થાણેનો સ્થાનિક રહીશ રુદ્રાંક્ષ પાટીલ મેન્સ ૧૦ મીટર ઍર રાઇફલ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો
ભારતીય શૂટર રુદ્રાંક્ષ પાટીલનું સોમવારે થાણે શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જપાન ખાતે ચાલી રહેલી એશિયન ગેમ્સમાં વ્યક્તિગત તેમ જ ટીમ ઇવેન્ટ્સમાં મલ્ટિપલ મેડલ્સ જીતીને દેશનું નામ રોશન કરનાર ભારતીય શૂટર રુદ્રાંક્ષ પાટીલનું સોમવારે થાણે શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રુદ્રાંક્ષના શાનદાર પ્રદર્શનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને તેની ભાવિ કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી. આનંદનગરસ્થિત ધર્મવીર આનંદ દીઘે થાણે એન્ટ્રી ગેટ ખાતે આ ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
થાણેનો સ્થાનિક રહીશ રુદ્રાંક્ષ પાટીલ મેન્સ ૧૦ મીટર ઍર રાઇફલ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેણે હિમાંશુ ઢિલ્લોન અને પાર્થ માને સાથે જોડી બનાવીને મેન્સ ૧૦ મીટર ઍર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો તેમ જ મેન્સ ૫૦ મીટર રાઇફલ 3 પોઝિશન્સની ટીમ ઇવેન્ટમાં પણ વધુ એક સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
વસઈના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ
ADVERTISEMENT
વસઈ-ઈસ્ટના ભોઇદાપાડામાં આવેલી વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)ના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટા ઊડી રહ્યા હતા જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.વસઈ-ઈસ્ટના ગોખીવરેના ભોઇદાપાડા ખાતે આવેલું આ ડમ્પિંગ ગ્રાઉન્ડ આશરે ૪૦ એકરમાં ફેલાયેલું છે. દરરોજ ૮૫૦ ટનથી વધુ કચરો આ સ્થળે એકઠો કરવામાં આવે છે અને ડમ્પ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કચરાના નિકાલની પ્રક્રિયા બંધ થવાને કારણે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરાના વિશાળ પહાડો બની ગયા છે. આવી વારંવાર થતી આગની ઘટનાઓને લીધે નીકળતો ધુમાડો નજીકના વિસ્તારોમાં ફેલાતો રહે છે જેના કારણે ઍર પૉલ્યુશન થાય છે.
બાળકોના સોશ્યલ મીડિયા અકાઉન્ટ માટે માત્ર ગાઇડલાઇન નહીં, સરકારે સખત કન્ટ્રોલ લાવવાની જરૂર છે ઃ સુપ્રીમ કોર્ટ
દેશમાં ટીનેજરોની ઑનલાઇન સુરક્ષાના અત્યંત મહત્ત્વના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો. કોર્ટે સરકારને સવાલ કર્યો છે કે ૧૮ વર્ષથી નાની વયનાં બાળકોને સોશ્યલ મીડિયા અકાઉન્ટ બનાવવાથી કેવી રીતે દૂર રાખી શકાશે અને તેમના અકાઉન્ટ પર કેવી રીતે કન્ટ્રોલ થશે એ માટે કડક નિયમન લાવવાની જરૂર છે. કોર્ટે ૧૮ વર્ષની વયમર્યાદાના નિયમને માત્ર સામાન્ય દિશા-નિર્દેશો પૂરતો સીમિત ન રાખતાં એને કાયદાકીય સ્વરૂપ આપવાની કેન્દ્ર સરકારને તાકીદ કરી હતી. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્રને તાકીદ કરી છે કે સગીરોની સુરક્ષા માટે માત્ર વહીવટી આદેશો પૂરતા નથી, ઇન્ટરનેટ મિડિયરી નિયમો હેઠળ કાયદાકીય બાધ્યતા નક્કી કરવા વિશે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ.
સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આ સૂચન માટે સહમતી જતાવી હતી અને ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના નિયમો અંતર્ગત કડક કાનૂની સ્વરૂપ આપશે એવી તૈયારી બનાવી હતી.
યુક્રેનને દુનિયાથી વિખૂટું પાડવા રશિયાનો નવો પેંતરો : સૌથી મોટી ટેલિકૉમ સિસ્ટમ પર કર્યા ભીષણ હુમલા
યુક્રેનનો માહિતી-સંપર્ક કાપી નાખવા માટે રશિયાએ હવે ત્યાંના ટેલિકૉમ અને ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સીધું નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. રવિવારે રશિયાએ યુક્રેનની સૌથી મોટી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની કિવસ્ટારના હેડક્વૉર્ટર પર મોટો હુમલો કર્યો હતો. કંપનીના જણાવ્યા મુજબ કિવમાં આવેલી તેમની મુખ્ય ઑફિસ પર હુમલો થયો છે, પરંતુ સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ રશિયાના સંરક્ષણ-મંત્રાલયે પણ દાવો કર્યો હતો કે તેમણે યુક્રેનની બીજી સૌથી મોટી નેટવર્ક પ્રોવાઇડર વોડાફોન યુક્રેનના ડેટા સેન્ટર પર રવિવારે હુમલો કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ‘રવિવારે સવારે કિવના એક ડેટા સેન્ટર પર રશિયાએ બે વખત બૉમ્બમારો કર્યો હતો. એમાં બે બાળકોને અને એક પુખ્ત વયની વ્યક્તિને ઈજા થઈ હતી.’ રશિયા દ્વારા છેલ્લા એક સપ્તાહથી યુક્રેનના ઇન્ટરનેટ પ્રોવાઇડર્સના ડેટા સેન્ટર પર સતત હુમલા થઈ રહ્યા છે. યુક્રેનના ડિજિટલ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હુમલાઓને કારણે કિવ અને આસપાસના વિસ્તારોમાં એક લાખથી વધુ ઘરોમાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ છે.
મુંબઈમાં બન-મસકા માટે ફેમસ ક્યાની ઍન્ડ કંપની બેકરી સહિત ૧૩ ફૂડ-સ્ટોરનાં લાઇસન્સ સસ્પેન્ડ
મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ તહેવારોની મોસમ દરમ્યાન રાજ્યવ્યાપી કાર્યવાહીના ભાગરૂપે ૨૩થી ૨૭ સપ્ટેમ્બર વચ્ચે ૩૦ ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે અને ૧.૧૯ કરોડ રૂપિયાનો ૫૦,૬૦૧.૭૮ કિલો ખાદ્ય સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો હતો. FDAએ જણાવ્યું હતું કે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના કથિત ઉલ્લંઘન બદલ ક્યાની ઍન્ડ કંપની, કોલાબા સ્વીટ માર્ટ, અરુણ વિલાસ ફરસાણ, રુચિ વેજ રેસ્ટોરાં, ડેફોડિલ્સ ફાસ્ટ ફૂડ ઇન અને સબવે સહિતની અનેક સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કાલબાદેવીસ્થિત ક્યાની ઍન્ડ કંપની બેકરીમાં ખોરાક તૈયાર કરવા અને સંગ્રહ કરવાના વિસ્તારોમાં બિલાડીઓ, ઉંદરની હગાર, જીવંત માખીઓ અને મરેલા કૉક્રૉચ મળી આવ્યાં હતાં.
પાલઘરમાં ખાડામાં બાઇક સ્લિપ થવાથી ૭૫ વર્ષના વૃદ્ધ રસ્તા પર પટકાયા, પાછળથી આવી રહેલા કન્ટેનરે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
પાલઘર શહેરના છત્રપતિ શિવાજી મહારાજ ચોક નજીક સોમવારે સવારે બનેલા માર્ગ-અકસ્માતમાં ૭૫ વર્ષના વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટેમ્ભોડે વિસ્તારના રહેવાસી બ્રિજમોહન નિર્મલ સોમવારે સવારે ૧૧ વાગ્યે મનોરથી પાલઘર તરફ બાઇક પર જઈ રહ્યા હતા. પોલીસચોકી નજીક રસ્તાના ખાડામાંથી બાઇક પસાર કરતી વખતે તેમનું સંતુલન બગડ્યું હતું અને તેઓ રસ્તા પર પટકાયા હતા. આ દરમ્યાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલું કન્ટેઇનર તેમના પર ફરી વળતાં ગંભીર ઈજાઓને કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જંક્શન પર તાજેતરમાં ફ્રી-લેફ્ટ ટર્ન માટે બનાવવામાં આવેલા કૉન્ક્રીટના રસ્તા અને જૂના ડામરના રસ્તાની સપાટી વચ્ચે મોટો તફાવત હોવાથી આ અસમથળ માર્ગ જોખમી બન્યો છે. ચોમાસા દરમ્યાન પડેલા ખાડાઓનું યોગ્ય સમારકામ ન થતાં આ અકસ્માત થયો હોવાનો આક્ષેપ કરીને નાગરિકોએ તાકીદે રસ્તો રિપેર કરવાની માગણી કરી છે.
