મુસાફરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને રેલવે-ઑથોરિટી સામે રોષ વ્યક્ત કર્યો હતો
મુસાફરે ૨૬૦ રૂપિયાનો દંડ ભર્યો હોવાની પાવતી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
લોકલ ટ્રેનના એક મુસાફરને રેલવેની અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS) ઍપ પરથી ટિકિટ કાઢવી ભારે પડી ગઈ. ટેક્નિકલ ખામીને કારણે મુસાફરે કાઢેલી ટિકિટ ઍપમાં દેખાઈ નહોતી એટલે મુસાફરને ૨૬૦ રૂપિયા દંડ ભરવો પડ્યો હતો. મુસાફરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને રેલવે-ઑથોરિટી સામે રોષ વ્યક્ત કર્યો હતો. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)થી ટિકિટ માટે પેમેન્ટ કર્યું હોવાથી મુસાફરની UPI ઍપમાં ટ્રાન્ઝૅક્શન દેખાતું હતું, પણ UTS ઍપમાં ટિકિટ દેખાતી ન હોવાથી ટિકિટચેકરે માન્ય રાખ્યું નહોતું. મુસાફરે ૧૦ રૂપિયા ટિકિટભાડું અને ૨૫૦ રૂપિયા દંડ ભરવો પડ્યો હતો. મુસાફરની મમ્મી સાથે બે મહિના પહેલાં આવો જ બનાવ બન્યો હોવાથી ઍપનો ટેક્નિકલ પ્રૉબ્લેમ તાત્કાલિક સૉલ્વ કરવા પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે રેલવેની ખામીને લીધે મુસાફરો કેમ દર વખતે દંડ ભરે?

