ઉદ્ધવ ઠાકરેની બૅગ ચેક કરવા વિશે સત્તાધારી અને વિરોધ પક્ષ સામસામે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અનેક મુદ્દા ચર્ચામાં છે ત્યારે બૅગ ચેક કરવાના મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે. સોમવારે યવતમાળની વણી બેઠક માટે મહા વિકાસ આઘાડીની જાહેર સભા થઈ હતી એમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે હેલિપૅડ પર ઊતર્યા બાદ તેમની અને તેમના સહયોગી મિલિંદ નાર્વેકરની બૅગ ચૂંટણીપંચની ટીમે ચેક કરી હતી એટલે ઉદ્ધવ ઠાકરે નારાજ થઈ ગયા હતા. તેમણે બૅગ-ચેકિંગનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો અને જાહેર સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની બૅગ કેમ ચેક નથી કરવામાં આવી એવો સવાલ કર્યો હતો. ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે ઔસા બેઠકના પ્રચાર માટે ગયા હતા ત્યારે પણ ફરી બૅગ ચેક કરવામાં આવી હતી.
બૅચ ચેક કરવા વિશે ઉદ્ધવ ઠાકરેએ મહાયુતિને નિશાના પર લીધી છે ત્યારે આ વિશે પૂછવામાં આવતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે ‘મારી પણ બૅગ ચેક કરવામાં આવી હતી. હું પરભણીમાં હતો ત્યારે ચૂંટણીપંચની ટીમે મારી બૅગ તપાસી હતી. ચૂંટણીપંચને કોઈની પણ બૅગ ચેક કરવાનો અધિકાર છે. લોકસભાની ચૂંટણી વખતે મુખ્ય પ્રધાનની બૅગ પણ ચેક કરવામાં આવી હતી. અમારી સાથે ભલે પોલીસની ગાડીઓ હોય છતાં બૅગ તો ચેક થવી જ જોઈએ.’
ADVERTISEMENT
અમિત શાહ અને જે. પી. નડ્ડાની બૅગને પણ ચેક કરવામાં આવી : ચૂંટણીપંચ
ચૂંટણીપંચ વિરોધી પક્ષના નેતાઓને જ ટાર્ગેટ કરી રહી હોવાનો આરોપ ઉદ્ધવ ઠાકરેએ કર્યો છે ત્યારે ગઈ કાલે ચૂંટણીપંચે નિવેદન આપ્યું હતું કે ‘સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજરના ભાગરૂપે દરેક પક્ષના ટોચના નેતાઓનાં ઍરક્રાફ્ટ અને હેલિકૉપ્ટરની તપાસ કરવામાં આવે છે. લોકસભાની ચૂંટણીમાં ૨૧ એપ્રિલે બિહારના કટીહારમાં અમિત શાહ અને ૨૪ એપ્રિલે ભાગલપુરમાં જે. પી. નડ્ડાની બૅગ પણ ચેક કરવામાં આવી હતી.’
ઉદ્ધવ ઠાકરેના હેલિકૉપ્ટરને મંજૂરી ન અપાઈ
ઔસામાં સભા પૂરી થયા બાદ ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે હેલિકૉપ્ટરમાં ઉમરગા જવાના હતા, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોલાપુર પહોંચવાના હતા એટલે ઍર ટ્રાફિક કન્ટ્રોલે હેલિકૉપ્ટરને ઉડાન ભરવાની પરવાનગી નહોતી આપી. તેમને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન સોલાપુર ઍરપોર્ટ પર લૅન્ડ ન થાય ત્યાં સુધી કોઈ પણ ઉડાન નહીં થઈ શકે. વડા પ્રધાન સોલાપુર પહોંચ્યા બાદ ઉદ્ધવ ઠાકરેના હેલિકૉપ્ટરને રવાના થવાની મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.