હું મીટિંગમાં છું કહીને સાઇબર ઠગોએ ૪૭ ગિફ્ટ-કાર્ડ મગાવીને ૪.૭૦ લાખ રૂપિયા પડાવી લીધા
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટના પંતનગર વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની ગુજરાતી યુવતી સાથે સાઇબર ઠગોએ તેના બૉસનું વૉટ્સઍપ ડિસ્પ્લે પિક્ચર (DP) વાપરીને વિશ્વાસ કેળવ્યો હતો અને ‘હું મીટિંગમાં છું અને તાત્કાલિક જરૂર છે’ એમ કહીને ઍપલ તથા ઍમૅઝૉનનાં ૪૭ ગિફ્ટ-કાર્ડ ઑનલાઇન મગાવી લીધાં હતાં, જેના બદલામાં યુવતીને ૪,૭૦,૦૦૦ રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. રાત્રે અસલી બૉસને પૂછપરછ કરતાં ભાંડો ફૂટતાં તેણે પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શું હતો ઘટનાક્રમ?
ADVERTISEMENT
ઘાટકોપરના પંતનગરમાં રહેતી અને એક જાણીતી કંપનીમાં નોકરી કરતી ૩૦ વર્ષની યુવતીને પાંચમી ઑક્ટોબરે સવારે ૧૦.૩૦ વાગ્યે વૉટ્સઍપ પર અલગ-અલગ વિદેશી મોબાઇલ-નંબર પરથી મેસેજ મળ્યા હતા.
સાઇબર ગઠિયાઓએ યુવતીની કંપનીના અસલી માલિક (બૉસ)નો ફોટો પોતાના વૉટ્સઍપ DP પર રાખ્યો હતો, જેથી યુવતીને કોઈ શંકા ગઈ નહીં. ગઠિયાઓએ ‘હું મીટિંગમાં છું અને તાત્કાલિક ગિફ્ટ કાર્ડની જરૂર છે’ એમ કહીને યુવતીને વિશ્વાસમાં લીધી હતી.
યુવતી પાસેથી સાઇબર ઠગોએ શરૂઆતમાં ૧૦,૦૦૦ રૂપિયાનાં બે ઍપલ ગિફ્ટ-કાર્ડ મગાવ્યાં જેનો સ્ક્રીનશૉટ મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ અલગ-અલગ સમયે વધુ ૩ અને પછી ૧૦ ગિફ્ટ-કાર્ડની માગણી કરવામાં આવી.
આમ વારંવાર વૉટ્સઍપ મેસેજ મોકલીને બે ઍપલ ગિફ્ટ-કાર્ડ અને ૪૫ ઍમૅઝૉન ગિફ્ટ-કાર્ડ મળીને કુલ ૪૭ ગિફ્ટ-કાર્ડ લેવામાં આવ્યાં હતાં.
રાત્રે ૧૨ વાગ્યે શંકા જતાં યુવતીએ પોતાના અસલી બૉસને વૉટ્સઍપ કૉલ કરીને પૂછપરછ કરી હતી. ત્યારે બૉસે સ્પષ્ટ કર્યું કે તેણે કોઈ જ ગિફ્ટ-કાર્ડ મગાવ્યાં નથી જેથી છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ સમગ્ર છેતરપિંડીના ચક્કરમાં યુવતીએ કુલ ૪,૭૦,૦૦૦ રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ બનાવ વિશે યુવતીએ તાત્કાલિક ઑનલાઇન સાઇબર હેલ્પલાઇન-નંબર પર ફરિયાદ નોંધાવી હતી અને પછી પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
