કાંદિવલીમાં થયું અદ્ભુત આયોજન : દેશભરમાંથી અને વિદેશથીયે આવ્યા યંગસ્ટર્સ: હૅપી ન્યુ યર કહેવાને બદલે હૅપી નેમ યર મનાવી એક નવી દિશાની શરૂઆત કરી
ગાયક જૈનમ વારિયા, ભવ્ય સ્ટેજ પર રાષ્ટ્રધ્વજ અને જૈન ધર્મધ્વજ, ભક્તિ સંધ્યાને માણી રહેલી યુવાનોની મેદની તેમજ હૅપી નેમ યર મનાવ્યું ત્યારે આકાશમાંથી જાણે ગિરનારથી નેમિનાથ ભગવાન પધાર્યા હોય એવું દૃશ્ય સર્જાયું હતું.
મુંબઈમાં થર્ટીફર્સ્ટની રાતે જ્યારે મોટા ભાગના યુવાનો પાર્ટી કરી રહ્યા હતા ત્યારે કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં સપ્તાહ ક્રીડા મેદાનમાં ૩૧ ડિસેમ્બરે સાંજે ૭ વાગ્યા પછી યોજાયેલી એક વિશિષ્ટ ‘શ્યામ સંધ્યા – ગિરનારી નેમિનાથની ભવ્ય ભક્તિ’એ યુવાનોમાં આધ્યાત્મિક ક્રાન્તિ સર્જી હતી. આ શ્યામ સંધ્યામાં ફક્ત મુંબઈના જ નહીં, દેશ-વિદેશના જૈન યુવકો-યુવતીઓ જોડાયાં હતાં જેમણે આ અવસરે નો ચીટિંગ, નો ડ્રગ, નો ડ્રિન્કિંગ, નો સ્મોકિંગ-વેપિંગ, નો ઍડલ્ટ કન્ટેન્ટ, નો સુસાઇડલ અટેમ્પ્ટ્સ અને નો વાયલન્સ જેવા ૭ સંકલ્પ લઈને જાણે સંકલ્પદીક્ષા લીધી હોય એવું દૃશ્ય સર્જાયું હતું. આ કાર્યક્રમનું આયોજન આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિજી મહારાજની ૯૧મી દીક્ષાતિથિ નિમિત્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું જૈન મુનિરાજ શ્રી યુગંધરવિજયજી મહારાજસાહેબ તથા પૂજ્ય પંન્યાસ શ્રી શત્રુંજયવિજયજી મહારાજસાહેબના શિષ્ય પૂજ્ય પંન્યાસ શ્રી ધનંજય મહારાજસાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી રિદ્ધિ સિદ્ધિ આદર્શ જૈન સંઘ, માર્વે રોડ મલાડ-ઈસ્ટના ઉપક્રમે તથા કલ્યાણક ફાઉન્ડેશનના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ કાર્યક્રમનો ઉદ્દેશ ખાસ કરીને યુવાનોને ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડવાનો હતો જેને કલ્પના બહારનો પ્રતિસાદ મળ્યો હતો એમ જણાવતાં મુનિરાજ શ્રી યુગંધરવિજયજી મહારાજસાહેબે
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અનેક સંતો અને ધર્મચિંતકો દ્વારા વર્ષોથી ચિંતા વ્યક્ત થતી આવી છે કે યુવાનો ધર્મથી ધીમે-ધીમે વિમુખ થઈ રહ્યા છે. શ્યામ સંધ્યાના ભક્તિરસ કાર્યક્રમે સંતો અને ધર્મચિંતકોની માન્યતાને એક નવો વળાંક આપ્યો હતો. વિશેષ રૂપે યુવાનોમાં તો આ ભક્તિ વિશે અપ્રતિમ ઉત્સાહ જોવા મળ્યો હતો. મુંબઈની સાથોસાથ ગુજરાત, રાજસ્થાન, ઇન્દોર, બૅન્ગલોર તેમ જ વિદેશના કૅલિફૉર્નિયા, લંડન, ઝામ્બિયા, બૅન્ગકૉક, મેલબર્ન અને સિંગાપોરના યુવાનોમાં પણ આ કાર્યક્રમ પ્રત્યે એક ખાસ ક્રેઝ પેદા થયો હતો અને તેમણે હાજરી આપી હતી.’
શ્રી યુગંધરવિજયજી મહારાજસાહેબે વધુમાં કહ્યું હતું કે ‘આ કાર્યક્રમની એક વિશેષતા એ પણ રહી હતી કે ભક્તિની સાથોસાથ દેશભક્તિ અને શાસનભક્તિનાં ગીતો દ્વારા યુવાનોમાં ધર્મસેવા સાથે દેશસેવાના ભાવ પણ ઉજાગર કરવામાં આવ્યા હતા. તિરંગો અને ધર્મધ્વજ બન્ને આ જૈન ધર્મના અદ્ભુત કાર્યક્રમમાં ગૌરવપૂર્વક લહેરાવવામાં આવ્યા હતા. થર્ટીફર્સ્ટની રાતે ‘હૅપી ન્યુ યર’ કહેવાને બદલે યુવાનોએ ‘હૅપી નેમ યર’ મનાવી એક નવી દિશાની શરૂઆત કરી હતી. કાર્યક્રમનું મૅનેજમેન્ટ, સંગીત, લાઇટિંગ અને પ્રેઝન્ટેશન એટલું સુવ્યવસ્થિત અને પ્રભાવશાળી હતું કે ઉપસ્થિત દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ બની ગઈ હતી.’
૩૧ ડિસેમ્બરની રાતે શ્યામ સંધ્યાની ભક્તિને અવિસ્મરણીય બનાવવા માટે છેલ્લા બે મહિનાથી ખૂબ ગહન આયોજન અને તૈયારીઓ કરવામાં આવી હતી એમ જણાવતાં આ કાર્યક્રમના આયોજકોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન સમાજમાં જેનાં લોકપ્રિય ભક્તિપદોએ સૌકોઈનાં મન મોહી લીધાં છે એવા જૈનમ વારિયાએ પોતાના જાદુઈ કંઠથી નેમિનાથ ભગવાનની ગ્રૅન્ડ ભક્તિ કરી હતી તેમ જ દેશભરના વિવિધ પ્રદેશોના ૧૬થી વધુ અનુભવી આર્ટિસ્ટોની મ્યુઝિકલ ટીમે મળીને વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા એક એવો ભવ્ય માહોલ સરજ્યો હતો જે આજ સુધીના કોઈ ધાર્મિક કાર્યક્રમોમાં કદાચ જોવા નથી મળ્યો. એમાં સ્મિત કોઠારી, ઈશાન દોશી અને જૈનમ સંઘવીએ પોતાની વિશિષ્ટ શૈલીમાં હૃદયસ્પર્શી સંવેદનાઓ કરાવી હતી અને દેશ, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે યુવાનોમાં ગૌરવભાવ જગાડ્યો હતો. આ શ્યામ સંધ્યા માત્ર એક કાર્યક્રમ ન રહેતાં યુવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવતી એક પ્રેરણાદાયક ચળવળ બની ગઈ હતી.’


