હોળી-ધુળેટીમાં મુંબઈમાં ટ્રૅફિકના નિયમોનો ભંગ કરનારા ૧૭,૪૯૫ લોકો પાસેથી પોલીસે આટલો દંડ વસૂલ કર્યો
પ્રતીકાત્મક તસવીર
હોળી અને ધુળેટીમાં ટ્રૅફિકના નિયમોનો ભંગ કરનારા લોકો સામે મુંબઈ પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરીને ૧૭,૪૯૫ લોકો સામે કાર્યવાહી કરી હતી અને ૧,૭૯,૭૯,૨૫૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે શહેરના મુખ્ય ચોક, રસ્તા અને હાઇવે પર હોળીમાં કાયદાનો ભંગ કરનારાઓ સામે વ્યાપક કાર્યવાહી કરી હતી. હોળી અને ધુળેટીમાં વાહનચાલકોએ શું કરવું અને શું ન કરવું એની ગાઇડલાઇન જાહેર કરી હોવા છતાં લોકોએ નશો કરીને વાહન ચલાવીને, સ્પીડ-લિમિટનું ઉલ્લંઘન કરીને, હેલ્મેટ ન પહેરીને તથા બાઇક-સ્કૂટર પર ટ્રિપલ સવારી કરીને નિયમોનો ભંગ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું.
પોલીસની બે દિવસની વ્યાપક કાર્યવાહીમાં હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવવાનાં ૪૯૪૯, નશો કરીને વાહન ચલાવવાનાં ૧૮૩, રૉન્ગ સાઇડમાં વાહન ચલાવવાનાં ૩૩, વન-વેમાં વાહન ચલાવવાના ૯૯૨, ટ્રિપલ સવારીનાં ૪૨૫, સિગ્નલ તોડવાનાં ૧૯૪૨ અને લાઇસન્સ વગર વાહન ચલાવવાનાં ૮૨૬ સહિત ટ્રૅફિક-પોલીસે કુલ ૧૭,૪૯૫ ચલાન કાપ્યાં હતાં.

