નવનિર્મિત મંદિરના પરિસરમાં ગઈ કાલે સવારે ૭.૩૦ વાગ્યે મૂર્તિપ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થયો હતો
મુલુંડમાં BAPS સ્વામીનારાયણ મંદિરનો ત્રિદિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો
મુલુંડમાં BAPS સ્વામીનારાયણ મંદિરનો ત્રિદિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેની ગઈ કાલે ભવ્ય અને દિવ્ય મૂર્તિપ્રતિષ્ઠા વિધિ સાથે પૂર્ણાહુતિ થઈ હતી. નવનિર્મિત મંદિરના પરિસરમાં ગઈ કાલે સવારે ૭.૩૦ વાગ્યે મૂર્તિપ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થયો હતો. વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિસભર વાતાવરણમાં BAPSના વરિષ્ઠ સદ્ગુરુ સંતો પૂજ્ય ભક્તિપ્રિયસ્વામી (કોઠારીસ્વામી) અને સદ્ગુરુ પૂજ્ય વિવેકસાગરસ્વામી દ્વારા મૂર્તિપ્રતિષ્ઠા વિધિ થઈ હતી. પંચરાત્ર આગમ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મૂર્તિઓમાં દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. નૂતન મંદિરમાં ભગવાન સ્વામીનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદસ્વામી (અક્ષર પુરુષોત્તમ મહારાજ) તથા શ્રી રાધા-કૃષ્ણ ભગવાન, શ્રી ગુરુપરંપરા, શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિજીની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ મંદિરનું પુન: નિર્માણ એ જ પાવન ભૂમિ પર કરવામાં આવ્યું છે જે ભૂતકાળમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ચરણસ્પર્શથી પુનિત થઈ છે. આ કાર્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની દિવ્ય પ્રેરણાથી સાકાર થયું છે. નિર્મલ લાઇફસ્ટાઇલ મૉલમાં યોજાયેલી સભામાં હજારો ભક્તોને સંબોધતાં સંતોએ જણાવ્યું હતું કે ‘જેમ શિક્ષિત સમાજ માટે સ્કૂલો અને સ્વસ્થ સમાજ માટે હૉસ્પિટલો જરૂરી છે એમ સંસ્કારી સમાજ માટે મંદિરો અનિવાર્ય છે. આ નવું મંદિર સમાજ માટે શાંતિ, પવિત્રતા અને મોક્ષનું કેન્દ્ર બની રહેશે.’
આ ભક્તિ-ઉત્સવમાં પહેલી જાન્યુઆરીએ વિશ્વશાંતિ મહાયાગ અને બીજી જાન્યુઆરીએ ભવ્ય નગરયાત્રાનંુ આયોજન થયું હતું. ગઈ કાલે અંતિમ પ્રાણપ્રતિષ્ઠા વિધિ સાથે એ પૂરો થયો હતો. મુંબઈભરના હજારો ભક્તો અને ભાવિકો આ ઉત્સવમાં જોડાયા હતા.


