બદલાપુર અને વાંગણી સ્ટેશન વચ્ચે કાસગાવ નામનું નવું રેલવે સ્ટેશન બનવાનું હોવાથી ત્યાંથી સીધું નવી મુંબઈ પહોંચી શકાશે
પ્રતીકાત્મક તસવીર
રેલવે પ્રશાસને સેન્ટ્રલ રેલવેમાં કાસગાવ, મોરબે અને માનસરોવર વચ્ચે નવો રેલવે-રૂટ બાંધવા માટેની મંજૂરી આપી દીધી છે. એ માટેનું સર્વેક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ નવા રેલવે-રૂટથી બદલાપુર અને નવી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર ૩૦ મિનિટનું થઈ જશે. બદલાપુર અને વાંગણી સ્ટેશનો વચ્ચે કાસગાવ નામનું નવું રેલવે-સ્ટેશન બનાવવામાં આવશે એથી બદલાપુર અને આસપાસના લોકો નવી મુંબઈ જવા માટે થાણેને બદલે કાસગાવથી સીધા નવી મુંબઈ પહોંચી શકશે.
બદલાપુર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો કામકાજ માટે દરરોજ નવી મુંબઈનો પ્રવાસ કરે છે. તેમણે એ માટે બદલાપુરથી થાણે અને થાણેથી નવી મુંબઈ જવું પડે છે જેમાં વધુ સમય વેડફાય છે. બદલાપુરથી નવી મુંબઈ જવા માટે સુધરાઈની બસો ચાલે છે, પણ શિળફાટા અને તળોજામાં ભારે ટ્રાફિક જૅમ થવાથી દોઢેક કલાક જેટલો સમય લાગી જાય છે.

