બોરીવલી-દહિસરમાં ડ્રગ્સ વેચતી, નાનાં બાળકો પાસે આ કામ કરાવતી ૬૦ વર્ષની રીઢી ગુનેગાર અને તેની પુત્રવધૂની ધરપકડ
બાળકો પાસે ડ્રગ વેચાવડાવતી રેહાના (ડાબેથી ત્રીજી) અને તેની પુત્રવધૂ ફરીદા (ડાબેથી ચોથી)ને કસ્તુરબા માર્ગ પોલીસે ઝડપી લીધી હતી.
એક એવો પરિવાર જે ડ્રગ્સ (નશીલા પદાર્થો)ના વેચાણનું નેટવર્ક ચલાવી રહ્યો હતો અને જેમાં સગીર બાળકોનો પણ ‘કુરિયર’ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો એ કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનની તપાસના દાયરામાં આવ્યો છે. પોલીસે આ મામલે ૬૦ વર્ષની મહિલા અને તેની ૩૨ વર્ષની પુત્રવધૂની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ મહિલાના બે પુત્રો અને પૌત્ર પણ કથિત રીતે આ ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા છે. આ પરિવાર બોરીવલી અને દહિસર વિસ્તારમાં ડ્રગ્સની સપ્લાયનું નેટવર્ક ચલાવતો હતો.
આ કેસમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે ૬૦ વર્ષની રેહાના અબ્દુલ હમીદ મુલાની ઉર્ફે ‘રાલિયાપ્પા’ની કામ કરવાની પદ્ધતિ અત્યંત ગંભીર છે. પોલીસના જણાવ્યા અનુસાર તે ડ્રગ્સ વેચવાની આદત ધરાવે છે અને ૨૦૦૮થી આ ધંધામાં સક્રિય છે. તે આર્થિક રીતે નબળા પરિવારોને નિશાન બનાવતી હતી. ખાસ કરીને એવા પરિવારોને જેઓ પોતાના સભ્યોની સારવાર માટે પૈસાની વ્યવસ્થા કરવામાં સંઘર્ષ કરી રહ્યા હોય એવા પરિવારોનાં સગીર બાળકોને લાલચ આપીને તેમની પાસે ડ્રગ્સ વેચવાનું કામ કરાવતી હતી. અધિકારીએ કહ્યું હતું કે ‘તે તેમને ડ્રગ્સની લગભગ ૧૦૦ નાની પડીકીઓ ધરાવતું એક બંડલ વેચવા બદલ ૧૦૦૦ રૂપિયા આપતી હતી. આ બાળકો મુખ્યત્વે સંજય ગાંધી નૅશનલ પાર્ક નજીક આવેલા દૌલતનગરના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં તેમ જ બોરીવલી અને દહિસર-ઈસ્ટના કેટલાક ભાગોમાં સક્રિય હતાં.’
ADVERTISEMENT
કેવી રીતે પકડાયું નેટવર્ક?
તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર ઑક્ટોબર મહિનામાં કસ્તુરબા માર્ગ પોલીસે એક મહિલાને ૩૨ ગ્રામ કોકેન સાથે પકડી પાડી હતી જેનાથી આ સમગ્ર નેટવર્કનો ખુલાસો થયો. પૂછપરછ દરમ્યાન પકડાયેલી મહિલાએ કબૂલાત કરી કે તેણે આ ડ્રગ્સ રેહાના અને તેની પુત્રવધૂ ફરીદા મુલાની પાસેથી મેળવ્યાં હતાં.
આ ખુલાસા બાદ પોલીસે બન્ને મહિલાઓની શોધખોળ શરૂ કરી. કેસ નોંધાયા પછી તેઓ પરિવારના અન્ય સભ્યો સાથે ફરાર થઈ ગઈ હતી અને પોલીસપકડથી બચવા માટે વારંવાર પોતાનું ઠેકાણું બદલતી રહેતી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમે દહિસર માર્કેટ નજીક, એસ.વી. રોડ પર આવેલા એક SRA બિલ્ડિંગના સાતમા માળે આવેલા રેફ્યુજ એરિયાના રૂમમાંથી બન્ને મહિલાઓને શોધી કાઢી. પોલીસે ત્યાં દરોડો પાડીને બીજી નવેમ્બરે બન્ને મહિલાઓની ધરપકડ કરી હતી.
ક્યાંથી મેળવતી હતી ડ્રગ્સ?
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર રેહાના સાઉથ મુંબઈ, ખાસ કરીને મસ્જિદ બંદર વિસ્તારમાંથી ડ્રગ્સ મેળવતી હતી. તે આ પદાર્થોને ઘરે લાવીને નાની પડીકીઓમાં વહેંચતી અને પછી સગીરો મારફત એનું વિતરણ કરાવતી હતી. પોલીસને શંકા છે કે તેના પરિવારના અન્ય સભ્યો પણ આ ગેરકાયદે પ્રવૃત્તિના વિવિધ તબક્કાઓમાં સામેલ હતા.
રેકૉર્ડ મુજબ અનેક ગુનામાં સંડોવાયેલી રીઢી ગુનેગાર
પોલીસ રેકૉર્ડ મુજબ રેહાના વિરુદ્ધ ૧૮થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તે એક રીઢી ડ્રગ-પેડલર છે જે પૂછપરછ દરમ્યાન ભાગ્યે જ તેના સપ્લાયરો કે સાથીદારો વિશે કોઈ માહિતી આપે છે. વારંવાર ધરપકડ થવા છતાં તે કથિત રીતે પોતાનું નેટવર્ક ચલાવતી રહી હતી.
