Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મિક્સોપથી મેડિસિન ગ્લૅમર કે જરૂરિયાત?

મિક્સોપથી મેડિસિન ગ્લૅમર કે જરૂરિયાત?

Published : 13 August, 2026 07:50 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

રાજ્યનું હેલ્થકૅર સેક્ટર હાલમાં કાયદાકીય જંગમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે મિક્સોપથી મેડિસિન વિશે હૉમિયોપૅથ ડૉક્ટરો શું માને છે એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રમાં હોમિયોપૅથ્સને મર્યાદિત ઍલોપથીની પ્રૅક્ટિસની મંજૂરી આપવાના મુદ્દે સરકાર અને ઍલોપૅથિક પ્રૅક્ટિશનરો આમનેસામને આવી ગયા છે. આ નિર્ણય બાદ હોમિયોપૅથિક ડૉક્ટરોને ઍલોપથીનું ગ્લૅમર આકર્ષે છે એવો આડકતરો આક્ષેપ પણ થઈ રહ્યો છે. રાજ્યનું હેલ્થકૅર સેક્ટર હાલમાં કાયદાકીય જંગમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે મિક્સોપથી મેડિસિન વિશે હૉમિયોપૅથ ડૉક્ટરો શું માને છે એ જાણીએ

મહારાષ્ટ્રનું હેલ્થ-સેક્ટર હાલમાં આંદોલન અને કાયદાકીય જંગમાંથી પસાર થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC)એ એક નોટિફિકેશન બહાર પાડીને બૅચલર ઑફ હોમિયોપૅથિક મેડિસિન ઍન્ડ સર્જરી (BHMS)ના એવા ડૉક્ટરોનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે જેમણે એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ ઇન મૉડર્ન ફાર્માકોલૉજી (CCMP) પૂરો કર્યો છે. રજિસ્ટ્રેશન બાદ હોમિયોપૅથિક ડૉક્ટરો મર્યાદિત ઍલોપૅથિક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી શકશે. જોકે સરકારના આ નિર્ણય સામે ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA) અને મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD)એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રેસિડન્ટ ડૉક્ટરોની અનિશ્ચિત મુદતની હડતાળને લીધે દરદીઓની હાલાકી જોતાં બૉમ્બે હાઈ કોર્ટે દરમ્યાનગીરી કરીને હડતાળ પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો. હાઈ કોર્ટના કડક વલણ બાદ હાલપૂરતું આંદોલન શમી ગયું છે, પરંતુ તબીબી વિવાદ શાંત થયો નથી. કાયદાકીય લડત હજી ચાલુ છે ત્યારે મિક્સોપથી (ઍલોપથી અને હોમિયોપથી બન્ને) મેડિસિનની જરૂરિયાત વિશે હૉમિયોપૅથ ડૉક્ટરો શું માને છે એ જાણીએ.



ગામડાંમાં મિક્સોપથી જરૂરી, મેટ્રો સિટીમાં પ્યૉર હોમિયોપથી - ડૉ. નંદિની જોશી, મુલુંડ


હું ૧૯ વર્ષથી પ્રૅક્ટિસ કરું છું. અગાઉ વિટામિન્સનાં ઇન્જેક્શન આપતી હતી. હવે એ પણ બંધ કરી દીધું છે. હોમિયોપથીમાં દરદીની ફુલ મેડિકલ હિસ્ટરી ચેક કરીને વિટામિન્સની ખામી દૂર થઈ શકે છે. મિનિમમ ડોઝ અને સિંગલ ડોઝથી રોગને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. દરદી ૩ મહિના દવા લઈને જુએ અને થોડી ધીરજ રાખે તો બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ જેવા લાઇફટાઇમ ડિસીઝ પણ સારા થઈ જાય. હોમિયોપથીની ગોળીથી દરદીની ઇમ્યુનિટી એટલી સ્ટ્રૉન્ગ થઈ જાય છે કે તે હાર્ટ-અટૅક જેવી સ્થિતિમાં પણ સર્વાઇવ કરી લે છે. KEM હૉસ્પિટલમાં તો હોમિયોપથી કૅન્સર કૅર ડિપાર્ટમેન્ટ છે. જોકે આજકાલ લોકોને મેડિસિન ખાવાની એટલી બધી હૅબિટ થઈ ગઈ છે કે તેઓ જલદી બિલીવ નથી કરતા કે નાનીએવી ગોળીથી રાહત થશે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં મિક્સોપથી પ્રૅક્ટિસની જરૂર છે. ગ્રામીણ જનતાને હોમિયોપથી મેડિસિન પર ભરોસો નથી. આ આખી એક માઇન્ડગેમ છે. તેમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ છે અને ડૉક્ટરોની અછત છે. આખરે દરદીને સારું થાય એ જ ધ્યેય હોવું જોઈએ એટલે ત્યાં મિક્સોપથી જરૂરી છે. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં દરદીઓ હોમિયોપૅથને શોધતા આવે છે. ઘણા હોમિયોપૅથિક ડૉક્ટરો ૪ આંકડામાં કન્સલ્ટિંગ ફી લે છે એટલે ઍલાપથીમાં જ પૈસા અને ગ્લૅમર છે એ વાતનો છેદ ઊડી જાય છે. અમે જર્મની-બેઝ્ડ કંપનીની ગોળીઓ આપીએ છીએ અને દરદીઓ દવા પ્રમાણે પૈસા ચૂકવે જ છે.

કાયદાકીય પ્રોટેક્શન માટે કોર્સ જરૂરી - ડૉ. દિનેશ ત્રિવેદી, ચીરાબજાર


૨૦૧૭માં આ કોર્સ શરૂ થયો ત્યારે પ્રથમ બૅચમાં જ મિરજસ્થિત સરકારી મેડિકલ કૉલેજમાંથી CCMP કર્યો હતો. પ્રૉપર ટ્રેઇનિંગ લઈને પરીક્ષા પાસ કરી છે. ECG કે અન્ય કટોકટીને પહોંચી વળવા અને પેશન્ટ તેમ જ મારી પોતાની સેફ્ટી માટે કોર્સ કરવો જરૂરી હતો. આપણા દેશમાં ઓવર-ધ-કાઉન્ટર મેડિસિનનું વેચાણ થાય છે, જ્યારે અમારી પાસે બાકાયદા સર્ટિફિકેટ છે. સરકારે મેડિકલ પૅનલ બેસાડીને નિર્ણય લીધો છે. આ કંઈ હવામાં વાત નથી એટલે વિરોધ સદંતર ખોટો છે. આજે જેટલા પણ નવા હોમિયોપૅથ પાસઆઉટ થાય છે તેઓ સર્વાઇવલ માટે સ્ટ્રગલ કરે છે. જે પણ નવી પ્રૅક્ટિસ શરૂ કરે છે તેણે ઇમર્જન્સી સાથે ડીલ કરવી જ પડે છે. આ કોર્સને કારણે પ્રાઇમરી ટ્રેઇનિંગ અને સારી પ્રોફેશનલ નોટ્સ મળી છે. હોમિયોપથીના વિદ્યાર્થીઓને મૉડર્ન ફાર્માકોલૉજી ભણાવવામાં નહોતી આવતી જે હવે આ કોર્સથી ભણાવાય છે. સરકારે રાઇટ ડિસિઝન લીધું છે, કારણ કે દેશમાં MBBS ડૉક્ટરોની સંખ્યા મર્યાદિત છે. આજે પ્રાઇમરી હેલ્થકૅર (PHC) સેન્ટરોમાં જઈને જુઓ, ત્યાં ૩ MBBS ડૉક્ટરની સામે ૭ આયુષ ડૉક્ટરો દરદીઓની સેવા કરતા દેખાશે અને આયુષ ડૉક્ટરોના ક્લિનિકની બહાર લાઇન લાગે છે. આયુષ ડૉક્ટરો કૉસ્ટ-ઇફેક્ટિવ સારવાર આપે છે અને તેમને લોકો અપ્રિશિએટ પણ કરે છે. સરકારે જનરલ પબ્લિકના ફાયદા માટે જ વિચારીને સત્તાવાર સિલેબસ બનાવ્યું છે. અમે MMCમાં કોઈ અલગ જગ્યા નથી માગતા, અમે માત્ર કાયદેસર પ્રૅક્ટિસ કરવા માગીએ છીએ. ઍલોપથી ડૉક્ટરોની અછતને કારણે આખા દેશમાં હોમિયોપૅથ ડૉક્ટરો ઍલોપથી સાથે પ્રૅક્ટિસ કરે જ છે. એવામાં મહારાષ્ટ્રમાં આ કોર્સ લાવીને સરકારે એને ક્વૉલિફાઇડ અને લીગલ બનાવ્યો છે એ બહુ સારું પગલું છે. અંતે તો આ કોર્સ પેશન્ટના જીવની સુરક્ષા માટે છે. 

ડાયગ્નૉસ્ટિક મશીનરી મૉડર્ન અને દવા હોમિયોપૅથિક - ડૉ. વંદના શ્રીનિવાસન, અંધેરી

હું છેલ્લાં ૩૮ વર્ષથી અંધેરીમાં હોમિયોપૅથિક પ્રૅક્ટિસ કરું છું. મારી પાસે આવતા એક વર્ષના બાળકથી લઈને ૯૦ વર્ષના વડીલો સુધીના બધા જ દરદીઓ માત્ર હોમિયોપથી સારવાર લે છે. હું પોતે ઍલોપૅથિક ડૉક્ટર્સ પેરન્ટ્સની સંતાન છું. મારા પપ્પાને લોકો ભગવાન માનતા હતા. એમ છતાં મેં હોમિયોપથી પસંદ કર્યું કારણ કે દરદીઓને કડવી દવાઓ કે સાઇડ-ઇફેક્ટ વિના પણ સાજા કરી શકાય છે એવું હું દૃઢપણે માનું છું. બાળપણમાં મારી પાસે આવતા દરદીઓ આજે પોતાનાં બાળકોને લઈને આવે છે. હોમિયોપથીની ગોળીની સાઇઝ નાની છે અને મોઢામાં સીધી ટપકાવી દેવાની હોવાથી બધાને માફક આવે છે. ઑટિઝમ અને ઇમ્યુનિટી વધારવા માટે પણ લોકો હોમિયોપથી પર ભરોસો કરે છે. ડાઉન સિન્ડ્રૉમ ભલે સંપૂર્ણ મટી ન શકે, પણ દરદીના બિહેવિયરલ ઇશ્યુ અને લાળ પડવાની સમસ્યાને કન્ટ્રોલ કરી શકાય છે. લોકો માને છે કે માથું દુખે ત્યારે પૅરાસિટામોલ ૧૫ મિનિટમાં અસર કરે છે, પરંતુ જો હોમિયોપથીમાં દવાનું સિલેક્શન બરાબર હોય તો આ દવા પણ એટલા જ સમયમાં અસર કરે છે. મેં CCMP કર્યો નથી અને મને એની જરૂર પણ લાગતી નથી. ઇન ફૅક્ટ, હોમિયોપથી વધુ ચૅલેન્જિંગ અને વધુ રિફાઇન્ડ સાયન્સ છે. જોકે ફ્રૅક્ચર, ડિલિવરી, અકસ્માત કે હાર્ટ-અટૅક જેવી કટોકટીમાં ચોક્કસ ઍલોપથીની જરૂર પડે છે. મૉડર્ન સાયન્સ પાસે માઇક્રોસ્કોપ, સોનોગ્રાફી સહિતની ટેક્નૉલૉજી અને ડાયગ્નૉસ્ટિક મશીનો છે. કિડનીના સ્ટોનના દરદીને ૩ મહિને સોનોગ્રાફી કરાવવા મૉડર્ન મશીનરીનો ઉપયોગ કરું, પરંતુ દવા તો હોમિયોપથીની જ આપું. ઍલોપથીમાં ગ્લૅમર છે એવો આક્ષેપ વાહિયાત છે. મેડિકલ વર્લ્ડ કોઈ ગ્લૅમરસ પ્રોફેશન નથી પણ સેવાનું ફીલ્ડ છે. પોતાના દમ પર હોમિયોપથી પ્રૅક્ટિસ કરીને દરદીનો ભરોસો જીતો તો આમાં પણ અઢળક પૈસા અને સફળતા છે. હોમિયોપૅથ પાસે મેડિસિનનો એટલો ખજાનો છે કે નવું કશું કરવાની જરૂર જ નથી. 

તમામ ચિકિત્સાપદ્ધતિ ભેગી ભણાવવી જોઈએ - ડૉ. રાજેશ શાહ, હોમિયોપૅથ, સંશોધક અને CMPH મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ પ્રોફેસર

પહેલાં તો એ સ્પષ્ટ કરી દઉં કે હું તબીબી રીતે પ્રશિક્ષિત હોમિયોપૅથ છું અને માત્ર હોમિયોપથીની જ પ્રૅક્ટિસ કરું છું. ભારત સહિત અનેક દેશોમાં હોમિયોપૅથિક તેમ જ ઍલોપૅથિક ડૉક્ટરોને હોમિયોપથી ભણાવું છું. ભારતમાં હોમિયોપથી (BHMS) અને ઍલોપથી (MBBS) બન્ને અભ્યાસક્રમો સાડાચાર વર્ષના છે અને એક વર્ષની ઇન્ટર્નશિપ ધરાવે છે જેમાં ઍનૅટૉમી, ફિઝિયોલૉજી, પેથોલૉજી, સર્જરી અને ગાયનેકોલૉજી જેવા તમામ વિષયો આવરી લેવામાં આવે છે - સિવાય કે મૉડર્ન ફાર્માકોલૉજી. ઍલોપથીમાં મૉડર્ન ફાર્માકોલૉજી એકથી વધુ વર્ષ માટે ભણાવાય છે, જ્યારે BHMSમાં હોમિયોપૅથિક ફાર્માકોલૉજી સહિત ૪ વધારાના વિષયો ભણાવવામાં આવે છે. મુખ્ય તફાવત માત્ર ફાર્માકોલૉજીનો જ છે જે એક હોમિયોપૅથ એક વર્ષના CCMP દ્વારા સરળતાથી શીખી શકે છે. ચિકિત્સાની કોઈ પણ પદ્ધતિ પોતાનામાં સંપૂર્ણ વિજ્ઞાન નથી. હોમિયોપથી જૂની અને લાંબી (Chronic) બીમારીઓમાં શ્રેષ્ઠ છે, જ્યારે ઍલોપથી તાત્કાલિક અને કટોકટીની સારવાર (Acute & Critical Care) માટે સારી છે. ફ્રાન્સ, જર્મની અને ઇંગ્લૅન્ડ જેવા દેશોમાં પણ મોટા ભાગના હોમિયોપૅથ્સ મૂળ ઍલોપૅથિક ડૉક્ટર જ છે જેઓ વધારાની ટ્રેઇનિંગ લઈને હોમિયોપથી કરે છે. તમામ પ્રકારના ડૉક્ટરો પાસે સારવારની બધી જ પદ્ધતિઓનું સંકલિત જ્ઞાન (Integrated Knowledge) હોવું જોઈએ જેથી દરદીઓને યોગ્ય સારવાર આપી શકાય. એ વાત સાચી છે કે ઘણા યુવા હોમિયોપૅથ્સ આર્થિક કમાણી માટે ઍલોપથી તરફ વળે છે, કારણ કે આપણી હોમિયોપૅથિક કૉલેજોમાં શિક્ષણપ્રણાલી એટલી અસરકારક નથી કે વિદ્યાર્થીઓમાં પ્યૉર પ્રૅક્ટિસ કરવાનો આત્મવિશ્વાસ આવે. ગ્લૅમર અને પૈસાની વાત કરીએ તો એ એક સફળ હોમિયોપૅથિક પ્રૅક્ટિસમાં જ છે, ભલે એમાં સમય અને મહેનત લાગે. તબીબી કૉલેજોમાં શરૂઆતથી બધી જ ચિકિત્સાપદ્ધતિઓ ભેગી ભણાવવી જોઈએ જેથી ડૉક્ટરોમાં કોઈ પૂર્વગ્રહ ન રહે.

હૉમિયોપૅથિક ડૉક્ટરો પાસે ડબલ નૉલેજ - ડૉ. ફાલ્ગુની સંઘવી, ઘાટકોપર

હું છેલ્લાં ૨૮ વર્ષથી ઘાટકોપર-ઈસ્ટ અને વેસ્ટમાં હોમિયોપૅથિક પ્રૅક્ટિસ કરું છું. મારો અનુભવ કહે છે કે જ્યારે કોઈ દરદી ૧૦૪ ડિગ્રી તાવ સાથે, કિડનીના સ્ટોનના અસહ્ય દુખાવા સાથે કે અસ્થમાના અટૅક સાથે ક્લિનિકમાં આવે ત્યારે કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક રાહત આપવા માટે અમારે ક્રોસિન કે પેઇનકિલર લખીને આપવી જ પડે છે. ડૉક્ટર તરીકે જો કોઈ દરદીને છાતીમાં દુખતું હોય તો હું હાથ જોડીને બેસી ન રહી શકું, કારણ કે હોમિયોપથીની દવા ધીમે-ધીમે અસર કરે. જો કોઈ ડેન્ગીનો દરદી કટોકટીમાં હોય તો તેને ઍલોપથી આપીને તાત્કાલિક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવો પડે. ત્યાં કોઈ ભેદભાવ ન ચાલે. ઍલોપૅથિક ડૉક્ટરોનો એ આક્ષેપ સદંતર ખોટો છે કે હોમિયોપૅથ્સ પાસે જ્ઞાન નથી. અમે સાડાચાર વર્ષ કમ્પ્લીટ અભ્યાસ કર્યો છે અને ૬ મહિનાની કમ્પલ્સરી ઍલોપૅથિક ઇન્ટર્નશિપ કરી છે જેમાં ગાયનેક, સર્જરી અને ICU સહિતના તમામ વૉર્ડ અલૉટ કરાય છે. અમને ફાઇબ્રૉઇડ અને કિડનીના સ્ટોનનું પણ પૂરું મેડિકલ સાયન્સ ખબર છે. આમ જુઓ તો હોમિયોપૅથ્સ પાસે ડબલ નૉલેજ છે. દરદી જ્યારે પૂછે કે આ સ્થિતિમાં ઍલોપથી દવા લેવાય કે નહીં ત્યારે પૂરતું જ્ઞાન હોય તો જ અમે તેને સાચી સલાહ આપી શકીએ. મેં આ નવો એક વર્ષનો CCMP નથી કર્યો કારણ કે હું ૩૦ વર્ષ પહેલાં ભણી હતી, પણ આ કોર્સ નવા ડૉક્ટરોને ચોક્કસ હેલ્પ કરશે. એક વાત પ્રામાણિકતાથી સ્વીકારું છું કે ઍલોપથીમાં ગ્લૅમર અને આર્થિક કમાણી છે. દરેક હોમિયોપૅથ ડૉક્ટર પ્રૅક્ટિસમાં શરૂઆતથી સફળ નથી થઈ જતો. ઘર ચલાવવા, ક્લિનિકના ખર્ચ કાઢવા અને મેડિકલ પ્રોફેશનમાં ટકી રહેવા માટે ઘણા ડૉક્ટરોએ મિક્સઅપ (ઍલોપથી-હોમિયોપથી બન્ને) પ્રૅક્ટિસ કરવી પડે છે. આ એક ગ્રાઉન્ડ રિયલિટી છે.

Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 07:50 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK