સોશ્યલ મીડિયા પર ખુલાસો કર્યો કે બાળક મિસિંગ થવાનો દરેક કેસ બહુ જ ગંભીરતાથી અને સંવેદનશીલ રીતે હૅન્ડલ કરવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર મુંબઈમાંથી બહુ બાળકો ખોવાઈ રહ્યાં છે તથા દરરોજ ચારથી પાંચ છોકરીઓ ગુમ થાય છે એવા સંખ્યાબંધ મેસેજ ફરતા થવાથી મુંબઈ પોલીસે રવિવારે સોશ્યલ મીડિયા પર ખુલાસો કર્યો છે. એમાં એણે કહ્યું છે કે આવા મેસેજો હકીકતમાં આવું બન્યું છે એ દર્શાવતા નથી. મુંબઈ પોલીસે પોતાની પોસ્ટમાં કહ્યું છે કે મિસિંગ ચાઇલ્ડની દરેક ફરિયાદ મુંબઈ પોલીસ બહુ જ ગંભીરતા અને સંવેદનશીલતાથી લે છે અને આવી ફરિયાદ હૅન્ડલ કરતી વખતે એ માટેનો પ્રોટોકૉલ બહુ જ સ્ટ્રિક્ટ્લી ફૉલો કરવામાં આવે છે. પોલીસે આ બાબતે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના બચપન બચાઓ આંદોલન અને યુનિયન ઑફ ઇન્ડિયાના ચુકાદા અનુસાર દરેક માઇનરના મિસિંગનો કેસ કિડનૅપિંગ જ ગણવામાં આવે છે અને એ મુજબ એની તરત જ સર્વસમાવેશક તપાસ કરવાની હોય છે.
પોલીસે દર્શાવેલા મુદ્દા
સોશ્યલ મીડિયામાં મિસિંગ ચિલ્ડ્રનને લઈને ફરી રહેલા મેસેજ હકીકત દર્શાવતા નથી.
મુંબઈ પોલીસ દરેક મિસિંગ ચાઇલ્ડની ફરિયાદને પ્રાધાન્ય આપીને ગંભીરતાથી અને સંવેદનશીલતા સાથે એને હૅન્ડલ કરે છે.
સુપ્રીમ કોર્ટના બચપન બચાઓ આંદોલન અને યુનિયન ઑફ ઇન્ડિયાના ચુકાદા અનુસાર દરેક માઇનરના મિસિંગના કેસને કિડનૅપિંગ જ ગણવામાં આવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૯૮ ટકા ખોવાયેલા સગીર (૧૮ વર્ષ સુધીના)નો સફળતાપૂર્વક તેમના પરિવાર સાથે મેળાપ કરાવવામાં આવ્યો છે અને આ વર્ષ પણ એમાં અપવાદરૂપ નહીં હોય.
અમે એ માટે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ અને જ્યાં સુધી ચાઇલ્ડ મળી ન આવે ત્યાં સુધી તપાસ પડતી મુકાતી નથી.
લેટેસ્ટ બનાવમાં છ મહિના પહેલાં મુંબઈમાંથી ખોવાયેલી ૪ વર્ષની બાળકીને માતા રમાબાઈ આંબેડકર માર્ગ પોલીસ વારાણસી જઈને શોધી લાવી હતી.
અમારા માટે દરેક બાળક, દરેક પરિવાર મહત્ત્વનાં છે અને તેમની સુરક્ષા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
ખોવાયેલા બાળકને વહેલી તકે શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ, લોકલ યુનિટ્સ અને સ્પેશ્યલ ટીમ પણ નીમવામાં આવતી હોય છે.
અમે લોકોને વિનંતી કરીશું કે વેરિફાય કર્યા વગરની માહિતીને સાચી ન માની લે અને ઑફિશ્યલ સોર્સ પર ભરોસો રાખે.


