બાર વર્ષના ઇન્તેજાર બાદ આખરે તારીખ પે તારીખનો અંત આવશે : કોર્ટ શરૂ થઈ ગયા બાદ મીરા-ભાઈંદરના લોકોએ થાણેમાં ૧૮ કિલોમીટર સુધીના ધક્કા નહીં ખાવા પડે
મીરા રોડના હાટકેશ વિસ્તારમાં બાંધવામાં આવેલી સ્વતંત્ર કોર્ટ.
મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદરમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વસ્તીમાં ધરખમ વધારો થવાને લીધે આ જોડિયા વિસ્તારને સ્વતંત્ર પોલીસ કમિશનરેટ અને કોર્ટની માગણી લાંબા સમયથી કરવામાં આવી હતી. આથી રાજ્ય સરકારે આ બન્ને માટે મંજૂરી આપીને એ માટેનું ભંડોળ પણ આપ્યું હતું. ૨૦૨૧માં સ્વતંત્ર મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ તો બની ગયું, પણ કોર્ટનું કામ આગળ ન વધવાથી એ હજી સુધી શરૂ નથી થઈ શકી. આ માટે છેલ્લાં ચારેક વર્ષથી તારીખ પે તારીખ પડી રહી હતી. જોકે હવે મીરા રોડના હાટકેશ વિસ્તારમાં બાંધવામાં આવેલી કોર્ટ ૮ માર્ચે મહિલા દિવસે શરૂ કરવાનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. આથી ૮ માર્ચ બાદ મીરા-ભાઈંદરના લોકોએ ૧૮ કિલોમીટર દૂર થાણેની કોર્ટ સુધીના ધક્કા નહીં ખાવા પડે.
રાજ્ય સરકારે મીરા-ભાઈંદર માટેની સ્વતંત્ર કોર્ટની સ્થાપના કરવા માટે ૨૦૧૩માં મંજૂરી આપી હતી. આથી મીરા રોડના હાટકેશ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ૪,૩૫૪ ચોરસ મીટર જગ્યામાં કોર્ટનું બાંધકામ સાત વર્ષમાં કરવામાં આવ્યું હતું. જોકે બાંધકામ થઈ ગયા બાદ ફન્ડના અભાવે ઇન્ટીરિયર અને ફર્નિચર સહિતનું કામ બાકી રહી ગયું હતું. એ દરમ્યાન કોરોના મહામારી આવી હતી એટલે કામ નહોતું થઈ શક્યું. ૨૦૨૨માં રાજ્ય સરકારે ભંડોળ મંજૂર કરતાં કામ આગળ વધ્યું હતું. આથી હવે કોર્ટનું ૧૦૦ ટકા કામ પૂરું થઈ ગયું છે એટલે ૮ માર્ચે કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.