રાજ્યભરની સ્કૂલોમાં શિક્ષકોનો યુનિફૉર્મ ફરજિયાત કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
રાજ્યની સ્કૂલોના શિક્ષકો માટે પણ વિદ્યાર્થીઓની જેમ યુનિફૉર્મ ફરજિયાત કરવાની જાહેરાત રાજ્યના શિક્ષણપ્રધાન દાદા ભુસેએ કરી હતી. શુક્રવારે માલેગાંવ તાલુકાની એક સ્કૂલના પ્રસંગે હાજર રહેલા ભુસેએ જણાવ્યું હતું કે રાજ્યભરની સ્કૂલોમાં શિક્ષકોનો યુનિફૉર્મ ફરજિયાત કરવામાં આવશે અને એના માટે ભંડોળની ફાળવણી પણ કરવામાં આવશે. જોકે આ બાબતે રાજ્યના શિક્ષકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નહોતો.
અગાઉ પણ આ વિશે શિક્ષણ વિભાગ અને શિક્ષક-પરિષદ વચ્ચે ચર્ચા થઈ હતી, પણ શિક્ષકોના યુનિફૉર્મના પ્રસ્તાવને નકારવામાં આવ્યો હતો એમ રાજ્યના શિક્ષક-પરિષદના સરચિટણીસ શિવરાજ દરાડેએ જણાવ્યું હતું. તેમણે ઊમેર્યું હતું કે ‘શિક્ષકો અવ્યવસ્થિત કે અણછાજતાં કપડાં પહેરતા હોય એવી ક્યારેય કોઈ ફરિયાદ આવી નથી. એથી શિક્ષકોને યુનિફૉર્મ આપવા કરતાં શાળામાં મૂળભૂત સુવિધાઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’

