મુંબઈમાં ડ્રગ્સ માફિયાઓ પર NCBનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર : ગૃહપ્રધાન અમિત શાહે બિરદાવી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની કાર્યવાહીને
NCBએ જપ્ત કરેલું ડ્રગ્સ
મુંબઈમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ એક અત્યંત ગુપ્ત ઑપરેશન પાર પાડીને ઇન્ટરનૅશનલ ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એજન્સીએ ૬ મહિનાથી શરૂ કરેલા ઑપરેશન ‘વાઇટ સ્ટ્રાઇક’ હેઠળ મુંબઈમાંથી ૩૪૯ કિલો હાઈ ગ્રેડ કોકેન જપ્ત કર્યું છે જેની બજારકિંમત ૧૭૪૫ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
તાજેતરના સમયમાં આ સૌથી મોટી ડ્રગ્સ-જપ્તી છે. આ સફળતા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે NCBની ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં અને નશીલા પદાર્થના વ્યવસાય સાથે સંકળાયેલી કાર્ટેલ્સને નિર્દયતાથી કચડી નાખવા સરકાર કટિબદ્ધ છે એમ જણાવ્યું હતું.
ADVERTISEMENT
અમિત શાહે સોશ્યલ મીડિયા પર આ ઑપરેશનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે NCBએ એક નાના કન્સાઇનમેન્ટના આધારે તપાસ શરૂ કરીને આખા ઇન્ટરનૅશનલ ડ્રગ્સ રૅકેટના મૂળ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. તેમણે આને બૉટમ-ટુ-ટૉપ અપ્રોચનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
આખું ઑપરેશન કેવી રીતે હાથ ધરાયું?
NCBના અધિકારીઓએ બાતમીના આધારે નવી મુંબઈના કળંબોલીના KWC વેરહાઉસિંગ કૉમ્પ્લેક્સ પાસે એક કારને આંતરી હતી અને એમાંથી કોકેનનાં ૧૩૬ પૅકેટ મળી આવ્યાં હતાં જેનું દરેકનું વજન ૧ કિલો હતું. આ પૅકેટ ક્રિકેટનાં પૅડ અને ગ્લવ્ઝમાં છુપાવીને એક કાર્ટનમાં મૂકવામાં આવ્યાં હતાં. એક આરોપીને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો હતો. ફૉલોઅપ કાર્યવાહી બાદ આરોપીએ ભિવંડીમાં સ્ટોર કરેલા માલ વિશે માહિતી આપી હતી. જ્યાં ડ્રગ્સ છુપાવ્યું હતું એ એક વેરહાઉસિંગ હબ છે. NCB ટીમે ભિવંડીના રેહનાલ ગાવના લક્ષ્મણ કમ્પાઉન્ડમાં એક વેરહાઉસમાં બીજી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કોકેનનાં એક કિલોનાં ૨૧૩ પૅકેટ મળી આવ્યાં હતાં.
