Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આવો ઍક્સિડન્ટ મુંબઈએ ક્યારેય નથી જોયો: બેફામ સ્પીડ બની જીવલેણ

આવો ઍક્સિડન્ટ મુંબઈએ ક્યારેય નથી જોયો: બેફામ સ્પીડ બની જીવલેણ

Published : 21 September, 2026 07:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોસ્ટલ રોડ પર પૂરપાટ જતી કાર બેકાબૂ થઈને ઊડી અને ૭૫ ફુટ ખાબકી નીચે; મુંબઈમાં ભણતા અમદાવાદના ત્રણ સ્ટુડન્ટ‍્સના જીવ ગયા, એકની હાલત ગંભીર: કોસ્ટલ રોડ પર સવારે ૫.૨૦ વાગ્યે થયેલા ભયંકર અકસ્માતને પગલે સર્જાઈ હૃદયદ્રાવક કરુણાંતિકા

મૃતકો

મૃતકો


કાર ચલાવી રહેલા ૨૧ વર્ષના શનય ગજ્જર, ૧૯ વર્ષના આદિત્ય જકસાણિયા અને ૧૭ વર્ષના ધૈર્ય શેઠનું અકાળ અવસાન; ૨૩ વર્ષના આદિત્ય ઓસવાલની હાલત ગંભીર

મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે વહેલી સવારે એક BMW કાર સાઇડ વૉલ સાથે અથડાઈને લગભગ ૭૫ ફુટ નીચે ખાબકતાં ૩ વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માત સવારે લગભગ ૫.૨૦ વાગ્યે થયો હતો. ચારેય વિદ્યાર્થીઓ મરીન ડ્રાઇવથી નૉર્થ બાઉન્ડ લેનમાં જઈ રહ્યા હતા ત્યારે લાલા લજપતરાય કૉલેજ સામે, લોટસ જેટી પાસે કાર બ્રિજ પરથી નીચે નવા તૈયાર થઈ રહેલા પાર્કિંગ-એરિયામાં પટકાઈ હતી. 



પોલીસે આપેલી માહિતી મુજબ કાર ૨૧ વર્ષનો શનય ગજ્જર ચલાવી રહ્યો હતો. કાર તેના જ પરિવારની હતી. તેઓ અમદાવાદના નવરંગપુરાની સ્વસ્તિક સોસાયટીમાં રહે છે. તેની સાથે અમદાવાદમાં જ સોમપોળ અરમાન બંગલો સામે સિંધુ ભવન રોડ પર રહેતો ૧૯ વર્ષનો આદિત્ય કપલેશ્વર જકસાણિયા અને ૧૭ વર્ષનો ધૈર્ય દર્શન શેઠ હતા. એ ત્રણેયનાં આ અકસ્માતમાં મોત થયાં છે. ગંભીર રીતે ઘાયલ થયેલા ૨૩ વર્ષના આદિત્ય ઓસવાલને પહેલાં નાયર હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જોકે ત્યાર બાદ તેને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું. આદિત્યને જમણા પગ, જમણા હાથ અને હોઠ પર ઈજાઓ થઈ છે. ચારેના પરિવારજનો મુંબઈ આવી પહોંચ્યા હતા અને જીવ ગુમાવનાર ત્રણેય મિત્રોના મૃતદેહોને ઍરલિફ્ટ કરીને અમદાવાદ લઈ જવાની ગોઠવણ કરી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર શનય ગજ્જર, આદિત્ય ઓસવાલ અને ધૈર્ય શેઠ વિલે પાર્લેની એક મૅનેજમેન્ટ કૉલેજમાં બૅચલર ઑફ બિઝનેસ ઍડ્‌મિનિસ્ટ્રેશન (BBA)ના વિદ્યાર્થીઓ હતા. મૂળ અમદાવાદનો શનય ગજ્જર મુંબઈમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે શનયે વાહન પરથી કન્ટ્રોલ ગુમાવ્યો ત્યારે કાર ખૂબ જ સ્પીડમાં હતી. પોલીસે જણાવ્યું હતું કે કાર લગભગ ૭૫ ફુટ નીચે પડતાં પહેલાં કોસ્ટલ રોડની દીવાલ સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ નીચે ફંગોળાઈ હતી તથા હવામાં બે-ત્રણ ગુલાંટ ખાઈને જોશભેર નીચે પટકાઈ હતી. અકસ્માતની આ ઘટના દૂરના એક CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી. 

તાડદેવ પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર મીના જગતાપે કહ્યું હતું કે ‘એવું લાગે છે કે કાર ખૂબ જ ઝડપમાં હતી. ઝડપને કારણે ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર કોસ્ટલ રોડની દીવાલ સાથે અથડાઈને પછી લગભગ ૭૫ ફુટ નીચે પડી હતી, જેમાં ૩ વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં અને અન્ય એક ઘાયલ થયો હતો.’ 
પોલીસ જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના મિત્રોનાં તથા અન્ય સાક્ષીઓનાં નિવેદનો નોંધી રહી છે.  


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK