Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

એક દોડ દેશને નામ

Published : 23 November, 2026 07:17 AM | Modified : 23 November, 2026 07:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરહદે ખડેપગે ૨૪ X ૭ દેશની રક્ષા કરતી ભારતની ત્રણે સેનાના જવાનોને દોડ ડેડીકેટ કરનાર અર્ચિત ગાલા હાથમાં તિરંગો લઈ ખુલ્લા પગે મૅરથૉન દોડે છે

ખુલ્લા પગે મૅરથૉન દોડી રહેલો અર્ચિત ગાલા.

ખુલ્લા પગે મૅરથૉન દોડી રહેલો અર્ચિત ગાલા.


મુલુંડમાં રહેતા મૂળ કચ્છના માંડવી પાસે આવેલા મકડા ગામના કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિના ૩૩ વર્ષના અર્ચિત ગાલાએ ગઈ કાલે વેસ્ટર્ન નેવલ કમાન્ડની ૨૧ કિલોમીટરની હાફ મૅરથૉન ૨.૩૫ કલાકમાં પૂરી કરી હતી. મૂળ વાત એ છે કે દેશની ત્રણે સેનાઓ આર્મી, ઍરફૉર્સ અને નેવીના જવાનોને ડેડીકેટ કરતી આ દોડ તે હાથમાં તિરંગો લઈને દોડે છે અને એથી પગમાં શૂઝ પણ નથી પહેરતો, ખુલ્લા પગે દોડે છે. 
પ્રોફેશનલી ફાઇનૅન્સ ઍનૅલિસ્ટ તરીકે એક ફૉરેન બૅન્કમાં જૉબ કરતા અર્ચિત ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો સમાજને આગળ લાવવો હોય તો એ માટે આપણે પોતે હેલ્ધી, સ્વસ્થ રહેવું બહુ જરૂરી છે, તમે મને ફિટનેસ ફ્રિક કહી શકો. હું ૨૦૧૬થી મૅરથૉન દોડી રહ્યો છું. ગઈ કાલની મારી ૮૪મી મૅરથૉન હું દોડ્યો હતો જેમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડની આ આઠમી દોડ હતી. દર વખતે હાથમાં તિરંગો હોવાથી હું શૂઝ પહેર્યાં વગર જ દોડું છું. જોકે ૪૨ કિલોમીટરની ફુલ મૅરથૉન વખતે લાંબી દોડ હોવાને કારણે શૂઝ પહેરીને દોડું છું. થોડા વખત પહેલાં જ મેં એશિયાની સૌથી ટફ એવી ૪૨ કિલોમીટરની લદ્દાખ મૅરથૉન ૬.૧૨ કલાકમાં પૂરી કરી હતી.’
પરિવારના સભ્યોનો સપોર્ટ મળી રહે છે એમ જણાવતાં અર્ચિતે વધુમાં કહ્યું હતું કે ‘હું સોલો રનર છું, કોઈ ગ્રુપ સાથે ન દોડતાં એકલો જ દોડું છું. વાઇફ છે તેણે વધારાની ઘરની જવાબદારીઓ સંભાળવાની હોવાથી તે 
ક્યારેક-ક્યારેક મૅરથૉન દોડે છે પણ મને બહુ જ સપોર્ટ કરે છે. ઘરવાળાના સપોર્ટ તો જોઈએ જ. હજી આગળ દોડતો રહીશ, ભારતીય સેનાઓના જવાનોને દોડ ડેડીકેટ કરતો રહીશ.’  

નવમી નેવી હાફ મૅરથૉન-૨૦૨૬માં ૨૨,૫૦૦ દોડવીરોએ ભાગ લીધો



ઇન્ડિયન નેવીએ ગઈ કાલે બાવીસ નવેમ્બરે ઇન્ડિયન નેવીના વેસ્ટર્ન નેવલ કમાન્ડ (WNC) નેવી હાફ મૅરથૉન-૨૦૨૬ની નવમી દોડનું આયોજન કર્યું હતું. મુંબઈના ક્રૉસ મેદાન ખાતેથી શરૂ થયેલી આ સ્પર્ધામાં ભારે ઉત્સાહ અને અજોડ ખેલદિલી જોવા મળી હતી. આ ઇવેન્ટમાં ૨૨,૫૦૦ દોડવીરોએ ભાગ લીધો હતો જેમાં ૨૦ અન્ય દેશોના ૫૯ દોડવીરોનો પણ સમાવેશ થાય છે. મુખ્ય દોડ-સ્પર્ધા ત્રણ શ્રેણીમાં યોજાઈ હતી : ઍરક્રાફ્ટ કૅરિયર રન (૨૧ કિલોમીટર), ડિસ્ટ્રૉયર રન (૧૦ કિલોમીટર) અને ફ્રિગેટ રન (પાંચ કિલોમીટર). આ સ્પર્ધાનો પ્રારંભ વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વાઇસ ઍડ્‍મિરલ સંજય વત્સાયન દ્વારા કરવામાં આવ્યો હતો. નૌકાદળના વડા (ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ), ઍડ્‍મિરલ કૃષ્ણ સ્વામીનાથને પોતે ૨૧ કિલોમીટરની દોડમાં ભાગ લીધો હતો અને અન્ય સહભાગીઓની સાથે ખભેખભા મિલાવીને દોડીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્રણેય રેસ શ્રેણીઓમાં વિજેતા સ્થાન ભારતીય દોડવીરોએ મેળવ્યા હતા અને એ પણ ત્યારે જ્યારે સ્પર્ધામાં મજબૂત આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધીઓ પણ હાજર હતા. પુરુષ વર્ગમાં ૨૧ કિલોમીટર, ૧૦ કિલોમીટર અને પાંચ કિલોમીટરની દોડમાં અનુક્રમે દિનેશ, આદેશ યાદવ અને વિશાલ કનોજિયા પ્રથમ સ્થાને રહ્યા હતા. મહિલા વર્ગમાં ૨૧ કિલોમીટર, ૧૦ કિલોમીટર અને પાંચ કિલોમીટરની દોડમાં અનુક્રમે ચત્રુ ચત્રુ, શિવાની અને સોમ્યા પ્રથમ સ્થાને રહી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK