જે બેઠકો પર એક જ ઉમેદવાર હશે ત્યાં મતદાન કરાવવા માટે નિયમોમાં કોઈ જોગવાઈ ન હોવાની આખરે સ્પષ્ટતા કરી રાજ્યના ઇલેક્શન કમિશને
પ્રતીકાત્મક તસવીર
બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હશે એવા વૉર્ડ્સમાં બૅલટ-પેપરના માધ્યમથી નન ઑફ ધ અબવ (NOTA) પસંદ કરવાનો વિકલ્પ હોવા છતાં મતદાન કરાવવામાં નહીં આવે એવી સ્પષ્ટતા ગઈ કાલે સ્ટેટ ઇલેક્શન કમિશન (SEC)એ કરી હતી.
SECએ જણાવ્યું હતું કે નૉમિનેશન ફૉર્મ્સની તપાસ કરી લીધા પછી અને ઉમેદવારો દ્વારા ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ એક જ ઉમેદવાર હોય તો ત્યાં મતદાન ન કરાવી શકાય. એટલે કે એક ઉમેદવાર ધરાવતી બેઠકો પર NOTAને વોટ આપવાની નાગરિકોની માગણી પૂરી થવાની કોઈ શક્યતા નથી.
ADVERTISEMENT
દિનેશ વાઘમારેએ ટેક્સ્ટ-મેસેજમાં કહ્યું હતું કે એક જ ઉમેદવાર બાકી રહે એ પછી NOTAનો વિકલ્પ હોવા છતાં પણ મતદાન કરાવવાની કોઈ જોગવાઈ નિયમોમાં નથી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ એવી માગણી કરી હતી કે ભલે એક જ ઉમેદવાર હોય તો પણ એવી બેઠકો પર મતદાન કરાવવું જોઈએ અને NOTAના વિકલ્પ દ્વારા નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની તક આપવી જોઈએ. આ બાબતે ‘મિડ-ડે’એ જ્યારે SECએ પાસે સ્પષ્ટતા માગી તો SECએ એવી શક્યતાઓને સ્પષ્ટપણે નકારી દીધી હતી.
બિનહરીફ વિજેતાઓની વૅલિડિટી સામે સવાલ કરવા માટે સોમવારે MNSના નેતા અવિનાશ જાધવ ચૂંટણીપંચના અધિકારીઓને મળ્યા હતા અને તેમણે હાઈ કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. એ પહેલાં શનિવારે મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન્સની જેટલી પણ બેઠકો પર બિનહરીફ વિજેતાઓ ચૂંટાઈ આવ્યા છે એ બેઠકોનો એક વિગતવાર રિપોર્ટ ચૂંટણીપંચે માગ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મહારાષ્ટ્રનાં વિવિધ મ્યુનિસિપલ કૉર્પોરેશન્સમાં કુલ મળીને ૬૮ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાનું કહેવાય છે. જોકે ઇલેક્શન કમિશને કહ્યું છે કે ચોક્કસ આંકડો હમણાં જણાવી શકાય નહીં. અહેવાલો તો એવા પણ છે કે કુલ આંકડો ૭૦ છે. એમાં ૪૪ ભારતીય જનતા પાર્ટીનાં, બાવીસ એકનાથ શિંદેની શિવસેનાના, બે અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અને બે સ્થાનિક પાર્ટીના અથવા અપક્ષ ઉમેદવાર છે.


