ઘરમાં પ્રવેશીને, તેમને ધમકાવીને ૧.૯૦ લાખ રૂપિયા પડાવ્યા: થાણેની શ્રીનગર પોલીસે સાતારાથી ઠગની કરી ધરપકડ
AI ઇમેજ
થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં આવેલા હિમાંશુ સદનમાં રહેતા ૬૩ વર્ષના ભરત ઠક્કરના ઘરમાં પોલીસ હોવાનો દાવો કરીને જબરદસ્તી પ્રવેશીને ૧.૯૦ લાખ રૂપિયા તડફાવી જનારા ૨૭ વર્ષના અજય મૂળીની થાણેના શ્રીનગરની પોલીસે ગઈ કાલે ધરપકડ કરી હતી. કપડાંની દુકાનમાં સેલ્સમૅન તરીકે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ભરતભાઈના ઘરમાં ૯ ઑગસ્ટે સવારે પોલીસ હોવાનો દાવો કરીને આરોપી પ્રવેશ્યો હતો. તેણે ભરતભાઈ અને તેમનાં પત્ની હંસાબહેનને વિવિધ રીતે ધમકાવીને, બન્નેના મોબાઇલ તપાસ માટે લઈને ગૂગલપેમાંથી ૧.૭૦ લાખ રૂપિયા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા એટલું જ નહીં, ભરતભાઈના બૅન્કનું ATM કાર્ડ પોતાની સાથે લઈ જઈને એમાંથી પણ ૨૦,૦૦૦ રૂપિયા કાઢી લીધા હતા. એકાએક બનેલી આ ઘટનાથી ગભરાઈ ગયેલા દંપતીએ શનિવારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં પોલીસ-ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ બનવાના શોખીન આરોપી સામે અન્ય ગુના પણ નોંધાયેલા
થાણેના શ્રીનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ક્રિષ્ના કોકણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બન્યા બાદ વૃદ્ધ દંપતી ભારે આઘાત અને સદમામાં સરી પડ્યું હતું. પોતાની સાથે થયેલી છેતરપિંડી અને માનસિક ત્રાસને કારણે તેઓ શારીરિક તથા માનસિક રીતે ભાંગી પડ્યાં હતાં. તાજેતરમાં હોશ અને હિંમત આવ્યા બાદ તેમણે આસપાસના લોકો તથા મિત્રોની સલાહ લીધી હતી. આખરે શનિવારે રાત્રે તેમણે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમે તપાસ કરીને અને ટેક્નિકલ ઍનૅલિસિસના આધારે સાતારાના રહેવાસી અજય મૂળીની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે અજય વાસ્તવમાં પોલીસ-અધિકારી નથી, પરંતુ તેને નાનપણથી પોલીસ બનવાનું સપનું હતું. આ કારણે તેણે પોતાની પર્સનાલિટી, ચાલચલગત અને વાતચીત કરવાની શૈલી બિલકુલ અસલી પોલીસ જેવાં જ રાખ્યાં હતાં જેનો ઉપયોગ તે લોકોને ડરાવવા માટે કરતો હતો. આરોપીએ જે બૅન્ક-ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા એની વિગતો અમે મેળવી રહ્યા છીએ.’
ADVERTISEMENT
તપાસના નામે પૈસા પડાવ્યા
રવિવારે ૯ ઑગસ્ટે સવારે સાડાદસ વાગ્યે એક માણસ મારા ઘરમાં ઘૂસી આવ્યો હતો અને પોતાની ઓળખ પોલીસ-અધિકારી તરીકે આપી હતી એમ જણાવીને ભરત ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેણે મને અને મારી પત્નીને ધમકાવતાં કહ્યું કે તમે ગેરકાયદે ગુટકા અને પાનમસાલાનો ધંધો કરો છો એટલે તમારા ઘરની ઝડતી લેવી પડશે. મેં આવો કોઈ ધંધો ન હોવાનું કહેતાં તેણે ધરપકડનો ડર બતાવીને ઘરની તલાશી લેવાનું નાટક શરૂ કર્યું હતું. તપાસના બહાને તેણે અમારા બન્નેના મોબાઇલ ફોન તથા ATM કાર્ડ આંચકી લીધાં હતાં અને બૅન્કની લેવડદેવડ ચકાસવાનું કહીને ગૂગલપે તથા ATMના પિન મેળવી લીધા હતા. થોડી વાર નાટક કર્યા બાદ તે મારું ATM કાર્ડ લઈને જતો રહ્યો હતો. ત્યાર બાદ મારા અકાઉન્ટમાંથી ૭૦,૦૦૦ રૂપિયા અને મારી પત્નીના અકાઉન્ટમાંથી બે વારમાં ૧,૦૦,૦૦૦ રૂપિયા ઑનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા અને ATMમાંથી પણ ૨૦,૦૦૦ રૂપિયા ઉપાડીને કુલ ૧,૯૦,૦૦૦ રૂપિયાની જબરદસ્તી વસૂલી કરીને ફરાર થઈ ગયો હતો. તે સાચો પોલીસ હોવાનું માનીને થોડા દિવસ હું અને મારી પત્ની ભારે આઘાતમાં હતાં. બે-ત્રણ દિવસ અમે બહાર ન નીકળતાં પાડોશીઓએ ઘરે આવીને પૂછપરછ કરી ત્યારે અમને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. અંતે અમે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
