સાઇબર ફ્રૉડથી મેળવેલા પૈસાથી ઑનલાઇન ફોન ખરીદે અને પછી સસ્તામાં વેચી મારે
પ્રતીકાત્મક તસવીર
નિર્દોષ વ્યક્તિ સાથે સાઇબર છેતરપિંડી કરીને તેમની પાસેથી પડાવેલા પૈસામાંથી ઑનલાઇન આઇફોન ખરીદીને મુંબઈમાં ઓછા ભાવે બોગસ બિલ બનાવીને ગ્રાહકોને વેચતા બે યુવકોની ક્રાઇમ બ્રાન્ચ-૬ની ટીમે કુર્લામાંથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે ૭ આઇફોન-17 જપ્ત કર્યા છે. આ તમામ ફોન ઍમેઝૉન અને ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ પરથી ખરીદવામાં આવ્યા હોવાનો ખુલાસો તપાસમાં થયો છે.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૬ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈના કેટલાક મોબાઇલના દુકાનદારો ઑનલાઇન અને ઑફલાઇન કરતાં ઓછા ભાવે આઇફોન વેચતા હોવાનું જાણવા મળતાં કેટલાક દુકાનદારો પર વૉચ રાખવામાં આવી હતી ત્યારે બે શંકાસ્પદ યુવકો મળી આવ્યા હતા. દરમ્યાન ગુપ્ત સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે આરોપી કુર્લામાં ભેગા થવાના છે એના આધારે છટકું ગોઠવીને ૨૧ વર્ષના રમતુલ્લા શેખ અને ૨૭ વર્ષના ઓમેસ સુમરાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ૭ આઇફોન મળી આવ્યા હતા. આ મોબાઇલ ક્યાંથી ખરીદ્યા એ વિશે માહિતી મેળવતાં તેમને કુરિયર દ્વારા આ ફોન મળતા હોવાનું કહ્યું હતું. કઈ રીતે આ સિસ્ટમ ચાલતી હતી એ વિશે પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે દિલ્હી અને રાજસ્થાનના તેમના સાથી સાઇબર છેતરપિંડી કરીને જે પૈસા પડાવતા હતા એમાંથી તરત ઑનલાઇન વેબસાઇટ પરથી આઇફોન ઑર્ડર કરતા હતા. ફોનની ડિલિવરી થયા બાદ એ ફોન કુરિયરથી મુંબઈ મોકલવામાં આવતા. ત્યાર બાદ આ ફોન મુંબઈ અને થાણેના નાના દુકાનદારોને ઓછા ભાવે વેચી દેવામાં આવતા હતા. એનાથી મોબાઇલના દુકાનદારને ઘણો લાભ થતો હોવાથી તેઓ બિલ બનાવીને ગ્રાહકને મોબાઇલ વેચતા હતા. આરોપીએ આ પહેલાં ૩૦૦ જેટલા આઇફોન મુંબઈ મગાવી વિવિધ વિસ્તારોમાં વેચ્યા હોવાની કબૂલાત પૂછપરછમાં કરી છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’


