા દીપડાએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. જોકે એ પહેલાં એણે રસ્તા પર પણ બે જણ પર હુમલો કર્યો હતો. કુલ ૭ જણ પર એણે હુમલો કર્યો હતો. સંજય ગાંધી નૅશનલ પાર્ક ત્યાંથી ખાસ્સું દૂર છે અને ત્યારે આમ ભરવસ્તીના વિસ્તારમાં દીપડો આવી જતાં લોકોમાં બહુ જ ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક નવઘર પોલીસ, ફાયરબ્રિગેડ, ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ અને વાઇલ્ડલાઇફ બચાવતા નૉન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશનના વૉલન્ટિયર્સે મળીને દીપડાને પકડવા પ્રયાસ હાથ ધર્યા હતા અને એને ટ્રાન્ક્વિલાઇઝર (બેભાન કરવાની દવા)નું ઇન્જેક્શન મારી એને બેભાન કરીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. જોકે આ ઑપરેશન સાડા છ કલાક સુધી ચાલ્યું હતું.
પારિજાત A અને B હાઉસિંગ સોસાયટીમાં રહેતા અંકિત ગુપ્તાએ કહ્યું હતું કે ‘અમને એવી જાણકારી મળી હતી કે મોડી રાતે જ કૂતરાઓને ખવડાવવા નીકળેલા યુવાને દીપડાને અમારા બિલ્ડિંગની પાછળ જોયો હતો અને તેણે પોલીસને પણ જાણ કરી. પોલીસે આવીને એ વિસ્તાર તપાસ્યો પણ હતો. જોકે તેમને કશું મળ્યું નહોતું. દીપડો દેખાયો નહોતો. સવારે ૮.૧૫ વાગ્યે દીપડાએ અમારા બિલ્ડિંગના પહેલા માળે બાલ્કનીમાંથી ઘરમાં ઘૂસી એક સૂતેલી યુવતી પર હુમલો કર્યો હતો.’
ADVERTISEMENT
નાસ્તો કરવા ગયા અને દીપડાએ હુમલો કર્યો
સવારે આઠ વાગ્યે રાકેશ યાદવ તેમના ઉત્તર પ્રદેશના ગામથી આવેલા મિત્રના દીકરા શ્યામ પ્રતાપ સાહનીને લઈને ગલીમાં નાસ્તો કરવા ઊતર્યા હતા. નાસ્તો કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે કેટલીક પાર્ક કરેલી બાઇકની પાછળથી દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાએ પહેલાં રાકેશ યાદવ પર હુમલો કર્યો હતો અને એ પછી મારા પર હુમલો કર્યો હેતો એમ જણાવતાં શ્યામ પ્રતાપ સાહનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીપડાએ મારા પર હુમલો કરતાં મેં બચાવમાં મારો હાથ તેની સામે કર્યો હતો. તેણે મારા હાથ પર પંજો ફટકારી દેતાં મારા હાથ પર ઈજા થઈ હતી. મેં જોર-જોરથી મદદ માટે બૂમો પાડવા માંડતાં દીપડો અમને છોડીને નાસી ગયો હતો.’
રાકેશ યાદવે કહ્યું હતું કે ‘આ બધું કેટલીક ક્ષણોમાં જ બની ગયું. એ તો સારું હતું કે હુમલા પછી ઈજા થવા છતાં અમે ઊભા જ રહ્યા. જો પડી ગયા હોત તો એ બહુ જ જોખમી થઈ ગયું હોત.’
ભરઊંઘમાં સૂતેલી યુવતી પર દીપડાનો હુમલો

ભરઊંઘમાં સૂતેલી અંજલિ ટાક પર દીપડાએ હુમલો કર્યો હતો
પારિજાત સોસાયટીના પહેલા માળે રહેતા મૂળ રાજસ્થાનના પાલીના ટાક પરિવારની ૨૩ વર્ષની અંજલિ ટાક તો ભરઊંઘમાં હતી અને દીપડાએ બાલ્કનીમાંથી ઘરમાં આવી જઈ તેના પર હુમલો કરી તેના ચહેરા પર ઈજા પહોંચાડી હતી. અંજલિની નાની ૧૯ વર્ષની બહેન ખુશી અને મમ્મી ભારતી બન્ને પહેલાં જ ઊઠી ગયાં હતાં અને ઘરના કામમાં પરોવાયેલાં હતાં. દીપડાએ સૂતેલી અંજલિ પર હુમલો કર્યાની જાણ થતાં તેઓ દોડ્યાં હતાં. દીપડાએ તેમને પણ અડફેટે લીધાં હતાં અને તેમને પણ ઘાયલ કર્યાં હતાં પણ તેમની ઈજાઓ ગંભીર નહોતી. એ વખતે મદદ માટે તેમણે બૂમો પાડવા માંડતાં બાજુના જ મકાનમાં રહેતા તેમના સંબંધી છગનલાલ બાગરેચા રસ્તા પર સફાઈ કરવા આવેલા સુધરાઈના બે કામદારોને લઈ લાકડી લઈને પહોંચી ગયા હતા. તેમણે મળી દીપડાને દૂર કર્યો હતો. એમ કરવા જતાં તેઓ પોતે પણ ઘાયલ થયા હતા. એમ છતાં દીપડાને બેડરૂમમાં જ રાખી તેઓ અંજલિને અને ઘરના અન્ય મેમ્બર્સને લઈ બહાર નીકળી બીજા રૂમમાં લઈ જઈ શક્યા હતા એમ જણાવતાં છગનલાલે કહ્યું હતું કે ‘પછી અમને હૉસ્પિટલ લઈ જવાયા હતા. અંજલિને ગંભીર ઈજા થઈ હોવાથી તેને ત્યાર બાદ KEM હૉસ્પિટલ કાર્ડિઍક ઍમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવી હતી.’
દોડીને બાલ્કનીની બારી બંધ કરવા ગયા અને દીપડાએ હાથ કરડી ખાધો

દીપડાએ હાથ પર ભરેલાં બચકાં દર્શાવી રહેલો ઘાયલ
તળાવ રોડ પર વહેલી સવારે ઝોમૅટોના ડિલિવરી મૅને દીપડો જોયો હોવાનું કહેતાં ઘણા લોકોએ તેમના ઓળખીતાઓને કાળજી લેવા ફોન કરીને જાણ કરી હતી. દ્વારકાભવનમાં પત્ની અને દીકરી સાથે રહેતા અને સોનાના દાગીના બનાવતા કલાકાર દીપુ ભૌમિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને અમારી બાલ્કનીની બારી પાસે ખખડાટ સંભળાતાં જ હું બારી બંધ કરવા દોડ્યો હતો. જોકે દીપડાએ ઝડપ મારી મારો હાથ એના મોંમાં જકડી લીધો હતો એમ છતાં મે બચવાનો પ્રયાસ કર્યો અને જેમ-તેમ કરી એના જડબામાંથી મારો હાથ છોડાવી બારી બંધ કરી દીધી હતી. હું છેલ્લાં ૨૫ વર્ષથી અહીં રહું છું પણ ક્યારેય અહીં દીપડાને જોયો નથી. દીપડો ઉત્તન કે પછી જ્યાં ઝાડપાન હોય ત્યાં જોવા મળે, એ અહીં કઈ રીતે આવ્યો એ જ સમજાતું નથી.’
ફાયરબ્રિગેડના જવાનોએ સમયસૂચકતા દાખવી રૂમ બંધ કરી દીધો

લોકોને રંજાડનાર દીપડાને બેહોશ કરીને, પકડીને લઈ જવાતો હતો ત્યારે અનેક લોકો એની એક ઝલક જોવા સંજય ગાધી નૅશનલ પાર્કની વૅનની આજુબાજુ ટોળે વળી ગયા હતા (તસવીરઃ સતેજ શિંદે)
દીપડાને કઈ રીતે પકડવામાં આવ્યો એ વિશે માહિતી આપતાં પ્રાણીઓ માટે કામ કરતી NGO સ્પ્રેડિંગ અવેરનેસ ઑન રેપ્ટાઇલ્સ ઍન્ડ રીહૅબિલિટેશન પ્રોગ્રામ (SAARP)ના આસિફ પત્રાવાલા જે આ રેસ્ક્યુ ટીમના ભાગ હતા તેમણે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કૉલ આવ્યો હતો કે દીપડાએ કેટલાક લોકોને ઇન્જર્ડ કર્યા છે, સ્પૉટ પર પહોંચો. એથી અમારી ટીમ સ્પૉટ પર પહોંચી હતી. જોકે એ દરમ્યાન ફાયરબ્રિગેડના જવાનોએ સમયસૂચકતા વાપરી જે ફ્લૅટમાં દીપડો હતો એનો સેફ્ટી ડોર અને ગ્રિલ બહારથી બંધ કરી દીધાં હતાં જેથી દીપડો બહાર આવીને અન્ય કોઈ પર હુમલો ન કરે. જેમ આપણે દીપડાથી ગભરાઈએ એમ દીપડો પણ ઘણાબધા લોકોને જોઈને ઘણો અવાજ સાંભળીને ગભરાતો હોય છે. એ ફ્લૅટના બાથરૂમમાં જઈને છુપાઈ ગયો હતો. અમને ખબર પડી કે એ બાથરૂમમાં છુપાયો છે એથી બાથરૂમની બારીની બહારની ગ્રિલ પહેલાં તો તોડવી પડી. એ પછી નાનો કાચ તોડ્યો. ત્યાર બાદ એમાંથી સંજય ગાંધી નૅશનલ પાર્કની રેસ્ક્યુ ટીમે એના પર ગનથી ટ્રાન્ક્વિલાઇઝરનો પહેલો શૉટ માર્યો હતો. જોકે એ વખતે દીપડો હલી જતાં એ શૉટ ફેલ ગયો હતો અને એને પણ અંદાજ આવી ગયો. એથી એ બાથરૂમના દરવાજાની પાછળ જઈને લપાઈ ગયો. એથી અમારે વ્યવસ્થિત શૉટ મળે એ માટે થોડી રાહ જોવી પડી અને પછી બીજો શૉટ એને બરાબર વાગ્યો હતો. ત્યાર બાદ એના પૂર્ણપણે બેભાન થવાની રાહ જોવાઈ અને પછી એને રેસ્ક્યુ કરીને વૅનમાં લઈ જવાયો હતો.’
દીપડાએ ઘરમાં ઘૂસીને અટૅક કર્યો અને છેલ્લે એને ઘરમાં પૂરી દેવાયો ત્યાં સુધીનો દિલધડક ઘટનાક્રમ

- રણજિત જાધવ અને અદિતિ અલુરકર


