Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિધાન-પરિષદની ચૂંટણીમાં મળેલી પછડાટ પછી BJPનો ચોંકાવનારો આક્ષેપ

વિધાન-પરિષદની ચૂંટણીમાં મળેલી પછડાટ પછી BJPનો ચોંકાવનારો આક્ષેપ

Published : 30 October, 2026 09:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિ‍વસેનાએ મિત્રપક્ષ તરીકેનો ધર્મ ન નિભાવ્યો તથા નાગપુરમાં અને પુણેમાં જોઈએ એવો સહયોગ ન કર્યો

નવનાથ બન

નવનાથ બન


મનોજ જરાંગેના ૫૦૦ કરોડ રૂપિયાના દાવાને લઈ ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેનાના નેતાઓમાં થોડી તૂતૂ-મૈંમૈં જોવા મળી હતી. ત્યાર પછી હવે મહારાષ્ટ્રની વિધાનપરિષદની ચૂંટણીઓનાં પરિણામો પછી પણ મહાયુતિમાં ખટરાગ ચાલતો હોવાનું જણાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર BJPના મુખ્ય પ્રવક્તા નવનાથ બને સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને કહ્યું હતું કે મહાયુતિના ઘટક પક્ષોમાં વધુ સમન્વય હોત તો વધુ સારું પ્રદર્શન કરીને વધુ બેઠકો જીતી શક્યા હોત. તેમણે કહ્યું હતું કે ‘શિવસેનાએ મિત્રપક્ષ તરીકેનો ધર્મ ન નિભાવ્યો અને નાગપુર તથા પુણેમાં જોઈએ એવો સહયોગ ન કર્યો. છત્રપતિ સંભાજીનગરમાં પણ અબ્દુલ સત્તારે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. જો અપેક્ષિત સહકાર મળ્યો હોત તો મહાયુતિ બધી જ પાંચ બેઠકો જીતી શકી હોત.’ 

યુતિ રાખવી કે તોડવી એ BJP નક્કી કરે : શિવસેનાના અબ્દુલ સત્તાર
શિવસેનાના છત્રપતિ સંભાજીનગરના વિધાનસભ્ય અબ્દુલ સત્તારે ચૂંટણીમાં NCP વિરુદ્ધ પ્રચાર કરતાં BJPએ હાર માટે શિવસેનાને જવાબદાર ગણાવી એના જવાબમાં અબ્દુલ સત્તારે કહ્યું હતું કે ‘ચૂંટણીમાં NCPની જીત થઈ એમાં મેં નજીવો ભાગ ભજવ્યો છે. NCPનો ઉમેદવાર સતીશ ચવાણ વ્યક્તિ તરીકે ઘાતક છે. અમે ફક્ત એ વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવી હતી. પહેલેથી જ સતીશ ચવાણની પસંદગી પ્રત્યે લોકોમાં નારાજગી હતી. ૭૦ ટકા લોકોએ આ ચૂંટણીમાં મહાયુતિને નકારી છે. એકનાથ શિંદે અમિત શાહ અને નરેન્દ્ર મોદીને મળે છે અને તે ફરી મુખ્ય પ્રધાન બનશે એવી ચર્ચા ચાલે છે. એનાથી અમારા જેવા કાર્યકરો ખુશ થાય છે, પરંતુ BJPના અનેક લોકોને પેટમાં દુઃખે છે. ૨૦૨૪ની ચૂંટણી એકનાથ શિંદેના નેતૃત્વમાં લડવામાં આવી હતી એટલે તેમણે જ મુખ્ય પ્રધાન બનવું જોઈએ. મહાયુતિ ટકાવવી કે પછી તોડવી એ BJP નક્કી કરે.’



શિવસેનાએ હંમેશાં જ યુતિધર્મ નિભાવ્યો છે ઃ એકનાથ શિંદે
BJP દ્વારા શિવસેનાએ સહકાર ન આપતાં પરાભવનો સામનો કરવો પડ્યો એવા આરોપનો જવાબ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યો હતો. તેમણે આ વિશે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ‘શિવસેનાએ હંમેશાં જ યુતિધર્મ નિભાવ્યો છે. આ ચૂંટણીમાં ૪ બેઠકો પર BJP અને શિવસેના વચ્ચે યુતિ હતી. પુણેમાં શિવસેના દ્વારા ટેકો અપાયેલ BJPના ઉમેદવારને ઊભા કરવામાં આવ્યા હતા અને મૈત્રીપૂર્ણ રીતે આ ચૂંટણી લડવામાં આવી હતી. શિવસેનાએ હંમેશાં યુતિધર્મ પાળ્યો છે અને ભવિષ્યમાં પણ આ ધર્મ પાળશે એવું અમારું વલણ છે.’


કૉન્ગ્રેસ ફક્ત એક બેઠક જીતી, પણ કેસરિયા નગરીમાં ઝંડો ગાઢીને અપસેટ સરજ્યો
કૉન્ગ્રેસે વિધાન-પરિષદની ચૂંટણીમાં ભલે એક જ બેઠક પર વિજય મેળવીને ખરાબ પ્રદર્શન કર્યું હોય, પરંતુ આ જીત BJP માટે એક ઝટકા સમાન માનવામાં આવે છે. કૉન્ગ્રેસે નાગપુરની ગ્રૅજ્યુએટ બેઠક જીતી હતી. નાગપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો ગઢ છે તથા કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરીનું હોમગ્રાઉન્ડ છે તથા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો પણ મતવિસ્તાર છે. એવામાં કૉન્ગ્રેસના ઉમેદવાર અભિજિત વંજારીએ BJPના ઉમેદવાર સુધાકર કોહનેને હરાવીને, અપસેટ સર્જીને BJPના અહમ્ પર ઘા કર્યો છે એવી ચર્ચા થઈ રહી છે. અભિજિત વંજારીએ BJPના ભૂતપૂર્વ વિધાનસભ્ય રહી ચૂકેલા સુધાકર કોહનેને ૩૨૭૧ મતથી હરાવ્યા હતા. તેમણે ૬૭,૨૩૧ મત મેળવ્યા હતા, જ્યારે સુધાકર કોહનેને ૬૩,૯૬૦ મત મળ્યા હતા. એટલે કે એક બેઠક જીતીને પણ કૉન્ગ્રેસ RSS, નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસને હરાવ્યા હોવાનો સંતોષ મેળવીને હરખાઈ રહી હોવાના અહેવાલ છે. 

મહારાષ્ટ્રમાં મહાયુતિને ફક્ત બે જ બેઠક, ૩ પર MVAનો કબજો
મહારાષ્ટ્રમાં પાંચ બેઠકો પર યોજાયેલી વિધાન-પરિષદની ચૂંટણીઓમાં પાંચમાંથી ૩ બેઠક પર મહા વિકાસ આઘાડી (MVA)નો વિજય થયો હતો, જ્યારે મહાયુતિના ફાળે ફક્ત બે જ બેઠક આવી હતી. સત્તામાં રહેલી મહાયુતિને આ ચૂંટણીમાં મોટો ફટકો પહોંચ્યો છે. BJP અને શિવસેનાએ એક-એક બેઠક પર જીત હાંસલ કરી હતી, જ્યારે MVAમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)એ બે બેઠક જીતી હતી, જ્યારે કૉન્ગ્રેસે એક બેઠક જીતી હતી. 


ક્યાં કોણ જીત્યું?
બેઠક    વિજયી ઉમેદવાર    પક્ષ
પુણે ટીચર્સ    કૌસ્તુભ ગાવડે    BJP
પુણે ગ્રૅજ્યુએટ્સ    હર્ષદા જાધવ    NCP-SP
અમરાવતી ટીચર્સ    કિરણ સરનાઈક    શિવસેના
નાગપુર ગ્રૅજ્યુએટ્સ    અભિજિત વંજારી    કૉન્ગ્રેસ
ઔરંગાબાદ ગ્રૅજ્યુએટ્સ    ડૉક્ટર પ્રતાપસિંહ પાટીલ    NCP-SP

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK