Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > SSCમાં ફરી એક વખત છોકરીઓએ બાજી મારી

SSCમાં ફરી એક વખત છોકરીઓએ બાજી મારી

Published : 14 May, 2025 11:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રમાં એક્ઝામ આપનારા કુલ સ્ટુડન્ટ્સમાંથી ૯૪.૧૦ ટકા પાસ, ૯૫.૮૪ ટકા સાથે મુંબઈ ત્રીજા નંબરે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૯૬.૧૪ ટકા છોકરીઓએ સફળતા મેળવી, છોકરાઓની ટકાવારી ૯૨.૩૧ : રાજ્યની ૭૯૨૪ સ્કૂલોનું ૧૦૦ ટકા રિઝલ્ટ


મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન, પુણેએ ગઈ કાલે SSC (સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ)નું દસમા ધોરણનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે રિઝલ્ટ બે અઠવાડિયાં વહેલું જાહેર કરવામાં આવ્યું છે. ૮ અલગ મીડિયમના કુલ ૬૬ વિષયો સાથેની એક્ઝામ માટે ૫૧૩૦ એક્ઝામ સેન્ટર ફાળવવામાં આવ્યાં હતાં. ૧૫,૫૮,૦૨૦ ​રેગ્યુલર વિદ્યાર્થીઓએ એક્ઝામ આપવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ૧૫,૪૬,૫૭૯ વિદ્યાર્થીઓએ પરી​ક્ષા આપી હતી અને એમાંથી ૧૪,૫૫,૪૩૩ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ ૯૪.૧૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગઈ કાલે ઓવરઑલ ફરી એક વાર છોકરીઓએ બાજી મારી હતી. આ વર્ષે ૮,૨૩,૬૧૧ છોકરાઓએ અને ૭,૨૨,૯૬૮ છોકરીઓએ દસમા ધોરણની પરીક્ષા આપી હતી. એમાંથી ૭,૬૦,૩૨૫ છોકરાઓ (૯૨.૩૧ ટકા) અને ૬,૯૫,૧૦૮ (૯૬.૧૪ ટકા) છોકરીઓ પાસ થયાં હતાં.    



બોર્ડના ૯ વિભાગોમાંથી મુંબઈ ત્રીજા ક્રમે રહ્યું હતું. મુંબઈમાંથી ૩,૩૫,૫૦૯ સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી હતી. એમાંથી ૯૫.૮૪ ટકા એટલે કે ૩,૨૧,૫૬૬ સ્ટુડન્ટ્સ પાસ થયા હતા. પહેલા નંબરે કોંકણ વિભાગ હતો જેમાં પરીક્ષા આપનારા કુલ વિદ્યાર્થીઓમાંથી ૯૮.૮૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે સૌથી છેલ્લા નંબરે નાગપુર વિભાગ રહ્યો હતો. અહીં પરીક્ષા આપનારા કુલ વિદ્યાર્થીઓમાંથી ૯૦.૭૮ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ વર્ષે ૯૫૮૫ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી. એમાંથી ૮૮૪૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.


રેગ્યુલર, પ્રાઇવેટ અને રિપીટર સ્ટુડન્ટ્સનું ટોટલ રિઝલ્ટ

ડીટેલ    છોકરાઓ    છોકરીઓ    કુલ
પરીક્ષા આપી    ૮,૫૬,૪૬૨    ૭,૪૨,૦૯૧    ૧૫,૯૮,૫૫૩
પાસ    ૭,૭૯,૩૭૯    ૭,૦૮,૦૨૦    ૧૪,૮૭,૩૯૯
પાસ    ૯૦.૯૯ ટકા    ૯૫.૪૦ ટકા    ૯૩.૦૪ ટકા


છેલ્લાં ચાર વર્ષમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી

૨૦૨૫    ૯૪.૧૦ ટકા
૨૦૨૪    ૯૫.૮૧ ટકા
૨૦૨૩    ૯૩.૮૩ ટકા
૨૦૨૨    ૯૬.૯૪ ટકા

BMCની સ્કૂલોનું રિઝલ્ટ ૯૨.૯૨ ટકા

મુંબઈમાં હજી મધ્યમ અને ગરીબ વર્ગના અનેક વિદ્યાર્થીઓ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની સ્કૂલોમાં ભણે છે. વરલી સી-ફેસની સ્કૂલમાં ભણતી અક્ષરા વર્મા ૯૬.૮૦ ટકા લાવીને ‍‍BMCની સ્કૂલોમાં ટૉપર બની છે. BMCની ૨૪૭ સ્કૂલોના ૧૪,૯૬૬ વિદ્યાર્થીઓએ આ વર્ષે SSCની પરીક્ષા આપી હતી. એમાંથી ૯૨.૯૨ ટકા એટલે કે ૧૩,૯૦૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. એમાં પણ ૮૯ સ્કૂલોના તો તમામેતમામ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. BMCની સ્કૂલોમાં ભણીને ૧૧૮ વિદ્યાર્થીઓ ૯૦ ટકા કરતાં વધુ ટકા લાવ્યા છે. ગયા વર્ષે ૬૩ વિદ્યાર્થીઓએ ૯૦ ટકા કરતાં વધુ માર્ક્સ મેળવ્યા હતા. BMCની સ્કૂલોનું રિઝલ્ટ ૨૦૨૩માં ૮૪.૭૭ ટકા, ૨૦૨૪માં ૯૧.૫૬ ટકા અને ૨૦૨૫માં ૯૨.૯૨ ટકા આવ્યું છે. 

આખા રાજ્યમાં ૨૧૧ વિદ્યાર્થીઓને પૂરા ૧૦૦ ટકા, એમાંથી લાતુરના ૧૧૩

SSCનાં પરિણામોમાં ભૂતકાળમાં લાતુર પૅટર્ન અગ્રક્રમે રહેતી હતી અને ત્યાંના વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલ પર ચમકતા રહેતા હતા. આ વખતે ૯ વિભાગીય પરિણામોમાં લાતુરનો ક્રમાંક છેલ્લેથી બીજો એટલે કે આઠમો છે, પણ એમ છતાં લાતુરના વિદ્યાર્થીઓએ ફરી એક વાર નોંધપાત્ર કામગીરી કરી બતાવી છે. આખા રાજ્યમાંથી માત્ર ૨૧૧ વિદ્યાર્થીઓેએ SSCમાં ૧૦૦ ટકા મેળવ્યા છે જેમાંથી ૧૧૩  વિદ્યાર્થીઓ એટલે કે ૫૦ ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓ લાતુરના છે. આમ ફરી લાતુર પૅટર્ન હિટ રહી છે. લાતુરની ૪૪૬ સ્કૂલનું રિઝલ્ટ ૧૦૦ ટકા આવ્યું છે એ સામે ૧૦ સ્કૂલનું રિઝલ્ટ ઝીરો આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2025 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK