PoPની મૂર્તિ પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓ સામે બૉમ્બે હાઈ કોર્ટે સખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો BMCને અને અન્ય સુધરાઈઓને: સુપ્રીમ કોર્ટે આપેલા પ્રતિબંધના આદેશનું પાલન ન થતું હોવાથી હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી
ગઈ કાલે રાત્રે કાંદિવલી (ઈસ્ટ)ના ઠાકુર વિલેજમાં કાંદિવલીચા ઇચ્છાપૂર્તિ ગણેશ સાર્વજનિક મંડળના કાર્યકર્તાઓ બાપ્પાને લઈ આવી રહ્યા હતા. (તસવીર- સતેજ શિંદે)
ગણપતિબાપ્પાના જન્મદિવસ નિમિત્તે આવતી કાલથી માઘી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિ બનાવવા અને એનું વિસર્જન કરવા પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓ સામે સખત હાથે કાર્યવાહી કરવાનો આદેશ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સહિતની મહાનગરપાલિકાઓને બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે આપ્યો હતો. સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)એ પ્રતિબંધ મૂક્યો હોવા છતાં BMC ઉપરાંત રાજ્યની થાણે, મીરા-ભાઈંદર, વસઈ-વિરાર, નવી મુંબઈ સહિતની મહાનગરપાલિકાઓમાં પ્રતિબંધનું પાલન કરવામાં નથી આવતું એટલે પર્યાવરણપ્રેમીઓએ આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. માઘી ગણેશોત્સવ શરૂ થવામાં એક જ દિવસ બાકી છે ત્યારે મોટા ભાગનાં મંડળો કે ગણેશભક્તોએ PoPની મૂર્તિની સ્થાપના કરી દીધી છે. તેમની સામે BMC શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું.
PoPની મૂર્તિ બનાવનારા, સ્થાપના કરનારા અને વિસર્જન કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ ૨૦૨૨ અને ૨૦૨૩માં આપ્યો હોવા છતાં BMC સહિતની મહાનગરપાલિકાઓ દ્વારા આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કોઈ પગલાં લેવામાં નથી આવતાં એટલે આ સંબંધે ઘટતું કરવા માટે ભાઇંદરમાં રહેતા હર્ષદ ઢગે સહિતના પર્યાવરણપ્રેમીઓએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ADVERTISEMENT
હર્ષદ ઢગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘PoPની મૂર્તિથી પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે. આથી આવી મૂર્તિ બનાવવા, સ્થાપના કરવા કે એનું પાણીમાં વિસર્જન કરવા પર ૨૦૨૨થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં ગણેશોત્સવ અને નવરાત્રિમાં મૂર્તિકારો PoPની મૂર્તિ બનાવે છે. બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ ભારતી ડાંગરેની ખંડપીઠે આજે પ્રતિબંધના આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે BMC સહિતની છ મહાનગરપાલિકાઓને આદેશ આપ્યો છે. શાડૂ માટીમાંથી મોટી મૂર્તિ બનાવવામાં આવે તો એ તૂટી જવાની માત્ર અફવા છે. ભાઈંદરમાં અમે ઘણા સમયથી ગણેશોત્સવમાં સાત-આઠ ફુટની શાડૂ માટીની મૂર્તિની સ્થાપના કરીએ છીએ. મૂર્તિ તૂટવાની કોઈ ઘટના નથી બની. PoPની મૂર્તિ સસ્તી હોય છે એટલે સાર્વજનિક મંડળો આવી મૂર્તિનો ઑર્ડર આપીને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આ બાબતે કોર્ટે સંબંધિત મહાનગરપાલિકાઓને જનજાગૃતિ કરવાના નિર્દેશ પણ આપ્યા છે, પરંતુ એક-બે મહાનગરપાલિકાને બાદ કરતાં કોઈ એના પર ધ્યાન નથી આપતું.’