Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોઈના ગેરકાયદે કામે છીનવી લીધો પરિવારનો આધારસ્તંભ

કોઈના ગેરકાયદે કામે છીનવી લીધો પરિવારનો આધારસ્તંભ

Published : 29 September, 2026 07:14 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

બિલ્ડિંગમાં ઇલ્લીગલી વધારવામાં આવી રહેલી ગૅલરીનો સ્લૅબ માથા પર પડ્યો એને પગલે સાકીનાકામાં રહેતા હિંમત ભાનુશાલીએ જીવ ગુમાવ્યો, ઘરમાં એકમાત્ર કમાનાર હતા

મૃત્યુ પામનાર હિંમત ભાનુશાલી અને પીળા કલરના શર્ટમાં ફુટપાથ પરથી ચાલીને જતી વખતે બનેલી ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ.

મૃત્યુ પામનાર હિંમત ભાનુશાલી અને પીળા કલરના શર્ટમાં ફુટપાથ પરથી ચાલીને જતી વખતે બનેલી ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ.


સાકીનાકાના નાઇન્ટી ફીટ રોડ પર આવેલા સેઠિયાનગરમાં રહેતા ૪૯ વર્ષના હિંમત ભાનુશાલીનું ૨૪ સપ્ટેમ્બરે સવારે ૧૧ વાગ્યે કરિયાણાની દુકાને નોકરી પર જતી વખતે ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ નજીક બિલ્ડિંગમાં ગેરકાયદેસર રીતે વધારાઈ રહેલી ગૅલરીનો સ્લૅબ માથા પર પડતાં કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે આ દુર્ઘટનામાં એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી જેને હાથ પર ૧૭ ટાંકા આવ્યા છે. પરિવારના એકમાત્ર કમાનાર મુખ્ય આધારસ્તંભની છત્રછાયા છીનવાઈ જતાં અને હોમ લોનના મોટા હપ્તા ચાલુ હોવાથી સમગ્ર પરિવાર ઊંડા શોક તેમ જ આર્થિક સંકટમાં મુકાઈ ગયો છે, જ્યારે સાકીનાકા પોલીસે આ મામલે બાંધકામ કૉન્ટ્રૅક્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાનો વિડિયો નજીકના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થયો હતો જે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

હિંમતભાઈના સાઢુભાઈ ગિરીશ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા હિંમતભાઈને તાત્કાલિક નજીકની હૉસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે હીરાનંદાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હિંમતભાઈ પોતાના પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. સામાન્ય કરિયાણાની દુકાનમાં મહેનત-મજૂરી કરીને તેઓ પોતાના ૧૮ અને ૨૧ વર્ષના બે અભ્યાસ કરતા પુત્રોનું ભવિષ્ય ઘડી રહ્યા હતા. ઘરમાં હોમ લોનના મોટા હપ્તા ચાલુ હોવાની વચ્ચે આ ઘટનાથી પરિવાર ગંભીર આર્થિક સંકટમાં મુકાઈ ગયો છે. અમે સરકાર અને પ્રશાસન પાસે માગણી કરી છે કે દોષી સામે કડક કાર્યવાહી કરીને હિંમતભાઈને ન્યાય અપાવવામાં આવે. આ સાથે જ નિરાધાર બની ગયેલા આ પરિવારને બાળકોના અભ્યાસ અને ઘરના ગુજારા માટે યોગ્ય આર્થિક મદદ પૂરી પાડવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે.’
બોકસ: 



પોલીસનું શું કહેવું છે?
સાકીનાકા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બિલ્ડિંગના કૉન્ટ્રૅક્ટર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગૅલરીનો ભાગ અંદર લેવા માટે નિયમો વિરુદ્ધ જઈને ગેરકાયદેસર રીતે સ્લૅબ લંબાવવામાં આવી રહ્યો હતો. આ બાંધકામ માટે BMC પાસે યોગ્ય પરવાનગી લેવાઈ હતી કે નહીં અને કોના નિર્દેશ પર આ કામ ચાલી રહ્યું હતું એ તમામ બાબતો પર હાલમાં ઝીણવટભરી તપાસ ચલાવાઈ રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 07:14 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK