Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બિઝનેસ વધારવાની લાલચ ભારે પડી ઘાટકોપરના સિનિયર સિટિઝનને

બિઝનેસ વધારવાની લાલચ ભારે પડી ઘાટકોપરના સિનિયર સિટિઝનને

Published : 23 June, 2026 07:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭૧ વર્ષના ગુજરાતી વેપારી સાથે ટેલિગ્રામ પર વ્યવસાયનો વિકાસ કરવાના નામે થઈ ૧૬,૪૫,૬૦૨ રૂપિયાની છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા અને બદલાપુરમાં કાપડની મિલ ધરાવતા ૭૧ વર્ષના ગુજરાતી વેપારીને બિઝનેસ વધારી આપવાની લાલચ આપીને સાઇબર ગઠિયાઓએ ૧૬,૪૫,૬૦૨ રૂપિયા પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ગુજરાતી વેપારીએ પૂર્વ વિભાગ સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ફરિયાદી વેપારીને મોબાઇલ પર ટેલિગ્રામ ઍપ્લિકેશન પર WinkMe Customer Support નામના અકાઉન્ટ પરથી એક મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો તેઓ તેમના બિઝનેસને મોટો કરવા માગતા હોય તો તેમણે પ્રીમિયમ મેમ્બરશિપ લેવી જોઈએ, એનાથી તેઓ બિઝનેસ ક્ષેત્રના અગ્રણી લોકો સાથે જોડાઈ શકશે અને મોટો નફો કમાઈ શકશે. પોતાના વ્યવસાયના વિકાસની લાલચમાં આવીને વૃદ્ધ વેપારીએ આ મેમ્બરશિપ લેવા બીજીથી ૮ જૂન દરમ્યાન વિવિધ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

શું હતો ઘટનાક્રમ?
 કાપડની મિલ ધરાવતા ૭૧ વર્ષના ટેક્સટાઇલના વેપારીને બીજી જૂને મોબાઇલ પર ટેલિગ્રામ ઍપ પર WinkMe Customer Support નામના અકાઉન્ટ પરથી એક મેસેજ આવ્યો હતો.
 મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો તમે તમારો બિઝનેસ વધારવા માગતા હો તો અમારી પ્રીમિયમ મેમ્બરશિપ લો. એનાથી તમે બિઝનેસ ક્ષેત્રના સારા અને પ્રતિષ્ઠિત લોકો સાથે જોડાઈ શકશો અને મોટો નફો કમાઈ શકશો. બિઝનેસ વધારવાની લાલચમાં 
આવીને વેપારી આ મેમ્બરશિપ લેવા તૈયાર થઈ ગયા હતા.
 સાઇબર ગઠિયાઓએ મેમ્બરશિપ અને અન્ય પ્રોસેસિંગના નામે અલગ-અલગ બૅન્ક-ખાતાં આપીને નાણાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. સાઇબર ગઠિયાઓએ દાવો કર્યો હતો કે તમારા વ્યવસાયની વસ્તુ અન્ય લોકોને ઑનલાઇન બતાવીને તેઓ તમારી સાથે બિઝનેસ કરશે.
 ત્યાર બાદ ઑનલાઇન મોટો વ્યવસાય થતો હોવાનો દાવો કરીને વેપારીને જુદી-જુદી લિન્ક્સ મોકલવામાં આવતી હતી. આ લિન્ક પર ક્લિક કરવાથી ડિજિટલ સ્ક્રીન પર તેમનો નફો સતત વધતો દેખાતો હતો. શરૂઆતમાં વેપારીનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ પ્રૉફિટ તરીકે ૬૦૦૦ રૂપિયા પાછા પણ આપ્યા હતા.
 આ આભાસી નફો જોઈને ફરિયાદીએ પોતાના તેમ જ પોતાના પુત્રના બૅન્ક-ખાતામાંથી 
થોડા-થોડા કરીને ૧૬,૫૧,૬૦૨ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. એમાંથી ૬૦૦૦ રૂપિયા પાછા મળતાં કુલ ૧૬,૪૫,૬૦૨ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.
 ફરિયાદીએ સ્ક્રીન પર દેખાતો પોતાનો નફો અને જમા થયેલી રકમ ઉપાડવા માટે સંબંધિત ટેલિગ્રામ અકાઉન્ટ પર સંપર્ક કર્યો ત્યારે સાઇબર ગુનેગારોએ નવી શરત મૂકી કે રકમ મેળવવા માટે ઇન્કમ ટૅક્સના નામે હજી વધુ નાણાં ભરવાં પડશે. વધુ પૈસાની માગણી થતાં જ વેપારીને શંકા ગઈ અને તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી.
 આ મામલે ફરિયાદીએ શરૂઆતમાં રાષ્ટ્રીય સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ તેમણે પૂર્વ વિભાગ સાઇબર પોલીસ-સ્ટેશનમાં જઈને સત્તાવાર લેખિત ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2026 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK