અનરાધાર વરસાદમાં અમુક ઠેકાણે પૂરની સ્થિતિ, પાલઘરમાં ૮૯૧ લોકોને રેસ્ક્યુ કરાયા, બે લાખ લોકો વીજળી વિના બેહાલ, પાલઘરનાં અનેક ગામ સંપર્કવિહોણાં, એકનું મૃત્યુ
દહાણુમાં ભરાયેલા પાણીમાંથી પસાર થતા લોકો.
કલેક્ટરે શું કહ્યું?
પાલઘરનાં કલેક્ટર ડૉક્ટર ઇન્દુ રાણી જાખડે જણાવ્યું હતું કે બુધવારે રાતથી ભારે વરસાદના કારણે દહાણુ અને તલાસરીમાં કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમોને તલાસરી તથા દહાણુમાં રેસ્ક્યુ ઑપરેશન્સ માટે તહેનાત કરી દેવાઈ છે. મદદ માટે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)ની ઇમર્જન્સી રેસ્ક્યુ ટીમોને પણ અહીં બોલાવાઈ હોવાનું ઇન્દુ રાણી જાખડે જણાવ્યું હતું. અહીં નાળામાંથી એક જણનો મૃતદેહ પણ મળી આવ્યો હતો જેની ઓળખ હજી સુધી થઈ શકી નથી, એમ ઇન્દુ રાણી જાખડે વધુમાં જણાવ્યું હતું.
સપ્તાહની શરૂઆતથી જ વરસી રહેલા વરસાદે ગુરુવારે મુંબઈ, નવી મુંબઈ, પાલઘર, દહાણુ, રાયગડ, રત્નાગિરિ, નાશિક સહિતના ભાગોમાં પોતાનું જોર વધાર્યું હતું. પાલઘર જિલ્લામાં ભારે વરસાદના કારણે તલાસરી, દહાણુ જેવા તાલુકાનાં અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો હતો. અહીંના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી ઘૂસી જતાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. લોકોનાં ઘરોમાં પૂરનાં પાણી આવતાં ૨૧૮ કુટુંબોના ૮૯૧ જણને રેસ્ક્યુ કરવાની જરૂર પડી હતી, જ્યારે બે લાખ ઘરોમાં વીજળી ન હોવાનું અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું હતું. ઇમર્જન્સી ટીમ્સ ૨૪ કલાક ખડેપગે હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
પાલઘરમાં રોડ, બ્રિજ બધું જ બંધ; વેસ્ટર્ન રેલવેની સર્વિસ પણ સસ્પેન્ડ કરવી પડી
પાલઘરમાં વરસાદની સૌથી વધુ અસર દહાણુ અને તલાસરી તાલુકામાં થઈ હતી જેના કારણે અનેક જગ્યાએ રોડ અને બ્રિજ તો બંધ કરવા જ પડ્યા હતા, પરંતુ સાથે ટ્રેન-સર્વિસ બંધ થવાના કારણે પણ લોકોને હાલાકી ભોગવવી પડી હતી. રેલવે-ટ્રૅક પર પાણી ભરાઈ જવાના કારણે અનેક ટ્રેનો કૅન્સલ કરવી પડી હતી અને અનેક ટ્રેનો અટવાઈ પડી હતી. દહાણુ અને વલસાડ વચ્ચે અનેક સ્થળોએ ટ્રેન-સર્વિસિસને અસર થઈ હતી અને જે ટ્રેનો ચાલી રહી હતી એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યંત ધીમી ગતિએ દોડાવવામાં આવી રહી હતી. વિરાર અને દહાણુ વચ્ચે ચાલતી લોકલ ટ્રેનો પણ રદ કરવામાં આવી હતી.
અનેક સબસ્ટેશનો પાણીમાં ગરકાવ થઈ ગયાં હોવાથી વીજળી પણ ગાયબ છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) અને NDRF મળીને પાણીમાં ડૂબેલાં સબસ્ટેશનોનું ઇન્સ્પેક્શન કરી રહ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
જગબુડી નદી પરના બ્રિજ પરથી પસાર થતી વખતે નદીના વહેણમાં તણાઈ ગઈ, ડ્રાઇવરને શોધવા માટે સર્ચ-ઑપરેશન શરૂ
કોકણ, રાયગડ, નાશિક સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદે તાંડવ ચાલુ કર્યું છે ત્યારે રત્નાગિરિના ખેડ જિલ્લામાં ભરણીમાં વરસાદના કારણે જગબુડી નદીમાં આવેલા પૂરને કારણે મૅગી ભરેલી કન્ટેનર ટ્રક નદીમાં ડૂબી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જગબુડી નદીની ઉપર બંધાયેલા બ્રિજ પરથી પસાર થઈ રહેલી આ કન્ટેનર ટ્રક ગાંડીતૂર બનેલી નદીના વહેણમાં તણાઈ ગઈ હતી. પૂરમાં તણાઈ ગયેલા ડ્રાઇવરને શોધવા માટે પ્રશાસને સર્ચ-ઑપરેશન શરૂ કર્યું હતું.
આખી ઘટનાનો વિડિયો પણ નજીકમાં આવેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ ગયો હતો. આ ઘટનાની માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ રવાના થઈ હતી અને ડ્રાઇવરને શોધવા માટે સર્ચ-ઑપરેશન શરૂ કર્યું હતું. પ્રશાસને આપેલી માહિતી મુજબ ટ્રક બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે નદીના વહેણને કારણે રસ્તા પરથી આડી ફંટાઈને ૧૦૦ ફુટ નીચે નદીમાં ખાબકી હતી. રેસ્ક્યુ ટીમ ડ્રાઇવરને શોધવાના પ્રયાસ કરી રહી છે. દરમ્યાન પાણીમાં વહી ગયેલાં મૅગીનાં પૅકેટ્સ લોકો ભેગાં કરીને લઈ જતા દેખાયા હતા.
નાશિકમાં મેઘતાંડવ : રામકુંડ અને ગોદા ઘાટનાં મંદિરોએ પણ લીધી જળસમાધિ
બુધવારથી નાશિકમાં પડી રહેલા એકધારા વરસાદના કારણે ગોદાવરી સહિત અન્ય નદીઓનાં પાણીના સ્તરમાં વધારો થયો છે અને ગોદાવરી કોઈ પણ સમયે ડેન્જર માર્કને પાર કરે એવી શક્યતા છે. નદીમાં પાણીનું સ્તર વધતાં ગંગાપુર ડૅમમાંથી પાણી છોડવું પડ્યું હતું. દારણા, ગિરણા, કડવા નદીઓમાં પણ પાણી ભયજનક સ્તરે પહોંચ્યું હતું. મળેલી માહિતી મુજબ ગુરુવારે સવારે પૂરા થતાં ૨૪ કલાકમાં નાશિકમાં ૧૦૦.૬ મિલીમીટર વરસાદ પડ્યો હતો. હજી પણ નાશિકમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. આ ઉપરાંત અહીંની હનુમાનજીની ‘દુતોંડ્યા મારુતિ’ નામે પ્રસિદ્ધ મૂર્તિ ગળા સુધી જળમગ્ન થઈ ગયેલી જોવા મળી હતી, જ્યારે ગોદાવરીના રામકુંડ અને ગોદા ઘાટમાં આવેલાં બધાં જ મંદિર પણ પાણીમાં ડૂબી ગયાં હતાં. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિક સમસ્યા પણ ઊભી થઈ હતી.
ગોરેગામમાં ફુટ ઓવર બ્રિજનાં પતરાં ઊખડ્યાં
ગોરેગામ મેટ્રો સ્ટેશન પાસે આવેલા ફુટ ઓવર બ્રિજનાં પતરાં વરસાદ અને જોરથી ફૂંકાતા પવનને કારણે હવામાં ફંગોળાઈ ગયાં હતાં, જેનો વિડિયો અને ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયા હતા. અમુક પતરાં રસ્તા પર પડવાની સંભાવનાને કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ થોભાવી દેવો પડ્યો હતો.
વસઈમાં ડૉગીને બચાવવા ગયેલી કાર રોડ-સાઇડ ખાડામાં પટકાઈ
વસઈ-વિરારમાં ગઈ કાલે પણ વરસાદે જોરાદાર બૅટિંગ કરી હતી. એને કારણે રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં. એમાં ગઈ કાલે બપોરે ૩ વાગ્યાની આસપાસ એક કાર રોડ-સાઇડ ખાડામાં પાણીમાં ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ વસઈ-વેસ્ટના સનસિટી પાસે તુળજા મંદિરથી આગળ એક કાર રોડ-સાઇડ ખાડામાં પટકાઈ હતી. કારના ડ્રાઇવરના જણાવ્યા મુજબ તે કાર ચલાવી રહ્યો હતો ત્યારે કાર સામે એક ડૉગી આવી જતાં એને બચાવવાના ચક્કરમાં તેણે સ્ટીઅરિંગ વ્હીલ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર ખાડામાં પટકાઈ હતી. કારમાં ૪ જણ હતા. લોકો તરત જ મદદ માટે દોડી જતાં તેમને સુખરૂપ બહાર ખેંચી કાઢવામાં આવ્યા હતા અને પછી કાર પણ બહાર કાઢી લેવાઈ હતી.
મુંબઈ-અમદાવાદની બાવનથી વધુ ટ્રેનો રદ, અનેક ટ્રેનો અટવાઈ
ઉમરગામ રોડ અને ઘોલવડ વચ્ચે સવારે ૪.૪૩ વાગ્યાથી ટ્રેન-સર્વિસિસ બંધ કરી દેવાઈ હતી. બ્રિજ-નંબર ૨૦૩ ખાતે પાણીનું સ્તર ભયજનક સપાટીને વટાવી જતાં આ નિર્ણય લેવાયો હતો. જોકે સવારે ૬.૫૦ વાગ્યે ૧૫ કિલોમીટરની સ્પીડે જ્યારે સંજાણ યાર્ડના બ્રિજ-નંબર ૨૩૦ પર પણ સવારે ૬.૪૫ વાગ્યાથી અપ અને ડાઉન લાઇનો પર ટ્રેન-સર્વિસ બંધ કરી દેવાઈ હતી. એ જ રીતે બ્રિજ-નંબર ૨૮૪ ખાતે સવારે ૭.૦૫ વાગ્યે ટ્રેન-સર્વિસ થોડા સમય માટે બંધ કરી દેવાઈ હતી. ગુજરાત તરફ જતી અને ત્યાંથી આવતી અનેક ટ્રેનોને રદ કરવી પડી હતી અને શૉર્ટ-ટર્મિનેટ પણ કરવી પડી હતી. વેસ્ટર્ન રેલવેઅે બાવનથી વધારે ટ્રેનો કૅન્સલ કરી હતી, ત્રણ શૉર્ટ ટર્મિનેટ કરી હતી, જ્યારે બે ટ્રેનોને ડાયવર્ટ કરી હતી.
