MMRમાં આજે અને આવતી કાલે ધોધમાર વરસાદની આગાહી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં આજે અને આવતી કાલે સુસવાટા મારતા પવન સાથે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે ૫૦થી૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડે એવાં પરિબળો સર્જાવાને કારણે હવામાન ખાતાએ બે દિવસ માટે મુંબઈ સહિત પાલઘર, થાણે અને સિંધુદુર્ગમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે, જ્યારે રાયગડ અને રત્નાગિરિમાં રેડ અલર્ટ જાહેર કરી છે.
હવામાન ખાતાનાં ડિરેક્ટર શુભાંગી ભુતેએ જણાવ્યું હતું કે ‘દિક્ષણ કોંકણ અને ગોવા પાસે અરબી સમુદ્રમાં હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે જે આવનારા ૨૪ કલાકમાં ઉત્તર તરફ આગળ વધશે. એથી કોંકણ સહિત આજુબાજુના વિસ્તારોમાં ઑરેન્જ અલર્ટ અને કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. પવન ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે અને કેટલીક જગ્યાએ એનાથી પણ વધુ ઝડપથી ફૂંકાઈ શકે છે. એની સાથે જ ધોધમાર વરસાદ પણ તૂટી પડે એવી સંભાવનાઓ છે. આ સમયે સમુદ્રમાં ઊંચાં મોજાં ઊછળશે એટલે માછીમારોને સમુદ્રમાં ન જવાની તાકીદ કરવામાં આવી છે.’
ADVERTISEMENT
અલર્ટની વૉર્નિંગ આપતા કલર-કોડ શું કહે છે?
રેડ : તોફાની પવનો અને વીજળીના કડાકાભડાકા સાથે કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડી શકે.
ઑરેન્જ : ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે અને વીજળીના કડાકાભડાકા સાથે છૂટીછવાઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે.
યલો : ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને કડાકાભડાકા સાથે છૂટીછવાઈ જગ્યાઓએ ભારે વરસાદ પડી શકે.
ગ્રીન : મધ્યમ વરસાદ.
વરસાદની તીવ્રતાના માપદંડ |
|
બહુ જ હલકો |
૦.૧થી ૨.૪ મિલીમીટર |
હલકો |
૨.૫થી ૧૫.૫ મિલીમીટર |
મધ્યમ |
૧૫.૬થી ૬૪.૪ મિલીમીટર |
ભારે |
૬૪.૫થી ૧૧૫.૫ મિલીમીટર |
બહુ જ ભારે |
૧૧૫.૬થી ૨૦૪.૪ મિલીમીટર |
અતિભારે |
૨૦૪.૪ મિલીમીટર કરતાં વધુ |
અતિવૃષ્ટિ |
૧૨ સેન્ટિમીટર કરતાં વધુ અથવા સૌથી વધુ વરસાદ પડ્યાના રેકૉર્ડની લગોલગ |

