મુલુંડના સિનિયર સિટિઝને બ્રેકની જગ્યાએ કારનું ઍક્સેલરેટર દબાવી દીધું એમાં સર્જાઈ કરુણાંતિકા : ગાડી શાકભાજીના સ્ટૉલ પર ચડી ગઈ : ૪૪ વર્ષનાં નિયતિ શાહ અને બે વર્ષના રાધેશ રૈયાનો જીવ ગયો
ઘટના સમયે અકસ્માત-સ્થળ નજીક કાર (ડાબે-ઉપર); કાર શાકભાજીના સ્ટૉલ સાથે અથડાઈ હતી (ડાબે-નીચે); અકસ્માતમાં મૃત્યુ પામેલાં નિયતિ શાહ (જમણે)
મુલુંડ-વેસ્ટના સિમેન્ટ કંપની રોડ પર ગુરુવારે સાંજે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત થયો હતો. સિટી ઑફ જૉય કૉમ્પ્લેક્સની બહાર ૭૪ વર્ષના મોહન શેષાદ્રિએ પોતાની કાર પરનો કાબૂ ગુમાવી દેતાં કાર રસ્તાની બાજુમાં આવેલા શાકભાજીના સ્ટૉલ સાથે જોરદાર ભટકાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં શાકભાજી ખરીદી રહેલાં ૪૪ વર્ષનાં નિયતિ શાહ અને નજીકમાં જ ઊભેલા બે વર્ષના માસૂમ બાળક રાધેશ રૈયાનું કરુણ મૃત્યુ હતું, જ્યારે તેની ૩૦ વર્ષની મમ્મી પૂજા રૈયાને પણ ઈજાઓ થઈ હતી. આ મામલે મુલુંડ પોલીસે મોહન શેષાદ્રિ સામે બેદરકારીથી વાહન ચલાવવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
શું કહેવું છે પોલીસનું?
ADVERTISEMENT
મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજય જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે સાંજે આશરે ૭ વાગ્યે મોહન શેષાદ્રિ પોતાની કાર સિટી ઑફ જૉય કૉમ્પ્લેક્સના ગેટમાંથી બહાર કાઢી રહ્યા હતા. ગેટની બહાર નીકળતાં જ તેમણે વાહન પરનો નિયંત્રણ ગુમાવ્યો હતો. કારે સૌથી પહેલાં ત્યાં શાકભાજી ખરીદી રહેલાં નિયતિ શાહને અડફેટે લીધાં હતાં, જેને કારણે તેમને માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થતાં હૉસ્પિટલમાં પહોંચતાં જ મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ કાર નજીકમાં જ ઊભેલી પૂજા રૈયા અને તેના બે વર્ષના પુત્ર રાધેશ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે માસૂમ રાધેશ હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો. તેને તાત્કાલિક ફોર્ટિસ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ રાત્રે સારવાર દરમ્યાન તેણે દમ તોડી દીધો હતો. બીજી તરફ પૂજાને પણ ગંભીર ઈજા થઈ હતી. આરોપી ડ્રાઇવર મોહને પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે બિલ્ડિંગના ગેટમાંથી બહાર નીકળતાં જ તેની સામે અચાનક એક ટ્રક આવી ગઈ હતી. ટ્રક સાથેની ટક્કર ટાળવા માટે તેણે સ્ટીઅરિંગ વ્હીલ ખૂબ જ ઝડપથી ફેરવ્યું હતું, પરંતુ ગભરામણમાં બ્રેક મારવાને બદલે ભૂલથી ઍક્સેલરેટર દબાઈ ગયું હતું. આ નાનકડી ભૂલને કારણે કારની ઝડપ અચાનક વધી ગઈ હતી અને એ સીધી ફુટપાથ પરના શાકભાજીના સ્ટૉલ અને ત્યાં ઊભેલા નિર્દોષ લોકો પર ચડી ગઈ હતી. અમે આ કેસમાં કાર જપ્ત કરી છે અને ડ્રાઇવરની ધરપકડ કરી છે.’
બે હસતા-રમતા પરિવારની ખુશી એકઝાટકે છીનવી લીધી
અકસ્માતના સ્થળ નજીકના એસ્ક્વાયર સ્કાયટાવરમાં રહેતા નિયતિબહેનના પતિ રાજીવ શાહે ભારે હૈયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નિયતિ એક ખાનગી કંપનીમાં વર્ક ફ્રૉમ હોમ કરતી હતી અને રોજની જેમ સાંજે શાકભાજી લેવા ગઈ હતી. આ અકસ્માતે મારા નાના પરિવારને વિખેરી નાખ્યો છે.’
બીજી તરફ રાધેશના પિતા ડૉ. સાગર રૈયા મુલુંડના જાણીતા પલ્મનોલૉજિસ્ટ (ચેસ્ટ ફિઝિશ્યન) છે અને તેઓ લોક એવરેસ્ટ સોસાયટીમાં રહે છે. આ હૃદયદ્રાવક ઘટનાની પરાકાષ્ઠા એ હતી કે શુક્રવારે બપોરે મુલુંડ સ્મશાનભૂમિમાં એક જ સમયે માસૂમ રાધેશની દફનવિધિ અને નિયતિબહેનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.
