સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીના મામલે બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચનો ચુકાદો : ગઈ કાલે જ્યાં ઇલેક્શન નથી થયું ત્યાં ૨૦ ડિસેમ્બરે વોટિંગ છે એટલે બધાં પરિણામ સાથે જાહેર કરવાનો આદેશ
ગઈ કાલે કરાડમાં મતદાન કરવા લાઇનમાં ઊભેલા લોકો.
સ્થાનિક સ્વરાજ સંસ્થાની ગઈ કાલે યોજાયેલી ચૂંટણીનાં પરિણામો આજે ૩ ડિસેમ્બરે જાહેર થવાનાં હતાં. જોકે બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચ સામે વર્ધાના દેવડીમાં રહેતી એક વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવી હતી કે જો બીજી ડિસેમ્બરે થયેલી ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ જશે તો સ્ટેટ ઇલેક્શન કમિશને જે જગ્યાએ ચૂંટણીઓ પાછી ઠેલી છે એનાં પર આ પરિણામોની અસર થઈ શકે છે અને હવે એ પાછી ઠેલાયેલી ચૂંટણીઓ ૨૦ ડિસેમ્બરે થશે એટલે હાલનાં પરિણામો ૨૧ ડિસેમ્બર સુધી રોકી રાખવામાં આવે. કોર્ટે એ રજૂઆત માન્ય રાખીને ગઈ કાલે થયેલી ચૂંટણીનાં રિઝલ્ટ્સ હવે ૨૧ ડિસેમ્બરે એ ચૂંટણીઓનાં રિઝલ્ટ્સ સાથે જ જાહેર કરવા જણાવ્યું છે. આ બાબતે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે ઇલેક્શન કમિશનને સલાહ આપતાં કહ્યું છે કે આ વખતે થયું પણ નેક્સ્ટ ટાઇમ ધ્યાન રાખજો, કારણ કે છેલ્લી ઘડીના આવા ફેરફારને કારણે પ્રૉબ્લેમ્સ થાય છે.
બધા પક્ષોના વીસ નેતાઓએ આચારસંહિતાનો ભંગ કર્યો
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી દરમ્યાન ૨૦ જેટલા નેતાઓએ ચૂંટણીમાં પાળવી પડતી આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનું સ્ટેટ ઇલેક્શન કમિશને નોંધ્યું છે. એમાં રાજ્યમાં સત્તાધારી મહાયુતિના ઘણા નેતાઓનો પણ સમાવેશ થાય છે. રાજ્યના જળ અને સિંચાઈ ખાતાના પ્રધાન ગુલાબરાવ પટીલ, સોશ્યલ જસ્ટિસ મિનિસ્ટર સંજય શિરસાટ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને શિવસેનાના વડા એકનાથ શિંદે અને ભારતીય જનતા પાર્ટીનાં ચિત્રા વાઘનો પણ એમાં સમાવેશ થતો હતો.
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરી ઃ આવું પહેલી વાર બની રહ્યું છે
રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘હું છેલ્લાં ૨૫-૩૦ વર્ષથી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ જોતો આવ્યો છું, પણ આવું પહેલી વાર બની રહ્યું છે, જાહેર કરાયેલી ચૂંટણીઓ પાછળ ધકેલાઈ રહી છે. રિઝલ્ટ પણ જાહેર કરવાનું હવે લંબાવાઈ રહ્યું છે. મને લાગી રહ્યું છે કે આ જે ચાલી રહ્યું છે એ યોગ્ય નથી. જોકે કોર્ટ આ બાબતે નિર્ણય લેવા સ્વતંત્ર છે, પણ જે ઉમેદવારો છે, જેઓ મહેનત કરે છે, આટલા દિવસ પ્રચાર કરે છે એ બધાનો એક રીતે ભ્રમ ભાંગી ગયો છે. સિસ્ટમ-ફેલ્યરને કારણે તેમની કોઈ ભૂલ ન હોવા છતાં તેમણે એ માટે હેરાન થવું પડશે. હજી તો ઘણી ચૂંટણીઓ થવાની બાકી છે. ઍટ લીસ્ટ હવે પછીની ચૂંટણીઓમાં આ રીતના ગોટાળા ન થાય એ બાબતનું ઇલેક્શન કમિશને ધ્યાન રાખવું પડશે.’
બપોરે ૩.૩૦ વાગ્યા સુધી થયું ૪૭.૫૧ ટકા મતદાન
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ગઈ કાલે થયેલી ચૂંટણીમાં બપોરે ૩.૩૦ વાગ્યા સુધી ૪૭.૫૧ ટકા મતદાન થયું હતું. ચૂંટણી દરમ્યાન કેટલીક જગ્યાએ પથ્થરમારાની અને અન્ય બે પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારી અને વાહનોની તોડફોડની છૂટીછવાઈ ઘટના બની હતી. રાજ્યમાં સત્તા પર રહેલી મહાયુતિના સાથી-પક્ષો ભારતીય જનતા પાર્ટી, શિવસેના (એકનાથ શિંદે) અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના ઉમેદવારો ઘણી જગ્યાએ એકબીજાની સામે ચૂંટણી લડ્યા હતા.
કાર્યકરો સામસામા બાખડ્યા, કૅશ પકડાઈ, EVM ખોટકાયું: સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં ક્યાં શું બન્યું?
બદલાપુરની ગાંધીનગર ટેકડી મતદાન-બૂથ પર BJP અને શિવસેનાના વર્કરો વચ્ચે વોટર્સ-સ્લિપને લઈને થયેલા વિવાદમાં બન્ને પાર્ટીના વર્કરો બાખડ્યા હતા. પોલીસે વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા.
બીડ જિલ્લાના ગેવરાઈ ટાઉનમાં BJPના સ્થાનિક નેતાના ઘર પર પથ્થરમારો થતાં તેમના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે શેરી-યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને બન્ને પક્ષના કાર્યકરોએ સામસામે જોરદાર પથ્થરમારો કર્યો હતો. તોફાનીઓએ અનેક વાહનોના કાચ તોડી નાખ્યા હતા અને અન્ય નુકસાન કર્યું હતું. પોલીસે એ ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
શિવસેનાના વિધાનસભ્ય સંતોષ બાંગડ ગઈ કાલે હિંગોલીમાં એક મહિલા મત આપી રહી હતી ત્યારે બૂથમાં પ્રવેશ્યાનો વિડિયો વાઇરલ થયો હતો. આ બાબતે ઇલેક્શન-ઑફિસરે કહ્યું હતું કે ‘મને પણ એ વિડિયો જોવા મળ્યો છે પણ એ પૂરો નથી. એથી મેં બૂથ-ઑફિસર પાસે આ વિશેની પૂરતી વિગતો મગાવી છે અને એ ઘટનાનો ડીટેલ્ડ રિપોર્ટ આપવા પણ તેમને જણાવ્યું છે.’
બીડ જિલ્લાના માંજલગાવમાં સોમવારે સાંજે બાયપાસ રોડ પર પાર્ક કરાયેલી કારમાંથી ૬ લાખ રૂપિયા મળી આવ્યા હતા. એવા આક્ષેપ થયા હતા કે એ રકમ મતદારોને આકર્ષવા તેમને વહેંચવા માટે લાવવામાં આવી હતી. માંજલગાવના સુધરાઈ-કમિશનર સુંદર બોંદારે કહ્યું હતું કે ‘એ કૅશ ધરાવનાર વ્યક્તિ પાસેથી કૅશ વિશેના દસ્તાવેજી પુરાવા માગ્યા ત્યારે એ ન આપી શકતાં એ કૅશ જપ્ત કરવામાં આવી હતી અને એની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.’
સાંગલીના શિરોળા ગામમાં રહેતો અન્સાર કાસિમ મુલ્લા હાલ ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહે છે અને નોકરી કરે છે. તેને ખબર પડી કે ગામમાં બીજી ડિસેમ્બરે મતદાન છે એથી મતદાન કરવા તે ખાસ ઑસ્ટ્રેલિયાથી ફ્લાઇટમાં આવ્યો હતો અને ગામ પહોંચી તેણે મતદાનનો હક બજાવ્યો હતો.
બીડ શહેરના શાહુનગર વિસ્તારમાં ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી અને નૅશનિલસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર) જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ચોક્કસ કયાં કારણોસર ઝઘડો થયો હતો એ જાણી શકાયું નહોતું. જોકે એને કારણે તંગદિલી વ્યાપી ગઈ હતી અને પોલીસે દરમ્યાનગીરી કરવી પડી હતી.
શિર્ડીમાં શોભા શિંદે જ્યારે મતદાન કરવા બૂથ પર પહોંચ્યાં ત્યારે તેમને એ જાણીને આંચકો લાગ્યો હતો કે તેમના નામે ઑલરેડી પહેલાં જ કોઈ મતદાન કરી ગયું હતું. ત્યાર બાદ આ બાબતે તપાસ કરવામાં આવી હતી.
પંઢરપુરની ઉર્દૂ સ્કૂલના મતદાનકેન્દ્ર પર તીર્થક્ષેત્ર વિકાસ આઘાડીનાં ઉમેદવાર પ્રણીતા ભાલકેએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે મતદાનકેન્દ્ર પર કમળ સામે પહેલેથી જ ચોકડી મારીને બૅલટ-પેપર અપાયાં હતાં.
બદલાપુરના સુરવળ ચોકમાંથી ઇલેક્શન કમિશનની ફ્લાઇંગ સ્ક્વૉડને એક વ્યક્તિ બે લાખ રૂપિયાની કૅશ સાથે મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
બદલાપુરના શિરગાવની આપ્ટેવાડીમાં એક EVM બંધ પડી ગયું હતું. એ બદલવામાં પોણો કલાકનો સમય નીકળી ગયો હતો. મતદારોએ મત આપવા માટે નવું મશીન આવે ત્યાં સુધી રાહ જોવી પડી હતી. અમરાવતીના દરિયાપુરમાં પણ એક મશીન એક કલાક સુધી બંધ પડી ગયું હતું.
નાશિકના ઓઝરનાં પાર્વતાબાઈ કારભારી ચૌધરીએ ૧૦૦મા વર્ષે મતદાનનો હક બજાવ્યો હતો.
બુલઢાણામાં બોગસ મતદાન કરતો યુવક ઝડપાયો હતો. જોકે પોલીસ જ્યારે તેને પકડવા ગઈ ત્યારે તેના સાગરીતોએ તેને ભગાડી દીધો હતો.
‘શોલે’ ફિલ્મના ગબ્બર સિંહના ચાહક અકલુજના દત્તાત્રય સૂર્યવંશી વર્ષોથી ગબ્બર સિંહનો જ ગેટ-અપ પરિધાન કરે છે. ગઈ કાલે તેમણે એ ગેટ-અપમાં જ મતદાન કર્યું હતું.


